મચ્છરોનો ફેવરિટ સાબુ તો નથી વાપરતાને તમે?

24 July, 2024 11:40 AM IST  |  Mumbai | Laxmi Vanita

એક સર્વેક્ષણ કહે છે કે કેટલીક સુગંધ મચ્છરોને આકર્ષે છે અને એ પણ મચ્છર કરડવાનું એક કારણ હોઈ શકે છે. અત્યારે મચ્છરોનો ઉપદ્રવ સાતમા આસમાન પર છે ત્યારે મચ્છરો કરડવાનાં અને ન કરડવાનાં કારણોથી લઈને એમાં સુગંધનો કેવો રોલ હોય છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

ચોમાસું બરાબરનું જામ્યું છે અને આ ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ પણ શરૂ થઈ ગયો છે. અને તમારામાંથી ઘણા મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી પણ રહ્યા હશે. મચ્છર પર અઢળક વસ્તુઓ લખાઈ છે અને આજ સુધીમાં દુનિયાભરનાં રિસર્ચ પણ થયાં છે. એમાંનું એક રિસર્ચ એટલે થોડાક સમય પહેલાં ‘iScience’ નામના ઇન્ટરનૅશનલી જાણીતા જર્નલમાં કહેવાયું કે તમારા સાબુની સુગંધ જો મચ્છરોને ગમી જાય તો તમને મચ્છર કરડવાનું પ્રમાણ પણ વધી શકે. સામાન્ય રીતે માદા મચ્છર માટે આપણું લોહી ભોજન છે અને આપણું લોહી પીને જ માદા મચ્છર ઈંડાં આપી શકતી હોય છે. ટૂંકમાં આપણું લોહી મચ્છરોના પ્રોડક્શનને વધારવા માટે જરૂરી છે અને એમાં ચોમાસું તેમની ફેવરિટ સીઝન છે. આ જ કારણ છે કે ચોમાસામાં સર્વાધિક મચ્છરો કરડે છે અને મચ્છરોનું પ્રમાણ પણ આ ઋતુમાં વધારે હોય છે.

પાછા સાબુ પર આવીએ. સામાન્ય રીતે મચ્છરો લોકોના પરસેવાની ગંધથી આકર્ષાતા હોય છે. જેમને ખૂબ પસીનો થતો હોય તેમને મચ્છર કરડવાનું પ્રમાણ વધારે હોય. પરંતુ માનો તમને પસીનો નથી થતો તો? ચોમાસામાં ક્યાં પસીનો થાય છે છતાં શું કામ મચ્છર કરડે તો જવાબ છે સાબુ, પરફ્યુમ, ક્રીમ જેવી કોઈ પણ પ્રોડક્ટ્સની સ્મેલ જો મૉસ્કિટોના ફેવરિટ લિસ્ટમાં આવતી હોય તો એ તમને કરડશે. સાબુની ગંધ અને મચ્છરના કરડવા પર થયેલા રિસર્ચમાં સંશોધકોએ અમેરિકાની ચાર માનીતી બ્રૅન્ડના સાબુનો ઉપયોગ કર્યો હતો જેમાં એક ગ્રુપના લોકોને સુગંધિત

સાબુ અને બીજા ગ્રુપને ઓછા સુગંધિત સાબુ વડે હાથ ધોવાનું કહેવામાં આવ્યું. પરિણામ બહુ જ દેખીતું હતું કે સુગંધિત સાબુવાળા ગ્રુપ પાસે અન્ય ગ્રુપની સરખામણીમાં વધારે મચ્છરો આકર્ષાયા.  ૨૦૧૯માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં આ જ પ્રકારનું રિસર્ચ થયું હતું જેમાં સુગંધમાં વપરાતાં અમુક રસાયણો પર મચ્છરોની અસર ચકાસવામાં આવી હતી. એમાં લિનાલુલ કે જે સાબુ અને પરફ્યુમમાં વપરાય, આલ્ફા-પિનેન જે પાઇન અને ગુલાબની સુગંધમાં તેમ જ બીટા-પિનેન એટલે લૅવૅન્ડર અને ગુલાબની સુગંધમાં વપરાય છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના તારણમાં મચ્છરો ચુંબકની જેમ આ સુગંધથી આકર્ષાયા હતા. તો શું આપણે સુગંધને કારણે આકર્ષાતા કે કરડતા મચ્છરોથી ડરવાની જરૂર છે? શું બધા મચ્છરો ગંભીર બીમારી આપે છે? એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ મચ્છરોથી ઋતુ પ્રમાણે કેવી રીતે બચી શકાય.

