આંખ આવે ત્યારે કોઈ ઘરગથ્થુ ઉપચાર હોય?

05 April, 2024 07:51 AM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

તાપમાનમાં જે બદલાવ આવે એને કારણે શરીરનું પિત્ત વધે છે જે આંખને અસર કરે છે.

પ્રતીકાત્મક તસવીર

મારો બે વર્ષનો દીકરો સવારે આંખ ખોલી જ નથી શકતો એટલી બધી આંખ બોબડાઈ જાય છે. તેને આંખ આવી છે, પણ મારા ઘરમાં સાસુ કહે છે કે આનો કોઈ ઇલાજ જ નથી. મોટાને કહી શકાય કે આંખને હાથ ન લગાડો, બાળકોને કઈ રીતે રોકવાં. વળી, એને કારણે આખા ઘરને આંખ આવશે એવું મને લાગી રહ્યું છે. કોઈ ટીપાં ન હોઈ શકે જેનાથી તે જલદી ઠીક થાય?

આજકાલ આ સામાન્ય ફરિયાદ જોવા મળી રહી છે. માતા-પિતા અમારી પાસે એ જ ફરિયાદ લઈને આવે છે કે બાળકની આંખો એકદમ લાલ છે. આને કન્જંક્ટિવાઇટિસ કહે છે. આંખ આવવી એ એક ચેપી વસ્તુ છે અને અચાનક જ એ રોગ ફેલાય ત્યારે ઘણા બધાને એકસાથે આ તકલીફ આવે છે. આ એવાં બાળકોમાં વધુ સામાન્ય દેખાય છે જેમને હાલમાં તાવ આવેલો હતો. તાવને લીધે ઇમ્યુનિટી ઓછી થઈ જ ગઈ હોય જેને લીધે ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય એટલે આંખની આ સમસ્યા આવી જાય. 

કન્જંક્ટિવાઇટિસને આયુર્વેદમાં અભીષ્યંદ કહે છે. પિત્તની અસર આંખ પર સૌથી વધુ દેખાય છે. તાપમાનમાં જે બદલાવ આવે એને કારણે શરીરનું પિત્ત વધે છે જે આંખને અસર કરે છે. એ વાઇરલ અને એલર્જિક કન્જંક્ટિવાઇટિસનું કૉમ્બિનેશન હોય છે. એને જતા ૩-૬ દિવસ લાગે છે. બાળકની આંખોને સૉફ્ટ મલમલના કપડાને ભીનું કરીને સાફ કરો જેથી ઇરિટેશન ન થાય. ઘરગથ્થુ ઉપચાર તરીકે આમાં વ્યક્તિ ત્રિફળાના પાણીથી આંખ ધોઈ શકે છે. શરત ફક્ત એ છે કે એના પાણીને મલમલના કપડાથી ગાળી લેવું. કોથમીરને વાટીને એના રસને આંખમાં નાખવાથી થોડી જ સેકન્ડમાં એની જાદુઈ અસર તમને મળશે. આ સિવાય ૫૦૦ ગ્રામ લીમડાનાં બીજને અડધો લીટર પાણીમાં ક્રશ કરી રાતભર પલાળી રાખો, સવારે કુકરમાં ઉકાળવા મુકો. વરાળ ભરાય એટલે સિટી કાઢી એની જગ્યાએ એક રબરની પાઇપ જોડી દો. કૂકરના મધ્ય ભાગને બરફના પાણીમાં બોળો. જે તમને મળશે એ ડિસ્ટિલ થયેલું ડીકોક્શન મળશે. જે બહાર આવે એ પ્રવાહી ૧૦૦ મિલીલીટર જેટલું જ લો, જેને ૫૦ ગ્રામ દેશી ગુલાબની પાંખડી, ૫૦ ગ્રામ ત્રિફળા પાઉડરમાં ભેળવી એક બેસ્ટ આય ડ્રૉપ તૈયાર કરો. મરાઠવાડામાં છેલ્લે જ્યારે કન્જંક્ટિવાઇટિસ ફેલાયો ત્યારે આ આઇ ડ્રૉપેથી ઘણા લોકોને ખૂબ રાહત થઈ હતી. તમે પણ બાળક માટે એ ટ્રાય કરો.

health tips columnists