01 February, 2023 04:10 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
ટ્રાય કરી જુઓ
યોગનિષ્ણાતો મુજબ ચેસ્ટ અને હિપ્સ ઓપનિંગ આસનો એટલે કે ઉષ્ટ્રાસન, હનુમંતાસન, વીરભદ્રાસન, ભુજંગાસન જેવાં કેટલાંક આસનો ઇમોશનલ રિલીઝને સહજ કરે છે.
જર્મનીના અને ઇંગ્લૅન્ડના રિસર્ચરોએ રડવાનાં વિવિધ કારણોને મુખ્ય પાંચ કૅટેગરીમાં વિભાજિત કર્યાં છે. જ્યારે ઇમોશન્સ એટલાં સ્ટ્રૉન્ગ હોય કે શબ્દો થકી એનું વર્ણન ન થઈ શકે અને અભિવ્યક્ત થયા વિના રહી ન શકે ત્યારે આંસુઓ થકી એ એક્સપ્રેસ થતાં હોય છે. વૈજ્ઞાનિકોના મતે એકલતા, પાવરલેસનેસ, અતિશય ડિમાન્ડિંગ સંજોગો, હાર્મની અને મીડિયા કન્ઝમ્પ્શન એટલે કે વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના કન્ટેન્ટને જોઈને કે સાંભળીને વ્યક્તિની આંખો ભીની થવા જેવાં મુખ્ય કારણો છે રડવાનાં.
યોગની ખાસિયત
રોજબરોજના જીવનમાં તમે મેન્ટલ અને ઇમોશનલ ટેન્શન ભેગું કરતા હો છો જે માત્ર સાઇકોલૉજિકલી નહીં, પણ ફિઝિકલી પણ ક્યાંક ને ક્યાંક તમારી બૉડીમાં સ્ટોર થતું હોય છે, પરંતુ જ્યારે યોગમાં આપણે પ્રયત્નપૂર્વક ધીમા પડીએ છીએ, આપણા શ્વાસ ધીમા અને ઊંડા થાય છે અને આપણું શરીર પણ ગુરુત્વાકર્ષણની ઊર્જા સાથે અલાઇન થાય છે ત્યારે આપણું ચેતાતંત્ર રિલૅક્સ મોડમાં જાય છે અને ધીમે-ધીમે આપણા જૉઇન્ટ્સમાં, સ્નાયુઓમાં સ્ટોર થયેલું ટેન્શન અને ઇમોશન્સ રિલીઝ થવા માંડે છે. યોગથી એક્ઝૅક્ટલી ઇમોશન્સ અનલૉક થઈને કેવી રીતે છૂટાં પડે છે એની કોઈ ચોક્કસ ટેક્નિક તો વૈજ્ઞાનિકો નથી સમજી શક્યા, પરંતુ ઘણીબધી થિયરીઓના આધારે સંશોધકો માને છે કે આપણા શ્વાસ એ આ છૂપા દબાયેલાં ઇમોશન્સને બહાર કાઢવામાં મહત્ત્વનો રોલ અદા કરતાં હશે. અમુક પ્રકારની બ્રીધિંગ પૅટર્નથી ઇમોશન રિલીઝની દિશામાં જાદુઈ પરિણામ લાવી શકાય છે. લાંબા, ઊંડા અને ધીમા શ્વાસ આપણા ચેતાતંત્રને શાંત કરીને આપણને રિલૅક્સ કરી શકે છે, તો આપણા મનના ઊંડાણમાં રહેલા દબાયેલા નકારામત્મક ભાવને પ્રભાવિત કરીને એને બહાર કાઢવાનું પણ કામ એ કરી શકે એ સ્વાભાવિક લાગતી બાબત છે.
કારણ કયું?