અમુક બ્લડ-ગ્રુપ ફેવરિટ

આપણે ત્યાં લોકવાયકા રહી છે કે મારું લોહી મીઠું છે એટલે મને વધુ મચ્છરો કરડે છે. વેલ, બ્લડમાં રહેલી શુગર તો નહીં પણ બ્લડમાં રહેલાં બીજાં કેટલાંક તત્ત્વો ચોક્કસ મચ્છરોના મોઢામાં પાણી લાવનારાં હોય. જેમ કે હીમોગ્લોબિન. એવી જ રીતે કેટલાંક બ્લડ-ગ્રુપ મચ્છરોનાં ફેવરિટ હોય છે. સાંતાક્રુઝ અને કુર્લામાં છેલ્લાં ૨૦ વર્ષથી જનરલ ફિઝિશ્યન તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. કપિલ સિસોદિયા કહે છે, ‘મચ્છરો માટે અમુક બ્લડ-ટાઇપ અને વાતાવરણ બહુ અનુકૂલિત છે. જેમ કે યુનિવર્સલ બ્લડ ગ્રુપ ગણાતું ‘O’ એ માણસોને જ નહીં, મચ્છરોનું પણ માનીતું છે. O બ્લડ-ગ્રુપ ધરાવતા લોકોનું લોહી મચ્છરો પેટ ભરીને પીતા હોય છે. એવી જ રીતે તમે જે સુગંધની વાત કરી તો એમાં પણ પરસેવા સાથે તમે વાપરેલા પરફ્યુમ કે કોલનની સુગંધનું કૉમ્બિનેશન કેટલાંક નવાં જ કેમિકલ સર્જે જેના પ્રેમમાં મચ્છર પડે અને કરડવાની પ્રક્રિયા શરૂ થાય. ખાસ જિનેટિક બંધારણ ધરાવતા લોકોને મચ્છર વધારે કરડે છે. એક તથ્ય એ પણ છે કે મચ્છરો સુગંધ ભૂલે નહીં, એ તમને શોધીને તમારી પાસે

વારે-વારે આવે. મુંબઈમાં અમુક વિસ્તારોમાં મચ્છરોનું વર્ચસ્વ આંખ સામે જ દેખાઈ આવે. એવા વિસ્તારોમાં જ્યારે જવાનું થાય ત્યારે ખાસ કરીને પરફ્યુમ કે સારી સુગંધ પોતાના પર અવગણવી, કારણ કે તમે થોડા દિવસ પછી પણ એ વિસ્તારમાં જાઓ તો મચ્છરો તમને કરડશે જ. માણસનો પરસેવો અને ચોક્કસ તાપમાન ધરાવતું શરીર મચ્છરોને બહુ જ પ્રિય હોય છે. જો ઋતુની વાત કરું તો ચોમાસું અને ઉનાળો કે જેમાં ભેજનું પ્રમાણ વધારે હોય એ મચ્છરોના પ્રજનન માટે બહુ જ અનુકૂળ વાતાવરણ છે. એટલે જ આવા વાતાવરણમાં મચ્છરોથી પેદા થતા રોગોનું પ્રમાણ આસમાને પહોંચતું હોય છે.’

કેવા મચ્છરોથી બચવું?

આપણા શરીરને કરડીને લોહી પીવાનું કામ માત્ર માદા મચ્છર કરે છે, કારણ કે પ્રજનન માટે જરૂરી વિશિષ્ટ પ્રોટીન માદા મચ્છરને આપણા લોહીમાંથી મળે છે. લોહી પીતી વખતે વિવિધ વાઇરસ શરીરમાં છોડવાનું કારસ્તાન પણ માદા મચ્છરોને ફાળે જાય છે. મચ્છરની લોહી પીવાની ક્ષમતા એના શરીર કરતાં પાંચગણી વધારે હોય છે. મચ્છરોથી બચવાની ચેતવણી આપતાં ડૉ. કપિલ કહે છે, ‘બંધિયાર પાણી કે ખાબોચિયાં ભરાયેલાં હોય ત્યાંના મચ્છરોથી દૂર રહેવું. જ્યાં અતિશય ભેજ હોય ત્યાંના મચ્છરોથી દૂર રહેવુ. આવી જગ્યાએ એડિસ ઇજિપ્તી, એનાફિલિસ જેવા મચ્છરો પેદા થાય છે જે ડેન્ગી, મલેરિયા, ચિકન ગુનિયા જેવા રોગોનું કારણ છે. આ મચ્છરો એવા છે કે જો તમારા શરીર પર કોઈ ઘા થયો હોય અને એ ખુલ્લો હોય તો એ ઘા પર જઈને બેસીને ઇન્ફેક્શન કરે છે, જેને કારણે લેપ્ટોસ્પાયરોસિસ જેવા રોગનું કારણ પણ બને છે. દૂષિત પાણીમાં પ્રજનન કરતા આ મચ્છરો કેટલાય ગંભીર રોગો આપી શકે છે.’

