મેદસ્વિતા મારે એ પહેલાં ચેતી જાઓ

11 October, 2019 03:43 PM IST  |  મુંબઈ | દર્શિની વશી

મેદસ્વિતા મારે એ પહેલાં ચેતી જાઓ

ઓબેસિટી

વિશ્વભરમાં સ્થૂળતામાં ભારત અને ચીન વચ્ચે હુંસાતુંસી ચાલી રહી છે. સ્ટેસ્ટિકલી અત્યારે આપણે બીજા નંબરે છે પરંતુ ક્યારે પહેલા પર આવી જઈશું કહેવાય નહીં. ડાયાબિટીઝ, હાર્ટ ડિસિઝ, કૅન્સર, હાડકાં અને સ્નાયુના રોગો, માનસિક બીમારીઓ જેવી તો કંઈ કેટલીયે પેકેજ ઓબેસિટી સાથે ફ્રીમાં મળે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિઝના કહેવા પ્રમાણે ઓબેસિટીના લીધે બાળકોમાં મરણાંકનો દર ૩૩ ટકા સુધી વધી શકે છે. આજે વર્લ્ડ ઓબેસિટી ડે છે ત્યારે જાણીએ ઓબેસિટીને લગતી મહત્વપૂર્ણ વાતો.

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશને કરેલા રિસર્ચ પ્રમાણે ચીન બાદ ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા સૌથી વધારે છે. જે રીતે મેદસ્વીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેને જોતાં ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા વર્ષ ૨૦૩૦ સુધીમાં વધીને ૨૭ મિલ્યનની થઈ જવાનું અનુમાન છે. આવા જ બીજા એક અભ્યાસ પ્રમાણે, છેલ્લાં ૨૦ વર્ષમાં દેશમાંનાં બાળકો અને ટીનએજર્સમાં ઓબેસિટીના પ્રમાણમાં વાર્ષિક ૪.૯૮% ની વૃદ્ધિ થઈ છે. આ બન્ને રિસર્ચના આંકડા ચોંકાવનારા તો છે, સાથે એક અલાર્મ પણ છે કે જો આ ગંભીર બાબત પર ધ્યાન નહીં આપવામાં આવે તો તેનું પરિણામ માઠું આવી શકે છે. શું છે આ ઓબેસિટી? કેવી રીતે તે શરીર ને નુકસાન કરી શકે છે? કયાં કારણોને લીધે ઓબેસિટી વધે છે? તેને કન્ટ્રૉલમાં લાવવા માટે શું કરી શકાય ? વગેરે વગેરે બાબતોની આજે અહીં ચર્ચા કરીશું.

બીમારીઓનું ઘર

ઓવરવેઇટ અને ઓબેસિટી એ હૅલ્થનો સૌથી મોટામાં મોટો દુશ્મન છે. એક સમયે આ માત્ર શ્રીમંતો સુધી જ સીમિત હતું પરંતુ આજે તેના વિસ્તારની કોઈ સીમા રહી નથી. ઓબેસિટી માટે માત્ર ખોરાક નહીં પરંતુ અનેક કારણો છે. એટલું જ નહીં, તેના લીધે શરીરને પણ અનેક સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. આ સંદર્ભે ડાયાબિટિઝ એક્સપર્ટ ડૉ. અનુશ્રી મહેતા કહે છે, ‘વધુ ને વધુ લોકોમાં જોવા મળી રહેલી ઓબેસિટીની સમસ્યા આજનો સૌથી મોટામાં મોટો પડકાર છે. જે તમામ રોગ અને બીમારીઓની સીડીનું પ્રથમ પગથિયું છે. ડાયાબિટીસ, બીપી, ઓર્થોપેડિક સમસ્યા, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ, કૅન્સર, સ્ટ્રેસ, માનસિક તણાવ, હાર્ટ ડિઝીસ વગેરે જેવી બીમારીઓને આમંત્રણ આપે છે. આમ તો ઓબેસિટી માટે ઘણાં કારણો જવાબદાર છે પરંતુ સૌથી મુખ્ય કારણ છે, ફિઝિકલ એક્ટિવિટીમાં થઈ રહેલો ઘટાડો. કોઈ દિવસ હૃષ્ટપુષ્ટ મજૂરને મકાનનું બાંધકામ કરતાં જોયો છે? કે પછી હાથલારીમાં સેંકડો કિલોનું વજન ખેંચીને ચાલતા હમાલનું કોઈ દિવસ બહાર નીકળેલું પેટ દેખાયું છે? નહીં ને! કેમ? કેમ કે તેઓ ફિઝિકલી સતત કાર્યશીલ રહેતા હોય છે. ઘણા કેસમાં સામાન્ય લોકોમાં હેરીડિટી અથવા તો કોઈક બીમારી અથવા અન્ય કારણસર શરીર પર મેદ જામી ગયેલો હોય છે પરંતુ તેવા દાખલા ઘણા ઓછા છે. મુખ્ય કારણ તો ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ જ છે. આજે ટૅક્નૉલોજીના સમયમાં બધું હાથવગું થઈ ગયું છે, જેને લીધે ફિઝકલ એક્ટિવિટી ઓલ મોસ્ટ નિયર ટુ ઝીરો થઈ ગઈ છે તો સામે જીભના ચટાકા પણ વધી ગયા છે. આવી સ્થિતિમાં ઓબેસિટીમાંથી કેવી રીતે બચી શકાશે? એ તો આવીને જ રહેશે.’

