24 December, 2024 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનનાસ અને અદ્રક
તમે અનનાસ એટલે કે પાઇનૅપલનો જૂસ તો પીધો હશે, પણ શું એમાં અદ્રક એટલે કે આદુંની ફ્લેવર ઍડ કરવાનો નવો અખતરો કર્યો છે? સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અવનવાં ફૂડ-કૉમ્બિનેશન્સમાં અનનાસ અને અદ્રકનું કૉમ્બિનેશન શ્રેષ્ઠ હોવાનો દાવો હેલ્થ-એક્સપર્ટ્સ કરી રહ્યા છે. જોકે આ બન્ને ફૂડનું કૉમ્બિનેશન શરીરમાં રિવર્સ ઇફેક્ટ તો નહીં આપેને? એ ખરેખર આરોગ્યપ્રદ છે? એવા સવાલોની સામે એક્સપર્ટનું કહેવું છે કે અનનાસ અને અદ્રકને એકસાથે લેવામાં આવે તો એ વધુ ઇફેક્ટિવ સાબિત થઈ શકે છે. અનનાસની મીઠાશ અને અદ્રકની તીખાશ નવો ટેસ્ટ ક્રીએટ કરે છે અને આ બન્નેનું સેવન સાથે કરવાથી હેલ્થ-બેનિફિટ્સ પણ થાય છે.
શરીર માટે સુપરફૂડ
વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર અનનાસનું નિયમિત સેવન કરવાથી શરીરને વિટામિન B6, ફોલેટ, મૅગ્નેશ્યમ, આયર્ન અને મૅન્ગેનીઝની સાથે વિટામિન C ભરપૂર પ્રમાણમાં મળે છે. આ સાથે અદ્રક ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણધર્મોથી ભરપૂર છે જે શરીરના દુખાવાને અને સોજાને ઓછા કરવાની સાથે ડૅમેજ થયેલા કોષોને રિપેર કરવાનું કામ કરે છે. એમાંનો ઍસ્કોર્બિક ઍસિડ ત્વચાને નિખારે છે અને ડાર્ક સ્પૉટ્સ ઓછા કરે છે. અદ્રકની તાસીર ગરમ હોય છે અને એ પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં અને સ્નાયુઓના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ બન્ને ફૂડ એકસાથે ખાવામાં આવે તો એ શરીર માટે સુપરફૂડનું કામ કરે છે. અદ્રક અને અનનાસ એકબીજાના પૂરક હોવાનું કામ કરે છે જેને લીધે એ શરીર માટે ફાયદાકારક બને છે. પાચનતંત્રના કાર્યને સરળ બનાવવાની સાથે એ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. પેટ ફૂલવાની સમસ્યા હોય તે લોકો માટે પણ આ બન્ને ફૂડનો જૂસ દવાનું કામ કરે છે.
કેવી રીતે લેવો?
અનનાસ અને આદુંનું સેવન સ્મૂધી બનાવીને અથવા જૂસ કે સૅલડ બનાવીને અલગ-અલગ રીતે કરી શકાય છે. જૂસ બનાવવા માટે ફ્રેશ અનનાસના ટુકડા કરીને એમાં આદુંનો નાનો ટુકડો ઉમેરવો અને પાણી નાખીને બ્લેન્ડ કરી નાખવું. જો આ જૂસ ન ભાવે તો અનનાસની સાથે ગાજર, લીંબુનો થોડો રસ અને અદ્રકની કણીને બ્લેન્ડ કરીને પણ જૂસ બનાવી શકાય. આ જૂસ હેલ્થ-બૂસ્ટર ડ્રિન્ક તરીકે કામ કરશે. એ બૉડીને ડિટોક્સ કરવાની સાથે ફૅટ બર્ન કરશે એટલે આ જૂસ વજન ઘટાડવામાં પણ કારગર સાબિત થશે. આ ઉપરાંત એની ચા બનાવીને પણ પી શકાય. અનનાસની છાલ પણ સ્વાસ્થ્યવર્ધક હોય છે. લો-કૅલરી ચા બનાવવા માટે અનનાસની છાલને પાણીમાં થોડો સમય સુધી ઉકાળો અને પછી એમાં થોડું આદું ઉમેરો અને ગાળીને એ ચા પી શકો છો. જે લોકોને બ્લોટિંગની સમસ્યા હોય તેમના માટે અનનાસની ચા ફાયદો આપશે. અનનાસના ટુકડામાં ખમણેલું ગાજર અને આદુંનો રસ મિક્સ કરીને તમે આ કૉમ્બિનેશનને સૅલડ બનાવીને પણ ખાઈ શકો છો.