26 November, 2024 09:14 AM IST | Mumbai | Heena Patel
અમરફળ
સ્વસ્થ રહેવા માટે આપણને ફળો અને શાકભાજીનું ભરપૂર સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં ફળોની અનેક વરાઇટી હોય છે જેના વિશે આપણને એટલી ખબર હોતી નથી. આવું જ એક ફળ એટલે પર્સિમોન જે ભારતમાં જપાની ફળ અથવા તો અમરફળના નામે વેચાય છે. કેટલાક લોકો એને રામફળ પણ કહે છે. હજી થોડા સમય પહેલાં ફેમસ શેફ કુણાલ કપૂરે અમરફળની ચટણી બનાવવાની રેસિપી સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી, જેને ઘણા લોકોએ પસંદ કરી હતી. આ ફળ ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. એ શિયાળામાં ઑક્ટોબરના અંતથી ડિસેમ્બરના મધ્ય સુધીમાં એક-બે મહિના માર્કેટમાં જોવા મળે છે. આ ફળને ખાવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધિત લાભ થાય છે એટલે સીઝન પૂરી થાય એ પહેલાં જરૂર એક વાર એને ટ્રાય કરજો.
રસપ્રદ વાતો
પર્સિમોન જપાનનું રાષ્ટ્રીય ફળ છે. કહેવાય છે કે અંદાજે ૨૦૦૦ વર્ષ પહેલાં ચીનમાં પહેલી વાર એની ખેતી કરવામાં આવી હતી. એ સાતમી શતાબ્દીમાં જપાન અને ૧૪મી શતાબ્દીમાં કોરિયા પહોંચ્યું. ભારતમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલના દાર્જીલિંગ રીજનમાં તેમ જ અરુણાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ અમરફળનું ઉત્પાદન ચીનમાં થાય છે. જપાનમાં આ ફળ ‘કાકી’ નામે ઓળખાય છે, જ્યારે ચીનમાં એને ‘શી’ નામે ઓળખવામાં આવે છે.
પોષણનો ખજાનો
અમરફળ અનેક ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે, જેને કારણે શરીરને અનેક ફાયદા થાય છે. એ વિશે માહિતી આપતાં ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ કહે છે, ‘જનરલી પીળા-કેસરી રંગનાં ફળો જેમ કે કેરી, પપૈયું વગેરેમાં વિટામિન A સારા પ્રમાણમાં હોય છે. અમરફળમાં પણ વિટામિન Aનું પ્રમાણ સારું હોય છે. બીજું, આમાં લ્યુટિન અને ઝિયાજેન્થિન જેવા કૅરોટોનોઇડ્સ હોય છે. આ બન્ને વિઝન ઇમ્પ્રૂવ કરવામાં અને ઉંમર સાથે આંખો સંબંધિત વિવિધ સમસ્યાઓ થાય છે એને ડિલે અથવા પ્રિવેન્ટ કરવામાં મદદરૂપ બને છે. એ સિવાય અમરફળમાં વિટામિન C પણ સારી માત્રામાં હોય છે, જે આપણી ઇમ્યુન સિસ્ટમને સારી રાખવા માટે જરૂરી છે. એમ પણ શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો જલદી શરદી અને ઉધરસ થઈ જાય છે એટલે વિટામિન C ભરપૂર હોય એવાં સંતરાં, દ્રાક્ષ, અમરફળ જેવાં ફ્રૂટ્સ ખાવાં જોઈએ. અમરફળમાં પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે, જે ઑક્સિડેટિવ સ્ટ્રેસને કારણે સેલને ડૅમેજ થતા અટકાવવામાં મદદરૂપ બને છે. પ્રદૂષણ, રેડિયેશન, અનહેલ્ધી ડાયટ, સ્મોકિંગ-આલ્કોહૉલની આદત વગેરે ફૅક્ટર્સને કારણે વધેલું ઑક્સિડેટિવ સ્ટ્રેસ હૃદય સંબંધિત બીમારી, ડાયાબિટીઝ, કૅન્સર જેવા ક્રોનિક ડિસીઝ સાથે સંકળાયેલું છે. અમરફળમાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી પ્રૉપર્ટીઝ પણ જોવા મળે છે એટલે શરીરમાં ક્યાંય ઇન્ફ્લમેશન (સોજો) થયું હોય તો એને ઘટાડવામાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી પ્રૉપર્ટીઝ ધરાવતાં અમરફળ જેવાં ફ્રૂટ્સ મદદરૂપ બને છે.’
