11 September, 2024 12:43 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
વ્યક્તિનો અકસ્માત થાય ત્યારે તેને ફર્સ્ટ-એઇડની જરૂર પડે છે, ઇમર્જન્સી માટે આપણે ઘરે-ઘરે ફર્સ્ટ-એઇડ બૉક્સ રાખીએ છીએ પરંતુ ઈજાઓ ફક્ત શારીરિક જ નથી હોતી, માનસિક ઘાવને ભરવા પણ જરૂરી છે. માનસિક ઘાવ એની જાતે ઠીક થઈ જશે કે સમય આવ્યે ભરાઈ જશે એ માન્યતા ખોટી છે. ફર્સ્ટ એઇડ ડે નિમિત્તે એ સમજીએ કે શારીરિક ઘાવ માટે ફર્સ્ટ-એઇડ હોય એમ માનસિક ઘાવ માટે પણ ફર્સ્ટ-એઇડ કેમ જરૂરી છે
એક યુવાન સ્ત્રીના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જ્યારથી તેને ખબર પડી છે ત્યારથી તે સાયલન્ટ ઝોનમાં જતી રહી છે. હલાવીએ તો હલતી પણ નથી, બોલતી નથી, રડતી નથી, આંખ પણ પટપટાવતી નથી. બસ, એકીટસે તેના પતિના મૃત શરીરને જોયા કરે છે. ઘરના વડીલો તેને જોઈને ભયંકર ચિંતામાં છે. તેને કોઈ રડાવો, કોઈ પણ રીતે રડાવો. તેને ભાનમાં લાવો. આમ ને આમ ગાંડી થઈ જશે તે! એનાથી જુદું એ છોકરાની મા ગળું ફાડી-ફાડીને રડે છે, તેના દીકરાના મિત્રને તે રાડો પાડીને કહી રહી છે કે તું તેને બચાવી શક્યો હોત, તેં તેને કેમ ન બચાવ્યો? તેની રાડો અસહ્ય બનતી જાય છે. લોકો તેને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે પણ એ માનું રુદન વધુ ને વધુ આક્રંદમાં પરિણમી રહ્યું છે. એની સામે એ મૃત માણસનો ૭ વર્ષનો દીકરો ભયંકર ગભરાઈ ગયો છે. ઉપર છત પર પોતાના ટેન્ટ હાઉસમાં જઈને ભરાઈ ગયો છે. લોકોએ બહાર આવવાનું કહ્યું પણ તેને આવવું જ નથી. એ ટેન્ટ હાઉસનો પડદો તેણે જોરથી પકડી રાખ્યો છે કે કોઈ ખોલીને અંદર જોઈ ન શકે. કોઈએ પરાણે બહાર કાઢવાની કોશિશ કરી તો તે ત્યાંથી ભાગીને બાજુના ઘરમાં તેના મિત્રને ત્યાં ભાગી જાય છે. આ પ્રકારની કરુણ ઘટનાઓ આપણી આજુબાજુ બનતી જ હોય છે. લોકો પોતાની રીતે આ પરિસ્થિતિઓને સંભાળવાની કોશિશ કરતા હોય છે. જે વ્યક્તિઓ પર અસર થઈ હોય તેમને તેઓ સાંત્વના આપે, તેમને શાંત પાડે, તેમના દુઃખને પોતે પણ સમજે છે, અનુભવે છે એવી બાંહેધરી આપે, સંસારમાં આવું થયા કરે જેવી સલાહો આપે, બાળક હોય તો તેનું ધ્યાન બીજી તરફ વાળવાની કોશિશ કરે; પણ શું આ પૂરતું છે? કદાચ નહીં, કારણ કે આ વ્યક્તિઓને પોકળ સાંત્વનાઓની નહીં, જરૂર છે સાઇકોલૉજિકલ ફર્સ્ટ-એઇડની.
ફર્સ્ટ-એઇડ
રસોડામાં શાક સુધારતાં-સુધારતાં જો છરી વાગી જાય તો તરત હળદર દાબી દઈએ તો લોહી વહેતું અટકી જાય છે પરંતુ જો તમારો ઍક્સિડન્ટ થયો હોય, હાથ-પગ ખાસ્સા છોલાઈ ગયા હોય તો ત્યાં આપણે હળદર દાબતા નથી; ફર્સ્ટ-એઇડ ટ્રીટમેન્ટ કરીએ છીએ. ઍન્ટિસેપ્ટિક લિક્વિડથી સાફ કરીએ, ક્રીમ લગાડીએ, પાટાપિંડી કરીએ, જરૂર પડે તો ટેટનસનું ઇન્જેક્શન પણ લઈએ અને દુખાવો ખૂબ થતો હોય તો પેઇનકિલર પણ લઈએ. જો આ ન કરીએ તો ઘાવ પર સેપ્ટિક થઈ શકે છે અને તકલીફ ખૂબ વધી જઈ શકે છે. આમ ફર્સ્ટ-એઇડ ટ્રીટમેન્ટનું મહત્ત્વ ઘણું છે. શરીર પરના ઘાવ માટે આપણે આટલું કરીએ જ છીએ પરંતુ મનના ઘાવનું શું? મનના ઘાવ માટે પણ ફર્સ્ટ-એઇડ ટ્રીટમેન્ટ હોય છે. ઘાવ નાનોસૂનો હોય તો હળદરની જેમ માનવતા, પ્રેમ, સાંત્વનાથી ભરાઈ જતો હોય છે અને વ્યક્તિ ઠીક થઈ જતી હોય છે પણ ઘાવ થોડો ઊંડો હોય કે ઉઝરડા વધુ હોય તો ફર્સ્ટ-એઇડ કરવું જરૂરી છે; નહીંતર આ મનનો ઘાવ ખૂબ ઊંડો થઈ જાય છે અને બીમારીમાં પરિણમી શકે છે. આમ સાઇકોલૉજિકલ ફર્સ્ટ-એઇડ એટલે ઇમર્જન્સીના સમયમાં વ્યક્તિના માનસિક ઘાવને રુઝાવવા માટે ઉપયોગી વ્યવસ્થા.
