દાઢી વધારો કે ન વધારો, પ્રોસ્ટેટની ટેસ્ટ જરૂર કરાવી લેજો

20 November, 2023 06:26 PM IST  |  Mumbai | Heena Patel

પશ્ચિમના દેશોમાં નવેમ્બર મહિનો ખાસ નો શેવ નવેમ્બર તરીકે ઊજવાય છે. જોકે આ કોઈ ફૅશન ટ્રેન્ડ નથી, પરંતુ પુરુષોમાં જોવા મળતા કૅન્સર વિશે જાગૃતિ ફેલાય એ માટે છે.

દાઢી વધારો કે ન વધારો, પ્રોસ્ટેટની ટેસ્ટ જરૂર કરાવી લેજો

પશ્ચિમના દેશોમાં નવેમ્બર મહિનો ખાસ નો શેવ નવેમ્બર તરીકે ઊજવાય છે. જોકે આ કોઈ ફૅશન ટ્રેન્ડ નથી, પરંતુ પુરુષોમાં જોવા મળતા કૅન્સર વિશે જાગૃતિ ફેલાય એ માટે છે. કૅન્સર અવેરનેસ આવે, એનાં લક્ષણો બાબતે અને જરૂરી પરીક્ષણો માટે જાગૃતિ આવે એ માટે તમે શું કરી શકો એ આજે જાણીએ

નવેમ્બર મહિનો શરૂ થાય એટલે સોશ્યલ મીડિયા પર નો શેવ નવેમ્બરની ચર્ચા શરૂ થઈ જાય છે. મિમ્સ અને પોસ્ટ ફરવા લાગે તેમ જ હૅશટૅગ સાથે પુરુષો તેમની વધેલી દાઢી અને મૂછોના ફોટો પોસ્ટ કરવા લાગે છે. પશ્ચિમના દેશોમાં વધુ ફેમસ આ ‘નો શેવ નવેમ્બર’ને મોટા ભાગના લોકો એક ફૅશન ટ્રેન્ડ તરીકે ટ્રીટ કરે છે અને દાઢી-મૂછ શેવ કર્યા વગરના તેમના ફોટો સોશ્યલ મીડિયા સાઇટ્સ પર પોસ્ટ કરે છે. એમાં પુરુષો એક આખો મહિનો દાઢી-મૂછ કે માથાના વાળ કાપતા જ નથી. સમજી લો આપણે ત્યાં જેમ શ્રાવણ કે અધિક માસમાં પુરુષો જે નિયમ પાળે છે એવું જ કંઈક. અલબત્ત, આવું આપણે ત્યાં ધાર્મિક માન્યતા માટે થાય છે, પણ નો શેવ નવેમ્બરમાં પ્રોસ્ટેટ કૅન્સરની અવેરનેસ માટે સિમ્બૉલિકલી આવું કરવામાં આવે છે. 

એવું કહેવાય છે કે વિશ્વમાં લગભગ ૧૩ ટકા પુરુષોને પ્રોસ્ટેટ કૅન્સર થવાનું રિસ્ક રહે છે. ૨૦૧૮માં થયેલા રિસર્ચ મુજબ પચાસ વર્ષથી નાની વયના પ્રત્યેક ૩૫૦ પુરુષોમાંથી એકને, ૫૦થી ૫૯ વર્ષની વયના બાવન પુરુષોમાંથી એકને અને ૬૫ વર્ષથી મોટી વયના લગભગ ૬૦ ટકા પુરુષોમાં પ્રોસ્ટેટ કૅન્સર કે પ્રોસ્ટેટની તકલીફો થવાનું રિસ્ક રહે છે. વધતી વયની સાથે જોવા મળતી આ સમસ્યા હવે નાની ઉંમરે પણ દેખા દેવા લાગી છે ત્યારે પુરુષોએ નાની વયથી જ આ બાબતે જાગરૂક રહેવું જરૂરી છે. 