ભવિષ્ય જોખમમાં

ઓબેસિટી એ માત્ર પુખ્ત વયના લોકોની જ સમસ્યા નથી પરંતુ આજે તે આપણું ફ્યુચર ગણાતાં નાનાં બાળકો અને ટીનેજર્સ માટે પણ મુખ્ય સમસ્યા બની રહી છે. આજથી પંદર-વીસ વર્ષ પૂર્વે આવી પરિસ્થિતિ હતી નહિ. આજે ખાસ કરીને મેટ્રો અને સેમી મેટ્રો શહેરોમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ સબળી બની છે. બહાર ખાવાનું વધ્યું છે. ફિઝિકલ એક્ટિવિટી એટલે કે આઉટડોર રમતગમત ઘટી ગઈ છે. ટૅક્નૉલોજીનું વળગણ વધ્યું છે, જે તમામ બાબતોને લીધે આ વયજૂથના લોકોમાં ઓબેસિટી વધી છે. થોડા સમય પૂર્વે હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે મુખ્ય શહેરોમાં સ્કૂલે જતાં બાળકોમાં ઓબેસિટી વધારે છે. દર પાંચ બાળકમાંથી એક બાળક ઓબેસિટીનો ભોગ બનેલો છે. કેટલાક વિદેશોમાં આ સમસ્યાને રોગ પણ ગણવામાં આવે છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયનસીઝના કહેવા પ્રમાણે, ઓબેસિટીના લીધે બાળકોમાં મરણાંકનો દર ૩૩ ટકા સુધી જઈ શકે છે. આ બાબતમાં ડૉ. અનુશ્રી કહે છે, ‘બાળકોમાં ઓબેસિટીના કેસની વાત કરીએ તો ૧૬ વર્ષથી ઓછી વયનાં બાળકોમાં વધુ વજનના કારણે ડાયાબિટીસના કેસ વધ્યા છે. આ ઉપરાંત પગ પર વધુ વજન આવવાથી ઓર્થોપેડિક સમસ્યાઓ પણ વધી છે.’

ઓબેસિટીથી ડાયાબિટીસ, બીપી વગેરે વગેરે આવે છે. એના વિશે તો ઘણાને ખબર હશે પરંતુ તેનાથી હોર્મોન્સમાં મોટી ઊથલપાથલ થઈ શકે છે, તે વિશે બહુ ઓછા લોકો જાણે છે; એમ જણાવતાં ચાઇલ્ડહુડ ઓબેસિટી સ્પેશિયાલિસ્ટ અને ન્યુટ્રિશિયનિસ્ટ ડૉ. અંકિતા શાહ વધુમાં કહે છે, ‘ઓબેસિટીના લીધે તમારા હોર્મોન્સનું બેલેન્સ બગડી જાય છે, જેને લીધે બીજી અનેક બીમારીઓ પણ વધે છે, જેમાં સૌથી મુખ્ય બીમારી જે સામે આવી રહી છે તે છે થાઈરોઇડની અને તે પણ નાનાં બાળકોમાં. મારી પાસે થાઇરોઇડની સમસ્યા લઈને ઘણા પેશન્ટ આવી રહ્યા છે, જે નવથી દસ વર્ષનાં નાનાં બાળકો છે. જેમની તપાસ કરતાં જણાવ્યું કે હોર્મોન્સમાં બદલાવ આવવાને લીધે થાઇરોઇડ થયું છે. જે બદલાવ ઓબેસિટીને લીધે જ થયા છે. ઘણા કેસમાં ઓબેસિટીની અસર બાળકોમાં લાંબે ગાળે પણ જોવા મળે છે, જે કોઈ ને કોઈ રીતે તેઓને અફેક્ટ કરે જ છે. આથી ઓબેસિટીથી પીડાતા લોકોએ ક્યારે પણ નાનામાં નાના સંકેતની અવગણના કરવી નહીં. આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે હંમેશા ખોરાક ખૂબ ચાવીને ખાવો, જેથી ઓછું ખવાય અને સાથે આપણી લાળ વાટે ખોરાકમાં રહેલાં તત્ત્વો શરીરની અંદર જઈ શકે.’

ઓબેસિટીને કેવી રીતે ઓળખવી?