રિસ્પૉન્સ
માનસિક ફર્સ્ટ-એઇડ શું છે અને કઈ રીતે કામ કરે છે એના અમુક કન્સેપ્ટ સમજાવતાં બોરીવલીના ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ ચિંતન નાયક કહે છે, ‘કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી સર્જાય ત્યારે વ્યક્તિના અમુક ખાસ રિસ્પૉન્સ હોય છે. અચાનક કોઈ દુર્ઘટના બને ત્યારે વ્યક્તિ કાં તો રાડો પાડવા લાગે, એકદમ બેકાબૂ બની જાય જેને ફાઇટ રિસ્પૉન્સ કહેવાય અને જો એવું ન કરે તો તે ત્યાંથી ભાગી છૂટવા માગતી હોય. એ તકલીફને કે દુઃખને તે સ્વીકારવા તો દૂરની વાત છે, એનો સામનો કરવા જ ન માગતી હોય એને ફ્લાઇટ રિસ્પૉન્સ કહેવાય. અકસ્માત થાય ત્યારે વ્યક્તિનો ફાઇટ અથવા ફ્લાઇટ રિસ્પૉન્સ જ હોય, બન્ને એકસાથે ન હોઈ શકે. અને જો આ બન્નેમાંથી એક પણ રિસ્પૉન્સ ન હોય તો એ વ્યક્તિ શૉક્ડ થઈ જતી હોય છે એટલે કે સ્તબ્ધ કે અવાક બની જાય. સાઇકોલૉજિકલ ફર્સ્ટ-એઇડની જરૂર આ ત્રણેય રિસ્પૉન્સમાં પડે છે.’
કરવાનું શું?
ફિઝિકલ ફર્સ્ટ-એઇડની મરહમ પટ્ટી વિશે તો બધા જાણે જ છે, પરંતુ સાઇકોલૉજિકલ ફર્સ્ટ-એઇડમાં કરવામાં શું આવે? આ પ્રશ્નનો જવાબ આપતાં ચિંતન નાયક કહે છે, ‘દરેક વ્યક્તિની એક વિન્ડો ઑફ ટૉલરન્સ હોય છે. એટલે કે સહન કરવાની ક્ષમતા. અમુક પ્રકારનું દુઃખ દરેક વ્યક્તિ પચાવી જાણે છે, અમુક દુઃખ તેની સહનશક્તિથી બહારનાં હોય છે. જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે વ્યક્તિની મન:સ્થિતિ તેની સહનશક્તિની બહાર પહોંચી જતી હોય છે. આપણે ફર્સ્ટ-એઇડ દ્વારા એ પ્રયાસ કરીએ છીએ કે વ્યક્તિ એ સહનશક્તિની અંદર પ્રવેશી જાય. જ્યારે વ્યક્તિ આ સહનશક્તિની લિમિટની ઉપર જતી રહે છે ત્યારે તે ફ્લાઇટ કે ફાઇટ રિસ્પૉન્સ દર્શાવે છે અને જ્યારે તે એની નીચે ધસી જાય છે ત્યારે તે ફ્રીઝ થઈ જાય છે. ઉદાહરણ સમજીએ તો કોઈ પણ દુર્ઘટના વારંવાર બન્યા કરે તો વ્યક્તિ માનસિક રીતે જડ થઈ જાય છે. સિરિયા, ઇઝરાયલના લોકો ઉપર એટલું વીત્યું છે કે દુર્ઘટનાઓ પ્રત્યે તેમનો રિસ્પૉન્સ ફ્રીઝ થવાનો જ હોય છે. ફર્સ્ટ-એઇડ આપતી વખતે ટાર્ગેટ એ જ હોય છે કે વ્યક્તિને ફરીથી વિન્ડો ઑફ ટૉલરન્સની અંદર લાવવી.’