પુરુષોમાં સૌથી વધુ કૅન્સરના કેસ પ્રોસ્ટેટ ગ્રંથિને લગતા જોવા મળે છે. અલબત્ત, જો એનું નિદાન અને સારવાર વહેલી થઈ જાય તો એને કારણે થતા મૃત્યુ દરને ઘટાડી શકાય છે. આ કૅન્સર શું છે અને એનાં પ્રાથમિક લક્ષણો શું છે એ વિશે વાત કરતાં  યુરોલૉજિસ્ટ ડૉ. અભિષેક શાહ કહે છે, ‘પ્રોસ્ટેટ એક ગ્રંથિ છે, જે વીર્ય બનાવવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ૫૦ અને એનાથી મોટી વયના પુરુષોમાં પ્રોસ્ટેટ કૅન્સરનું જોખમ વધુ હોય છે. પેશાબમાં તકલીફ, પેશાબમાં લોહી આવવું, રાત્રે વારંવાર પેશાબ જવું પડે આ બધાં પ્રોસ્ટેટ કૅન્સરનાં બેઝિક સિમ્પ્ટમ્સ છે. ઘણી વાર જિનેટિકલી એટલે કે ઘરના કોઈ પુરુષ સભ્યને પ્રોસ્ટેટ કૅન્સર થયું હોય તો પણ એ થવાનું જોખમ રહે છે.’

કોને રિસ્ક વધુ? | જેમ-જેમ વય વધતી જાય એમ પ્રોસ્ટેટ કૅન્સરનું રિસ્ક વધે છે. ૮૦ વર્ષથી વધુ વયના ૮૦ ટકા પુરુષોને પ્રોસ્ટેટ કૅન્સર થાય છે. પચાસ વર્ષ પછીથી ફૅમિલી હિસ્ટરી ધરાવતા પુરુષોને આ કૅન્સરનું રિસ્ક વધુ રહે છે. એવું માનવામાં આવે છે કે જો તમારા ભાઈને આ કૅન્સર થયું હોય તો તમને પણ થવાના ચાન્સિસ વધારે રહે છે. એની સરખામણીએ જા તમારા પિતાને આ કૅન્સર હોય તો તમને થવાના ચાન્સિસ ઓછા હોય છે. તમારા પરિવારમાં બે-ત્રણ પુરુષોને આ રોગ આવ્યો હોય તો રિસ્ક ખૂબ જ વધી જાય છે. જોકે કયા જીન્સને કારણે આ રોગ વારસાગત હોવાનું મનાય છે એ હજી શોધી શકાયું નથી. 

નિદાન અને નિવારણ શું? | આઇડિયલી સાઇન્ટિફિક પ્રોટોકૉલ અનુસાર ૫૦ વર્ષ પછી એક વાર પ્રોસ્ટેટ કૅન્સર માટે જરૂરી પીએસએ બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી કરાવવી જોઈએ એમ સમજાવતાં ડૉ. અભિષેક કહે છે, ‘પચાસ વર્ષની વય પછી દર પાંચ વર્ષે એક વાર ડૉક્ટર પાસે જઈને ચેકઅપ અને ટેસ્ટ કરાવવા જોઈએ. ઘરના કોઈ પુરુષને પ્રોસ્ટેટ કૅન્સરની હિસ્ટરી હોય તો દર બે વર્ષે ટેસ્ટ કરાવવી જોઈએ. પ્રોસ્ટેટ કૅન્સરની સારવાર એ કયા સ્ટેજ પર ડિટેક્ટ થાય છે એના પર નિર્ભર છે. મેડિસિન કે કીમોથેરપીથી તમે એને કન્ટ્રોલ કરી શકો, પણ એને સંપૂર્ણ રીતે ક્યૉર કરવા માટે સર્જરી એક આઇડિયલ ઑપ્શન છે. આ કૅન્સર વધે એ પહેલાં શરૂઆતના તબક્કામાં જ એનું નિદાન થઈ જાય એ માટે જાગૃતિ લાવવી જરૂરી છે.’

