થાઇરૉઇડ અને PCODના દરદીઓમાં કાંચનાર ગૂગળ અકસીર ઔષધ બની શકે છે

23 May, 2024 07:23 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

હાઇપોથાઇરૉઇડ હોય કે હાઇપરથાઇરૉઇડ હોય, ગૉઇટર કે ગ્રંથિમાં સોજો આવી ગયો હોય એમાં પણ આ દવા અકસીર છે

પ્રતીકાત્મક તસવીર

આજકાલ થાઇરૉઇડ ગ્રંથિની સમસ્યા અનેકગણી વધી ગઈ છે. મહિલાઓમાં હાઇપોથાઇરૉઇડની સમસ્યા વધારે જોવા મળે છે. એમાં વજન વધવું, શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જવું જેવી મુખ્ય સમસ્યાઓ હોય છે. કાંચનાર ગૂગળ થાઇરૉઇડ ગ્રંથિની બન્ને પ્રકારની સમસ્યામાં કામ આવે છે. હાઇપોથાઇરૉઇડ હોય કે હાઇપરથાઇરૉઇડ હોય, ગૉઇટર કે ગ્રંથિમાં સોજો આવી ગયો હોય એમાં પણ આ દવા અકસીર છે. અલબત્ત, દરેક સમસ્યામાં એની સાથેની સપોર્ટિવ ઔષધો કયાં લેવાં એ દરેક દરદીનાં લક્ષણો મુજબ બદલાય છે. હાઇપોથાઇરૉઇડ માટે મૉડર્ન મેડિસિનમાં સિન્થેટિક હૉર્મોન સપ્લિમેન્ટ લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો, જ્યારે એનાં લક્ષણોમાં રાહત મેળવવાથી માંડીને થાઇરૉઇડ ગ્રંથિની કામગીરી સુધારવાનું કામ પણ કાંચનાર ગૂગળ કરી શકે છે.
ગૂગળ સાથે કેટલાંક ઔષધોનું મિશ્રણ કરીને બનતું આયુર્વેદનું આ ઔષધ એક નહીં અનેક કામોમાં બહુ અસરકારક છે. એનાથી હૉર્મોનલ વ્યવસ્થા  સંતુલિત થાય છે, લિમ્ફ ગ્રંથિની કામગીરી સુધરે છે અને શરીરમાં ક્યાંય પણ ચરબીની ગાંઠ થતી હોય તો એને ઓગાળે છે. આજકાલ એનો પ્રયોગ કૅન્સર જેવા રોગ સામે લડવામાં પણ થાય છે. કાંચનાર ગૂગળમાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી, ઍન્ટિ-બૅક્ટેરિયલ, ઍન્ટિ-ટ્યુમર પ્રૉપર્ટી છે. સામાન્ય રીતે થાઇરૉઇડ અને લિમ્ફ ગ્રંથિના રોગોમાં એનો વપરાશ સૌથી વધુ છે. 

યુવતીઓમાં નાની ઉંમરે ઓવરીમાં સિસ્ટ થવાને કારણે માસિકમાં અનિયમિતતા આવે છે જે લાંબા ગાળે ફર્ટિલિટી પર માઠી અસર કરે છે. કાંચનાર ગૂગળ લાંબો સમય લેવાથી સિસ્ટ આપમેળે ઓગળે છે. એની સાથે ગર્ભાશયની શુદ્ધિ કરતી દવાઓ લેવાથી માસિકમાં નિયમિતતાની સાથે-સાથે સિસ્ટ પણ ધીમે-ધીમે નાની થઈને ઓગળી જાય છે. જેમને ગર્ભાશયમાં નાની ફાઇબ્રૉઇડ થવાની શરૂઆત થઈ હોય તો એમાં પણ આ લઈ શકાય. ખૂબબધી ફાઇબ્રૉઇડ ન હોય અને ખૂબ બ્લીડિંગ ન થતું હોય તો કાંચનાર ગૂગળ સાથે અન્ય કેટલાંક ઔષધો લઈને ફાઇબ્રૉઇડની સારવાર પણ થઈ શકે છે.

ગૂગળ એવું દ્રવ્ય છે જે એની સાથે વપરાતાં ઔષધોના ગુણ અને અસરકારકતાને બમણી કરી દે છે. એ આ દવાની અસરકારકતા ઝડપી બનાવવાના ઉદ્દીપક જેવું કામ પણ આપે છે. એ શરીરના અત્યંત સૂક્ષ્મ સ્રોતોમાં જઈને કામ કરે છે જેથી રોગ મૂળમાંથી દૂર થાય છે. ગૂગળ સાથે વપરાતાં ઔષધોનું કૉમ્બિનેશન શરીરની મુખ્ય વ્યવસ્થાઓને સુધારવામાં મદદ કરે છે. કાંચનાર ગૂગળમાં ગૂગળ ઉપરાંત કાંચનારની છાલ, હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, લીંડીપીપર, કાળાં મરી, વરુણ છાલ જેવાં દ્રવ્યો હોય છે અને એમાં ખૂબ ઓછી માત્રામાં તજ, એલચી, તેજપત્તાં પણ વપરાય છે.

health tips columnists life and style