દૂર રાખવા શું કરશો?

મજાની વાત એ છે કે જે બાબતોથી મચ્છરો ઍટ્રૅક્ટ થાય છે એવી જ બાબતો મચ્છરોને દૂર પણ રાખે છે. કેટલીક સુગંધ મચ્છરોને પ્રિય છે એમ કેટલીક સુગંધો તેઓ સહન નથી કરી શકતા. મચ્છરોને દૂર ભગાડવા માટે લસણ, કપૂર, લેમન, લેમનગ્રાસ, ટીટ્રી ઑઇલ, નીલગિરિ, પેપરમિન્ટ, અલોવેરા, લીમડો જેવા પદાર્થોની સુગંધ અકસીર છે. આ પ્રોડક્ટની સુગંધનો ધુમાડો કરો, એનીના સ્કિનકૅર પ્રોડક્સ્ટ વાપરો અથવા એનું પરફ્યુમ કે એસેન્શિયલ ઑઇલ જો લગાવી દો તો મચ્છરો તમારાથી છેટા રહેશે. બીજું, આ ઋતુમાં સાંજે ઘરનાં બારીબારણાં બંધ રાખવાં અને જો ખુલ્લાં હોય તો આવી સુગંધને પ્રબળ રાખો તો મચ્છરો ઘરની બહાર રહેશે.

અમુક લોકોને કેમ જરાય મચ્છર ન કરડે?

મચ્છરની ૩૫૦૦ પ્રજાતિમાંથી બહુ જ ઓછી માનવો માટે નુકસાનકારક હશે. ડૉ. કપિલ સિસોદિયા કહે છે, ‘મચ્છર ન કરડવાનાં અમુક કારણોમાં તેમનો પરસેવો જવાબદાર છે. પરસેવામાં રહેલો લૅક્ટિક ઍસિડ અને એની સાથે અન્ય રસાયણોનું સંયોજન મચ્છરોને પ્રિય છે. જે લોકોને પરસેવો ઓછો થતો હોય તેમનામાં આ લૅક્ટિક ઍસિડનું સિક્રેશન ઓછું થવાના કારણે મચ્છરો તેમના તરફ આકર્ષાતા નથી. બીજું કારણ એ છે કે મચ્છરોને કાર્બન ડાયોક્સાઇડ વધારે ગમે છે. અને જે વ્યક્તિનું મેટાબોલિઝમ ફાસ્ટ હોય તેમનામાં વધારે કાર્બન ડાયોક્સાઇડ પેદા થતો હોય છે અને જેમનું મેટાબોલિઝમ ધીરું હોય તેમનામાં ઓછો પેદા થતો હોય છે. એટલે જેમનું પાચનતંત્ર ધીમે-ધીમે કામ કરતું હોય તેમને ઓછામાં ઓછા કરડે છે. કમળાના દરદીઓમાં લિલરૂબન નામનું સંયોજન પેદા થતું હોય છે અને આ સંયોજનનું પ્રમાણ જેમના લોહીમાં વધારે હોય તેમનાથી મચ્છરો દૂર રહે છે અને લિલરૂબનને મૉસ્કિટો રેપેલન્ટ પણ માનવામાં આવે છે. અમુક કેસમાં એવું થતું હોય કે કમળાના કારણે સ્કિન પર પર્મનન્ટ યલો પિગમન્ટેશન થઈ જાય છે. એટલે યલો કલર મચ્છરોને ખોટા માર્ગે પણ દોરે છે અને કરડતા અટકાવે છે. ટૂંકમાં જો કમળો થયો હોય તો એ પરિસ્થિતિમાં પાચનક્રિયા ધીમી થાય એટલે શરીરમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થાય જેના કારણે પણ મચ્છરો દૂર રહે છે. તેમ જ મચ્છરો અમુક તાપમાન ધરાવતા લોકો પાસે જ જાય છે. શરીર, લોહી અને ત્વચાના તાપમાનનું કૉમ્બિનેશન ચેક કરીને મચ્છર કરડે છે. જો શરીરનું તાપમાન વધી જાય એટલે કે તાવ આવતો હોય તો તેમ જ શરીર ઠંડું હોય તો તેમને નથી કરડતા. એવું પણ થતું હોય છે કે તમને વારંવાર મચ્છર કરડતા હોય તો શરીર એનાથી ઇમ્યુન થઈ જાય છે.’

health tips life and style columnists