યોગાભ્યાસ દરમ્યાન આવતાં આંસુઓ એ રોકી રાખેલી લાગણીઓમાંથી મળતું ફ્રીડમ છે. યોગમાં માસ્ટર કરનારા અને છેલ્લાં ૧૫ વર્ષથી યોગશિક્ષક તરીકે સક્રિય પીએચડી સ્કૉલર વિક્રમસિંહ તોમર કહે છે, ‘યોગમાં તમે તમારી નર્વસ સિસ્ટમને સિમ્પથેટિક મોડમાંથી પૅરા-સિમ્પથેટિક મોડમાં લઈ આવે છે. શરીર પોતાનું મોટા ભાગનું સેલ્ફ હીલિંગ આ સમયમાં કરે છે. યોગની સૌથી મોટી બ્યુટી એ છે કે અહીં તમે સ્ટ્રેચિંગ કરો છો, પણ એય રિલૅક્સેશન સાથે. એટલે બે કામ એકસાથે થાય છે. સ્નાયુઓમાં ખેંચાણ આવવાથી એમાં રહેલું ટેન્શન, સ્ટ્રેસ અને ઇમોશન રિલીઝ થાય છે, પણ એ સાથે જ બીજું, તમે છો તો રિલૅક્સ મોડમાં જ એટલે એ રિલીઝ થવાની સાથે વધુ રિલૅક્સેશન આવશે અને એમાં ઘણી વાર લોકોની આંખમાં આંસુ આવી જાય છે, કારણ કે એ તમારો પેલા નકારાત્મક લાગણીઓથી છુટકારો આપે છે. ઘણી વાર માઇલ્ડ રિલૅક્સેશન પણ ખૂબ જ સ્ટ્રૉન્ગ ઇમોશનને રિલીઝ કરી દેતાં હોય છે. મારી એક ફ્રેન્ડ છે એ મેડિટેશન કરવા બેસે એટલે ઘણી વાર તેની આંખમાંથી આંસુઓની નદી સહજ રીતે વહેતી હોય એવું લાગે.’
આ પણ વાંચો : જીભની સંભાળ એટલે આખા શરીરની સંભાળ
પંચકોષની વાત
સપ્રેસ થયેલી કોઈ પણ વસ્તુ જુદી રીતે શરીરમાંથી બહાર આવે એના કરતાં આંસુરૂપે જ બહાર આવી જાય એ વધુ બહેતર છે અને યોગ એમાં તમારી મદદ કરે છે. ઇન ફૅક્ટ યોગની પંચકોષની થિયરીને જો સમજો તો આ વાત વધુ બહેતર રીતે સમજાય. હજારો વર્ષ પહેલાં સાઇકો સોમેટિક ડિસીઝની હિન્ટ આ પંચકોષની થિયરીમાં મળે છે. તૈતરીય ઉપનિષદમાં આપવામાં આવેલા પંચકોષના કન્સેપ્ટ મુજબ આપણા અસ્તિત્વનાં પાંચ આવરણ છે. પહેલું આવરણ એટલે અન્નમય કોષ એટલે કે આપણું શરીર, બીજું આવરણ પ્રાણમય કોષ એટલે કે આપણું શ્વસન અને એને કારણે ઇન્ટર્નલ ચાલતી ફિઝિયોલૉજી, ત્રીજું લેયર છે મનોમય કોષ એટલે કે આપણું માઇન્ડ. ચોથું લેયર એટલે વિજ્ઞાનમય કોષ એટલે કે આપણી વિવેકબુદ્ધિ અને છેલ્લે આવે છે આનંદમય કોષ એટલે કે આપણો મૂળ સ્વભાવવાળી અવસ્થા. નિષ્ણાતોના મતે યોગાભ્યાસના દરેક અંગ આપણા શરીરના આ પાંચેય કોષને પ્રભાવિત કરે છે. આ પાંચ આવરણો ઇન્ટરકનેક્ટેડ છે અને એટલે જ સિમ્પલી તમે માત્ર હાથ ઊંચા કરીને એને ખેંચો તો એની પણ અસર તમારા શ્વાસ, તમારા મન, તમારી સમજણ પર પડતી હોય છે. અહીં વિક્રમસિંહ તોમર કહે છે, ‘મેડિટેશન સમયે આંખમાં આંસુ આવતાં હોય એવા ઘણા લોકોને અવારનવાર હું મારા ક્લાસમાં ધ્યાન દરમ્યાન રડતા જોઉં