ગટ અને હાર્ટની હેલ્થ સુધારે
અમરફળ આપણને પેટ સંબંધિત સમસ્યામાંથી કઈ રીતે છુટકારો આપે છે તેમ જ કૉલેસ્ટરોલ અને બ્લડ-શુગરના દરદીઓ માટે કેમ સારું છે એ વિશે જણાવતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘અમરફળમાં ફાઇબરનું પ્રમાણ સારું છે. ફાઇબર આપણા ગટ (આંતરડાં)માં ગુડ બૅક્ટેરિયાના ગ્રોથમાં મદદરૂપ બને છે. પરિણામે આપણું પાચનંત્ર સુધરે છે. હાઈ સૉલ્યુબલ ફાઇબર ધરાવતાં અમરફળ જેવાં ફ્રૂટ્સ લોહીમાં શુગરનું શોષણ સ્લો કરવામાં મદદ કરે છે. પરિણામે બ્લડ-શુગર અચાનક વધતી નથી. એ સિવાય એ લોહીમાં બૅડ કૉલેસ્ટરોલના લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલે અમરફળ જેવાં ફાઇબર-રિચ ફ્રૂટ્સ કૉલેસ્ટરોલ અને
બ્લડ-શુગર ઘટાડવામાં તેમ જ ડાયજેસ્ટિવ હેલ્થને સારી રાખવામાં મદદરૂપ બને છે. અમરફળમાં કૅલરીનું પ્રમાણ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધુ છે એટલે વજન ઘટાડવામાં પણ એ મદદરૂપ બને છે. આ ફળમાં પોટૅશિયમ અને મૅન્ગેનીઝ જેવાં મિનરલ્સનું પ્રમાણ સારું હોય છે. પોટૅશિયમ હાર્ટની હેલ્થને સારી રાખવા માટે ખૂબ જરૂરી છે, કારણ કે શરીરમાં એનું પ્રમાણ ઘટી જાય તો હૃદયસંબંધિત બીમારીનું જોખમ વધી શકે છે. બ્લડ-પ્રેશરને લો રાખવામાં પણ પોટૅશિયમ મદદ કરે છે. મૅન્ગેનીઝની વાત કરીએ તો એ બ્લડ-શુગરને ઘટાડવામાં મદદરૂપ બને છે. એ સિવાય હાડકાંઓના સ્વાસ્થ્ય માટે પણ એ જરૂરી છે. કૅલ્શિયમ, વિટામિન D સાથે મૅન્ગેનીઝનું કૉમ્બિનેશન હાંડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.’
સ્કિનની હેલ્થ માટે સારું
હેલ્ધી સ્કિન જોઈતી હોય તો પણ અમરફળ ખાવાથી ફાયદો મળે છે એમ જણાવતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘અમરફળમાં રહેલું ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ એજિંગ સ્કિન માટે કારણભૂત ફ્રી રેડિકલ્સ સામે લડવામાં, યુવી ડૅમેજ સામે પ્રોટેક્ટ કરવામાં તેમ જ કોલાજન પ્રોડક્શનને વધારવામાં મદદ કરે છે. પરિણામે સ્કિનની ઇલૅસ્ટિસિટી જળવાઈ રહે છે. અમરફળમાં વૉટર-કન્ટેન્ટ (પાણીનું પ્રમાણ) પણ સારું હોય છે જે સ્કિનને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે. સ્કિન-ઇરિટેશન અને રેડનેસની સમસ્યા હોય તો અમરફળ જેવાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી પ્રૉપર્ટીઝ ધરાવતાં ફળ ખાવાથી ફાયદો મળે છે. અમરફળમાં રહેલું વિટામિન C સ્કિન-કૉમ્પ્લેક્શનને સુધારવામાં અને ચહેરા પરના ડાઘ-ધબ્બાને ઓછા કરવામાં મદદ કરે છે.’
સૅલડ અને સ્મૂધી બનાવીને લઈ શકાય
અમરફળના ડાયટમાં સમાવેશને લઈને મેઘના પારેખ શેઠ કહે છે, ‘અમરફળને તમે ડાયરેક્ટ કાપીને ખાઈ શકો છો. એમાં વિટામિન C હોય છે જે અનસ્ટેબલ વિટામિન છે. ઑક્સિજનના સંપર્કમાં આવવાથી વિટામિન C ડિસ્ટ્રૉય થઈ જાય છે. એને હાઈ ટેમ્પરેટર પર હીટ કરીએ કે કાપીને ખુલ્લું મૂકી દઈએ તો એમાં રહેલું વિટામિન C ઓછું થઈ જાય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી અમરફળને કાપીને રાખી મૂકવા કરતાં તરત ખાઈ જવું જોઈએ. અમરફળને ઑફ-સીઝનમાં પણ ખાઈ શકાય એ માટે એ ડ્રાય ફૉર્મમાં પણ આવે છે. ડ્રાય પર્સિમોનને ડ્રાયફ્રૂટ તરીકે ખાઈ શકાય છે. આ હેલ્ધી સ્નૅક્સનો સારો વિકલ્પ છે.’
ઘણા લોકો ટેસ્ટ વધારવા માટે તેમ જ વેઇટલૉસ જર્ની ચાલુ હોય એવા લોકો અમરફળનું સૅલડ બનાવીને ખાતા હોય છે. ઘણા લોકો એની સ્મૂધી બનાવીને પીતા હોય છે. અમરફળમાંથી સૅલડ અને સ્મૂધી કઈ રીતે બનાવી શકાય એ વિશે જણાવતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘અમરફળનો ઉપયોગ કરીને આપણે અનેક રીતે સૅલડ બનાવી શકીએ, પણ અમરફળ અને દાડમના દાણાનું કૉમ્બિનેશન કરીને બનાવેલું સૅલડ ખાવામાં ટેસ્ટી હોય છે. એ માટે એક બોલમાં કાપેલા અમરફળની નાની-નાની સ્લાઇસ કરીને નાખો. એમાં થોડા દાડમના દાણા ઉમેરો. થોડી સમારેલી પાલક, એક નાની ચમચી ઑલિવ ઑઇલ અને એક ચમચી વિનેગર ઍડ કરીને બધાને સરખી રીતે મિક્સ કરી દો. આની સ્મૂધી કેમ બનાવાય એ વિશે વાત કરીએ તો એક બોલમાં અમરફળના નાના ટુકડા, એક પાકેલું કેળું, દૂધ, થોડો એલચી પાઉડર અને મધ મિક્સ કરીને બધાને બ્લેન્ડ કરી નાખો. સવારે અથવા સાંજના નાસ્તામાં પણ કોઈ હેલ્ધી ઑપ્શન જોઈતો હોય તો તમે યૉગર્ટમાં પાકેલા અમરફળના ટુકડા, કાપેલાં બદામ-અખરોટ, એક નાની ચમચી ચિયા સીડ્સ અને મધ (જરૂર લાગે તો) મિક્સ કરીને ખાઈ શકો છો.’