શ્વાસ અને મન
પણ વ્યક્તિને પોતાની આ સહનશક્તિની મર્યાદાઓની અંદર લાવવાનું કામ થાય છે કેવી રીતે? એ પ્રશ્નનો જવાબ આપતાં ચિંતન નાયક કહે છે, ‘જુદી-જુદી ટેક્નિક્સ હોય છે જેના દ્વારા સાઇકોલૉજિકલ એઇડ આપવામાં આવે છે. જેમ કે બ્રીધિંગ ટેક્નિક. મન પર જલદીથી કાબૂ મેળવવા માટે શ્વાસથી ઉત્તમ માર્ગ કોઈ નથી. આવી વિકટ પરિસ્થિતિમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એના પર ધ્યાન આપવું જરૂરી છે, જેને માઇન્ડફુલ બ્રીધિંગ કહેવાય છે. ગાઇડલાઇન્સ મુજબ જો વ્યક્તિ ફ્રીઝ એટલે કે જડ થઈ ગઈ હોય તો ઊંડો શ્વાસ લેવો અને ઝડપથી છોડી દેવો. એનાથી વિપરીત જો ફ્લાઇટ કે ફાઇટ મોડ પર હોય તો શ્વાસ જલદી લેવો પણ એને છોડવાનું કામ ધીમી ગતિએ કરવું. વ્યક્તિ એ સમયે એવા દુઃખમાં ગરકાવ હોય છે કે તે જાતે પોતાને ફર્સ્ટ-એઇડ ન આપી શકે તો બીજા કોઈએ તેને આપવું પડે છે. તેની પાસે બ્રીધિંગ કરાવવું પડે છે.’
બીજી ટેક્નિક
આ સિવાય અમુક ટેક્નિક્સ છે જે ફર્સ્ટ-એઇડ તરીકે વપરાય છે જેમાંની એક ટેક્નિક એટલે ગ્રાઉન્ડિંગ ટેક્નિક જેને ૫, ૪, ૩, ૨, ૧ પણ કહે છે. વ્યક્તિને પૂછવું કે તમને કઈ પાંચ વસ્તુઓ દેખાય છે? કયા ચાર અવાજો સંભળાય છે? કઈ ત્રણ પ્રકારની ગંધ તમને અત્યારે આવે છે? કઈ બે વસ્તુનો સ્પર્શ તમે ઓળખી શકો છો? એક ઘૂંટડો પાણી તમે પી શકો છો? આ વિશે જણાવતાં ચિંતન નાયક કહે છે, ‘મૂળભૂત રીતે એના થકી પ્રયાસ એ હોય છે કે તમને તમારી ઇન્દ્રિયોનું ભાન થાય જેના થકી તમે વર્તમાનમાં આવી શકો. જે થયું છે એનો સ્વીકાર એને કારણે થોડો સરળ બને છે.’
ટ્રેઇનિંગ વિના કોઈ પણ વ્યક્તિ ફર્સ્ટ-એઇડ ન આપી શકે, જોકે એની ટ્રેઇનિંગ અઘરી નથી
સાઇકોલૉજિસ્ટ, ચિંતન નાયક
સાઇકોલૉજિકલ ફર્સ્ટ-એઇડ વિશેની મહત્ત્વની વાત જણાવતાં ચિંતન નાયક કહે છે, ‘કોઈ પણ વ્યક્તિનું દુઃખ જોઈને આપણે પ્રેમ અને માનવતાથી એને શાંત કરવાની કે હીલ કરવાની કોશિશ કરીએ છીએ એ હંમેશાં પૂરતી નથી હોતી એટલે સાઇકોલૉજિકલ ફર્સ્ટ-એઇડ જરૂરી છે. પરંતુ અફસોસ એ છે કે એ કોઈ પણ વ્યક્તિ ન આપી શકે. એ આપવા માટે ટ્રેઇનિંગ જરૂરી છે. બધા સાઇકોલૉજિસ્ટ સિવાય ફર્સ્ટ લાઇન વર્કર્સ, જે અકસ્માત થાય એ જગ્યાએ પહેલા કામ કરવા પહોંચે છે જેમ કે સમાજસેવકો, આંગનવાડી વર્કર્સ, શિક્ષકો, પૅરામેડિકલ સ્ટાફને આ ટ્રેઇનિંગ આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ આ શીખી શકે છે. આ ટ્રેઇનિંગ અઘરી નથી પરંતુ માનસિક હેલ્થ માટે હજી એટલી જાગૃતિ આવી નથી કે લોકો ઘરે-ઘરે આ ફર્સ્ટ એઇડનો ઉપયોગ કરતાં શીખે. જે લોકોને સાઇકોલૉજિકલ ફર્સ્ટ-એઇડ મળતી નથી તેમને ભવિષ્યમાં પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર થઈ શકે છે. સરળ ફર્સ્ટ-એઇડ દ્વારા આવી મોટી તકલીફોથી વ્યક્તિને બચાવી શકાય છે એ જાગૃતિ જરૂરી છે.’