છું. ઘણી બધી વાર આપણા સૌ સાથે એવું બનતું હોય છે કે કેટલાક એવા સંજોગો આવી ગયા હોય જેમાં આપણા ઇમોશન એક્સપ્રેસ થયા વિના અંદર જ દબાવી દેવાયા હોય. બૅક-ટુ-બૅક ખરાબ ઘટના ઘટી હોય અથવા તો લોકો શું કહેશે એમ વિચારીને કોઈ કરુણ ઘટનામાં પણ આપણે આપણી લાગણીઓને બહાર ન આવવા દીધી હોય જે સ્ટક્ડ એનર્જી ફૉર્મમાં અંદર જ ધરબાયેલી હોય. પર્સનલ રિલેશનમાં પણ તમને તમારા પ્રિયજનની કોઈ વાત હર્ટ કરી ગઈ હોય, પણ નકામો ઝઘડો થશે એમ વિચારીને તમે એ લાગણી દબાવી દીધી હોય. કદાચ એટલે જ જો તમે નોટિસ કર્યું હોય તો એવું બનતું હોય છે કે એક નેગેટિવ બાબત બને અને પછી આપણને આગળ-પાછળની તમામ નકારાત્મક વાતો એકસાથે યાદ આવતી હોય છે. આવું શું કામ બને છે? કારણ કે ભૂતકાળની વાતો અને એની સાથે સંકળાયેલી લાગણીઓ હજી સ્ક્વેર ઑફ એટલે કે તમારી સિસ્ટમમાંથી નીકળી નથી. જાણે કે ઠરેલો જ્વાળામુખી હોય એમ એ યોગ કરતી વખતે સહજરૂપે આંસુ દ્વારા રિલીઝ થઈ જતાં હોય છે. એક જાતનું ઇમોશનલ ક્લૅન્ઝિંગ છે આ.’
પર્મનન્ટ છુટ્ટી
દિલ હલકું કરવું હોય તો પણ આ પ્રકારનાં આંસુઓને રોકવાની જરૂર નથી. વિક્રમસિંહ કહે છે, ‘આપણે માનીએ છીએ કે નકારાત્મક બાબતો એ માત્ર આપણા મગજમાં જ સ્ટોર થાય છે, પરંતુ આપણું હાર્ટ એ ઇમોશન્સને સ્ટોર કરે છે. ઘણી વાર રડવું શું કામ આવે છે એની ખબર ન હોય છતાં વ્યક્તિ આંસુઓ પર કન્ટ્રોલ ન કરી શકતો હોય એનું કારણ હૃદયમાં સ્ટોર થયેલાં સપ્રેસ્ડ અને અનપ્રોસેસ્ડ ઇમોશન્સ છે. આને વધુ ઇફેક્ટિવલી કરવું હોય તો નાડીશુદ્ધિ પ્રાણાયામ અને ગાઇડેડ મેડિટેશનના અભ્યાસ કરો તો અદ્ભુત પરિણામ મળી શકે. ઇમોશનલ ડિટૉક્સની દૃષ્ટિએ પણ આ પ્રક્રિયા તમને ખૂબ ઉપયોગી નીવડી શકે છે. ગાઇડેડ મેડિટેશનમાં વન-બાય-વન આવી ઘણી બધી ફીલિંગ્સને ઍડ્રેસ કરીને તમે તમારી સિસ્ટમમાંથી ડિસ્કાર્ડ કરી શકો છો. લવ બ્રેકઅપ, પોતાના કોઈ સ્નેહીનું મૃત્યુ, રિજેક્શન, સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ, ઇમોશનલ એક્સપ્લોઇટેશન વગેરે વગેરે સંજોગો જો તમારા જીવનમાં આવ્યા હોય અને એ સમયની પીડાદાયી લાગણીઓ પ્રોસેસ થયા વિનાની રહી ગઈ હોય તો એને તમે ગાઇડેડ મેડિટેશનથી ટાર્ગેટ કરીને રિલીઝ કરી શકો છો. વિઝ્યુઅલાઇઝેશન દ્વારા એ તમામ લાગણીઓને કૉન્શિયસલી તમે સર્ફેસ પર લાવી શકો અને હવે એ લાગણીઓેને હું રિલીઝ કરું છું જેવા અફર્મેશન અને ઑટો સજેશનનો ઉપયોગ કરીને પણ એનાથી મુક્ત થઈ શકો છો.’