વજન અને ઓબેસિટીનો કોઈ ચોક્કસ માપદંડ નથી પરંતુ ઊંચાઈ અને બાંધા કરતાં દસ ટકા વધુ વજન હોય તો તે માણસ મેદસ્વી કહેવાતો નથી. ઓબેસિટી માપવા માટે વપરાતો ‘બોડી માસ ઇન્ડેક્સ’ માત્ર પુખ્ત વયના લોકો માટે હોય છે, નાનાં બાળકો માટે તે ઉપયોગી નથી. આ ઉપરાંત મેદસ્વી છે કે નથી તેની જાણકારી કમરના ઘેરાવા પરથી પણ મળી જાય છે. પુરુષોની કમર ૯૦ સેન્ટિમીટર કરતાં ઓછી અને સ્ત્રીઓની ૮૦ સેન્ટિમીટર કરતાં ઓછી હોવી જોઈએ. એક અભ્યાસ મુજબ જે બાળકો તેની ટીનએજ દરમિયાન સ્થૂળ હોય છે, તેઓનું પુખ્ત વય દરમિયાન ઓબિસ બનવાના ચાન્સીસ વધી જાય છે. માતાપિતામાંથી એક જણ જો ઓબિસ હશે તો તેના પણ ઓબિસ થવાના ચાન્સીસ ૫૦ ટકા વધી જાય છે. અને જો માતાપિતા બન્ને મેદસ્વી હોય તો ઓબિસ થવાના ચાન્સીસ ૮૦ ટકા જેટલા વધી જાય છે.

શું કરવું જોઈએ?

ધી, કેળા વગેરે ખાવાથી વજન વધે છે અને ચરબીમાં વધારો થાય છે, એવું માનવું તદ્દન ભૂલભરેલું છે. આવી તો ઘણી માન્યતાઓ સ્થૂળતા સાથે સંકળાયેલી છે, એવો ખુલાસો કરતાં ડૉ. અનુશ્રી કહે છે, ‘દરેક વ્યક્તિ ઘરનું થોડું ધી તો ખાવું જ જોઈએ. ફક્ત ઘી જ નહીં પરંતુ ઘરમાં બનતી દરેક વસ્તુ જરા તો જરા પણ ખાવી જ જોઈએ. દરેક વસ્તુમાં કોઈ ને કોઈ વિટામિન અને મિનરલ્સ રહેલાં હોય છે, જે શરીર માટે ખૂબ જરૂરી હોય છે. આ સિવાય વેજિટેબલ્સ, સિ‌રિયલ, આખું ધાન, ફાઇબરયુક્ત પદાર્થ અને ખૂબ પાણી આરોગવું જ જોઈએ. રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ. થોડા થોડા સમયની અંદર જગ્યા પરથી ઊભા થઈ જવું જોઈએ. યોગ્ય ડૉક્ટરનો સંપર્ક સાધીને શરીરની જરૂરિયાત મુજબ ડાયેટ પ્લાન બનાવવો જોઈએ. પરંતુ હા એક વાતનું ધ્યાન રાખવું કે જલ્દી વજન ઉતારવાની કોશિશમાં શરીરમાં વિટામિન ઓછાં થઈ જાય.’

ચોંકાવનારા આંકડા

સૌથી ઓછું વજન ધરાવતા લોકોમાં ચીન અને ભારતનો ક્રમાંક પ્રથમ આવે છે. તેવી જ રીતે, વધુ વજન ધરાવતા દેશની યાદીમાં પણ ભારત અને ચીન વચ્ચે પ્રથમ ક્રમાંકે આવવા માટે સ્પર્ધા ચાલી રહી છે.

ભારતમાં ઓવરવેઇટ લોકોની સંખ્યામાં હનુમાન કૂદકો જોવા મળી રહ્યો છે. ૧૯૭૫ની સાલમાં ભારતમાં ૦.૪ મિલ્યન પુરુષો મેદસ્વીની કૅટેગરીમાં આવતા હતા જેની સંખ્યા આજે વધીને ૯.૮ મિલ્યનની નજીક પહોંચી ગઈ છે. જે વૈશ્વિક પોપ્યુલેશનનો ૩.૭ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે સ્ત્રીઓએ તો જોરદાર બાજી મારી છે. મેદસ્વી મહિલાઓની સંખ્યા ૨૦ મિલ્યન થઈ ગઈ છે.

ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા ૨૭ મિલ્યન છે જ્યારે ચીનમાં ૬૨ મિલ્યન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧૭ મિલ્યન છે.

૨૦૨૦ના અંત સુધીમાં વિશ્વમાં ૧૫૮ મિલ્યન બાળકો મેદસ્વી બની જવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે ૨૦૩૦ સુધીમાં આ આંકડો ૨૫૪ મિલિયન સુધી જવાનું અનુમાન છે.

આ પણ વાંચો : તમે શું કરો છો આંખોની તંદુરસ્તી માટે?

પોલીસોને પણ મેદ ઓછો કરવા માટે ઉપરીઓની ફટકાર મળી રહી છે. તાજેતરમાં રાજ્યમાં તેના માટે એક ઉચ્ચાયુક્ત મીટિંગ પણ મળી હતી. તેવી જ રીતે કર્ણાટકમાં વજનદાર પોલીસ કર્મચારીઓને વજન ઓછું કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ તેઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોર્પોરેટ ઇન્ડિયાના ફિટનેસ રિપોર્ટ પ્રમાણે, દસમાંથી છ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર કામ કરનાર વ્યક્તિ મેદસ્વીની કૅટેગરીમાં આવે છે.

obesity health tips