11 November, 2024 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગાદલાં-ગોદડાં
આમ તો દિવાળીની સફાઈ દરમ્યાન આ કામ થતું જ હોય છે, પરંતુ આ વર્ષે એક વાર કરવાનું કામ નથી. હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે દર પંદર દિવસે તમે જે રેગ્યુલર બ્લેન્કેટ્સ વાપરો છો એને તડકે તપાવવો જરૂરી છે. અમેરિકન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં ઍલર્જિક શરદીનાં કારણોમાં મહત્ત્વનું કારણ ઘરમાં વપરાતી મૅટ્રેસ અને બ્લેન્કેટ્સની અસ્વચ્છતા પણ છે
મુંબઈ શહેરનું વાતાવરણ આમેય ભેજવાળું છે. ચોમાસા દરમ્યાન ગાદલાં-ગોદડાં અને ઓઢવાના બ્લેન્કેટ્સમાં ભેજ લાગી જાય છે એટલે દિવાળીની સફાઈ દરમ્યાન ભેજ સૂકવવા માટેય ગાદલાં-ગોદડાંને અગાસીમાં એક આખા દિવસનો તડકો ખવડાવવો જરૂરી છે. અમેરિકાના નિષ્ણાતોના કહેવા મુજબ બ્લેન્કેટ, બેડશીટ્સ અને મૅટ્રેસમાં સૌથી વધુ ડસ્ટ ભરાઈ રહેવાની સંભાવના હોય છે જે ઍલર્જીનું કારણ બને છે. વિન્ટરમાં આ ડસ્ટ સૌથી વધુ પરેશાન કરતી હોવાથી સૂવા માટે વપરાતી ચીજોને ડિસઇન્ફેક્ટ કરવી જરૂરી છે. પશ્ચિમના કેટલાક નિષ્ણાતોએ આ માટે બેડિંગ આઇટમ્સને ક્યારે ધોવી અને સાફ કરવી એની ગાઇડલાઇન્સ પણ બહાર પાડી છે. જે વધતેઓછે અંશે ભારતીય જીવનશૈલીને પણ લાગુ પડે છે. વારંવાર ગાદલાનાં કવર, ઓશીકાનાં કવર, ચાદર, બ્લેન્કેટ કે રજાઈનું કવર ધોવાનું શક્ય નથી, પરંતુ એને તાપ આપવાથી ઇન્ફેક્શન પેદા કરતાં ડસ્ટમાઇટ્સ એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે.
બ્લેન્કેટ તપાવવાના ફાયદા
૧. સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણો નૅચરલ ડિસઇન્ફેક્ટન્ટનું કામ કરે છે. એનાથી બૅક્ટેરિયા, વાઇરસ, ફંગસ કે ડસ્ટ માઇટ્સનો નાશ થાય છે. શિયાળામાં બ્લેન્કેટ્સમાં માઇક્રો ઑર્ગેનિઝમ એટલે કે જીવાણુઓ ભરાઈ રહેવાની સંભાવના વધે છે જે તડકામાં તપાવવાથી નાશ પામે છે.
૨. ફ્રેશ ઍર અને સનલાઇટ બન્ને મળે તો ફૅબ્રિકમાંથી ભેજ અને ઉચ્છ્વાસને કારણે પેદા થતી વાસ ઘટી જાય છે. કેમિકલ સ્પ્રે કે આર્ટિફિશ્યલ ફ્રેગરન્સ વિના જ તપાવેલા બ્લેન્કેટ્સમાંથી વાસ દૂર થઈ જાય છે.
૩. રાતે સૂતી વખતે શરીરનો પસીનો ચૂસી લેતા ફૅબ્રિકમાં મૉઇશ્ચર ભેગું થતું રહે છે. તાપમાં સૂકવવાથી એ કમ્પ્લીટ ડ્રાય થઈ જાય છે.
૪. ડ્રાયર ફેરવવા કે કેમિકલ ક્લીનિંગ એજન્ટ્સ વાપરવા જેવી પદ્ધતિઓની સરખામણીએ આ ઇકો-ફ્રેન્ડલી અને કૉસ્ટ-ઇફેક્ટિવ કૅર છે.
વૉશિંગની ફ્રીક્વન્સી શું?
ચાદર: વીકમાં એક વાર ધોવી
ઓશીકાનું કવર: વીકમાં એક વાર
બ્લેન્કેટ: પંદર દિવસે એક વાર
રજાઈનું કવર: પંદર દિવસે એક વાર
ઓશીકાં, રજાઈ કે ગાદલાની અંદરનું કવર: પાંચથી છ મહિને એક વાર