આ પણ વાંચો : શું કરવામાં વધુ લાભ છે? જિમની કસરત કે યોગ
મ્યુઝિક પણ ઇફેક્ટિવ
ઘણી વાર અમુક પ્રકારની ટ્યુન તમે સાંભળો અને તમે સેડનેસ અનુભવો એવું બન્યું હશે. કોઈ જ શબ્દો ન હોય અને માત્ર ટ્યુન હોય છતાં એની એક સ્પેસિફિક અસર આપણી ઇમોશનલ, ફિઝિકલ અને સાઇકોલૉજિકલ સિસ્ટમ પર પડતી હોય છે. વિક્રમસિંહ કહે છે, ‘ધારો કે કોઈ ટીચર પાસે ગાઇડેડ મેડિટેશનનો એક્સેસ તમને ન હોય તો તમે આપણા મૂળ બાવીસ રાગમાંથી કોઈ એક રાગ પસંદ કરીને એને સાંભળીને પણ ધ્યાનનો અભ્યાસ કરી શકો છો. એ પણ ઇમોશનલ રિલીઝમાં અદ્ભુત રિઝલ્ટ આપી શકે છે. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે આંખો બંધ કરીને શાંત જગ્યાએ બેસો છો ત્યારે મનમાં ખૂબ વિચારો ચાલુ થઈ ગયા કે તમે કોઈ જુદી રીતે ડિસ્ટર્બ થઈ ગયા હો તો પણ એ પ્રોસેસને અટકાવવી નહીં. બે-ચાર-પાંચ વખત પછી તમારો અનુભવ બદલાશે. માત્ર આંખ મીંચીને ટટ્ટાર બેસો અથવા તો શવાસનમાં રિલૅક્સ થઈને બેસી જાઓ પછી શ્વાસ પર ધ્યાન આપવાની ક્રિયા કરો અને બૅકગ્રાઉન્ડમાં તમને અનુકૂળ કોઈ ક્લાસિકલ રાગ ચાલતો હોય તો એનાથી પણ અંદરનાં ડિસ્ટર્બન્સ સપાટી પર આવીને ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે.
અજુગતુ કશું જ નથી
અચાનક તમે યોગ ક્લાસમાં છો અને આંખમાં આંસુ આવવા માટે તો આપણા સોશ્યલ સેટઅપ પ્રમાણે લોકો પોતાની સહાનુભૂતિ જતાવશે અને તમારા રડવાનાં કારણો જાણવાના પ્રયાસ કરશે એમ વિચારીને ક્ષોભજનક સ્થિતિને અવૉઇડ કરવાના ભાવ સાથે જો તમે રડવું આવે અને એને દબાવવાની કોશિશ કરો તો એ યોગ્ય નથી. અંદર રહેલાં કોઈ પણ ઇમોશન્સને આંસુ વાટે વહી જવા દેવાથી આખરે તો તમે હળવાશ જ અનુભવશો. હા, એટલું ચોક્કસ કરવું જોઈએ કે સામાજિક સ્તરે રિક્વેસ્ટપૂર્વક મનને હળવું થવા દો, અત્યારે આપણે આ આંસુ વિશે પછી ચર્ચા કરીશું એવું નરમાશ સાથે તમે લોકોને કહી શકો અને જાત માટે થોડુંક એકાંત પણ શોધી શકો છો, પરંતુ એ આંસુને અટકાવવાની કે માઇન્ડને બીજી દિશામાં વાળીને ડિફોકસ થવાની જરાય જરૂર નથી.