08 January, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાલમાં મારી પાસે એક કેસ આવેલો. ૪૫ વર્ષના ગુજરાતી વેપારીને અચાનક જ જોવામાં તકલીફ પડવા લાગી. ડબલ વિઝનનો પ્રૉબ્લેમ ચાલુ થયો. એટલે કે બે પ્રકારનાં ચિત્રો સાથે દેખાય જેમાં કન્ફ્યુઝન ઊભું થાય અને એમાં એક આંખ બંધ કરીને જુઓ તો એક અને બીજી આંખ બંધ કરીને જુઓ તો બીજું ચિત્ર દેખાય. આવી વિચિત્ર સમસ્યા ઘરના લોકોને કહી ત્યારે ઘરમાં બધાનું ધ્યાન ગયું કે આ ડબલ વિઝનની તકલીફનું કારણ હતું કે અચાનક જ તેમની જમણી આંખ ફાંગી થઈ ગઈ હતી. આંખ ફાંગી થઈ છે એ તો જોઈને પણ ખબર પડે પરંતુ એ થવાનું કારણ શું એની તપાસ કરવી જરૂરી છે કારણ કે મોટા ભાગે ફાંગી આંખ નાનપણથી હોય. વયસ્કની આંખ જ્યારે ફાંગી થાય ત્યારે પહેલાં એ વિચારવાનું કે આંખ ફાંગી થવા પાછળનું શું કારણ છે. ફાંગી આંખની તકલીફ મોટા ભાગે જન્મજાત હોય છે અથવા તો બાળપણમાં જ ડેવલપ થાય છે એવું ઘણા લોકો માને છે. એ વાત પણ સાચી છે કે ફાંગી આંખના વધુપડતા કેસ બાળકોના જ જોવા મળે છે પરંતુ વયસ્ક લોકોમાં પણ આ તકલીફ જોવા મળી શકે છે. મહત્ત્વનું એ છે કે આ તકલીફ નાનપણથી હોય અને મોટી વયે જોવા મળે એટલું જ નહીં, મોટી ઉંમરે કોઈ કારણસર એ અચાનક આવી પણ શકે છે.
આ ભાઈની જુદી-જુદી ઘણી ટેસ્ટ કરવામાં આવી અને એ ટેસ્ટમાં ખ્યાલ આવ્યો કે તેમને આંખની અંદર એક ટ્યુમર હતું જે ધીમે-ધીમે વધી રહ્યું હતું અને એને કારણે તેમની આંખ ફાંગી થઈ ગઈ હતી. સદ્નસીબે આ ટ્યુમર કૅન્સેરિયસ નહોતું અને સર્જરી દ્વારા એ ઠીક કરી શકાયું. મહત્ત્વની વાત એ છે કે સમયસર ફાંગી આંખનું લક્ષણ એ લોકો સામે આવી ગયું અને નિદાન પણ થઈ ગયું. આમ આ કેસમાં જોઈએ તો ફાંગી આંખ કોઈ બીજા રોગને કારણે સામે આવેલી તકલીફ હતી. એટલે કે એ રોગ નહોતો, પરંતુ રોગનું લક્ષણ બનીને સામે આવ્યું હતું. વયસ્ક લોકોમાં જ્યારે ફાંગી આંખ થાય છે ત્યારે એ બાબત સમજવા જેવી છે કે એ ખુદ એક પ્રૉબ્લેમ હોઈ શકે છે. એ એક છૂપા પ્રૉબ્લેમનું લક્ષણ પણ હોઈ શકે છે જેને જાણીને તમે મુખ્ય પ્રૉબ્લેમ સુધી પહોંચી શકો છો અને અમુક કેસમાં ફાંગી આંખને કારણે બીજા પ્રૉબ્લેમ્સ પણ ચાલુ થાય છે જેમ કે લેઝી આઇ એટલે કે આળસુ આંખ. આમ ફાંગી આંખ એ સ્વયં રોગ, કોઈ બીજા રોગનું લક્ષણ કે કોઈ બીજા રોગનું કારક એમ ત્રણેયમાંથી કંઈ પણ હોઈ શકે છે.
- ડૉ. હિમાંશુ મહેતા