તમે શું કરી શકો? | પ્રોસ્ટેટ કૅન્સરને થતું અટકાવવાનું સંપૂર્ણપણે વ્યક્તિના હાથમાં નથી, પણ આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ ફૉલો કરીને એ થવાનું જોખમ ઘટાડી શકીએ છીએ. સ્થૂળ વ્યક્તિમાં પ્રોસ્ટેટ કૅન્સર થવાનું જોખમ વધુ હોય છે તેથી વજન કન્ટ્રોલમાં રાખવું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ઓછું કરવું. આહારમાં લીલી શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો, વધુ ફૅટવાળા પદાર્થ ખાવાનું ટાળવું, સાદું અને પૌષ્ટિક ભોજન લેવું, યોગ, પ્રાણાયામ, વ્યાયામ કરવો, પૂરતી ઊંઘ લેવી, તમાકુનું સેવન તેમ જ ધ્રૂમપાન કરવાનું ટાળવું જોઈએ.

દાઢી-મૂછની કાળજી લઈ લો
નો શેવ નવેમ્બરમાં પુરુષો દાઢી, મૂછનું શેવિંગ કે પછી વૅક્સિંગ, થ્રેડિંગ કરતા નથી અને સેલ્ફ-ગ્રૂમિંગ પર થતો ખર્ચ કૅન્સર અવેરનેસ માટે ડોનેટ કરે છે. જોકે તમે જો આ ટ્રેન્ડ ફૉલો કરતા હો તો સાધુબાવા જેવો લુક ન થઈ જાય એ માટે થોડીક કાળજી પણ લઈ લેવી સારી. કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ.મમતા છેડા રેગ્યુલર દાઢી-મૂછનું ગ્રૂમિંગ કરવા માટે શું કરવું એ સમજાવતાં કહે છે, ‘ક્લેન્ઝરથી મોઢું ધોતી વખતે દાઢીને પણ સાફ કરો જેથી ડર્ટ, ઑઇલ, પૉલ્યુશન જર્મ્સ બધું ધોવાઈ જાય. ઠંડીની સીઝનમાં સ્કિન ડ્રાય થઈ જતી હોય છે તેમ જ વાળ રુક્ષ ન રહે એ માટે દાઢી સહિત આખા ચહેરા પર મૉઇશ્ચરાઇઝર અપ્લાય કરવું જોઈએ જેથી ઇચિંગની સમસ્યા ન થાય. બહાર જતી વખતે દાઢીના મોટા વાળને સેટ કરવા માટે પહેલાં એને કૉમ્બથી ઓળાવીને જેલ અથવા તો વૅક્સ લગાવવું જોઈએ જેથી વાળ સેટ રહે. માથાના વાળની વાત કરીએ તો એને ડ્રાય થતા બચાવવા માટે ઑઇલિંગ કરવું જોઈએ. અઠવાડિયામાં એક વાર હેરમાસ્કનો ઉપયોગ કરવો 
જોઈએ જેથી તમારા વાળ હેલ્ધી રહે’

ક્યારથી ઊજવાય છે આ અવેરનેસ?
૨૦૦૭માં અમેરિકાના શિકાગોમાં રહેતા મૅથ્યુ હિલનું કૅન્સરથી મૃત્યુ થયું એ પછી તેનાં આઠ બાળકોએ કૅન્સર પ્રતિ લોકોમાં જાગરૂકતા ફેલાવવા આ કૅમ્પેનની શરૂઆત કરી. ૨૦૧૯માં તેમણે મૅથ્યુ હિલ ફાઉન્ડેશનની સ્થાપના કરી. સોશ્યલ મીડિયાના માધ્યમથી નો શેવ નવેમ્બરનો કન્સેપ્ટ દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગયો.

health tips columnists