બચ્ચાને તાવ છે? તો દવા આપવી કે નહીં?

18 November, 2024 07:26 AM IST  |  Mumbai | Heena Patel

સોનમ કપૂરે સોશ્યલ મીડિયામાં સવાલ લખેલો, ‘બાળકનો તાવ આપમેળે ઊતરી જાય એની ક્યાં સુધી રાહ જોવાય?’

સોનમ કપૂર

સોનમ કપૂરે સોશ્યલ મીડિયામાં સવાલ લખેલો, ‘બાળકનો તાવ આપમેળે ઊતરી જાય એની ક્યાં સુધી રાહ જોવાય?’ આ સવાલ કદાચ દરેક ન્યુ પેરન્ટનો હશે. તાવ આવવો એ શરીરની રોગપ્રતિકારકતાનો નૅચરલ રિસ્પૉન્સ છે. એને ક્યાં સુધી નૅચરલ માનવો અને ક્યારે પગલાં લઈને દવા આપીને એને ઉતારવાની કોશિશ કરવી એ વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ

હિના પટેલ

feedbackgmd@mid-day.com

હાલમાં બૉલીવુડની અભિનેત્રી સોનમ કપૂરે સોશ્યલ મીડિયાના માધ્યમથી એ સવાલ કર્યો હતો કે બાળકનો તાવ નૅચરલી મટી જાય એની રાહ જોવી કેટલું સેફ છે? બે વર્ષથી નાનાં બાળકોમાં ફીવરની સમસ્યા સામાન્ય હોય છે. દર વખતે તાવ આવે એટલે પેરન્ટ્સ પૅનિક થઈ જતા હોય છે. એમાં આજકાલની મૉડર્ન મૉમ્સ તો બચ્ચાને થોડો તાવ આવે કે ચાર-પાંચ છીંકો ખાય કે તરત બાળકને ઊંચકીને ડૉક્ટર પાસે લઈ જાય છે. દરેક વખતે બાળકને દવાની ગોળીઓ આપવી પણ સારી વાત નથી અને તાવ તો છે, મટી જશે એમ સમજીને સાવ બેદરકારી પણ ન રાખવી જોઈએ. એટલે બાળકને ફીવર આવે ત્યારે કઈ પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે લઈ જવું અને ક્યારે તાવના કુદરતી રીતે મટવાની રાહ જોવી એ જાણવું ખૂબ જરૂરી છે.

ક્યારે તાવ આવે?

સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે તાવ શા માટે આવે છે. આ​ વિશે માહિતી આપતાં પીડિયાટ્રિશ્યન ડૉ. નિહાર પારેખ કહે છે, ‘તાવ એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે બાળકની ઇમ્યુન સિસ્ટમ સરખી રીતે કામ કરી રહી છે. બાળકના શરીરમાં એટલી ક્ષમતા છે કે તે ઇન્ફેક્શન સામે લડી શકે. તાવ એ ઇન્ફેક્શન માટે કારણભૂત જર્મ્સ સામે લડવાની બૉડીની ડિફેન્સ સિસ્ટમનો એક ભાગ છે. આપણી બૉડી ઇન્ફેક્શન સામે લડવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે તાવ આવે છે. શરીરનું હાઈ ટેમ્પરેચર ઇન્ફેક્શન સામે લડવામાં ઇમ્યુન સિસ્ટમને મદદરૂપ બને છે. એટલે તાવ આવવો એ સારી વાત છે.’

ક્યારે દવા લેવી જોઈએ?

બાળકને તાવ આવ્યો હોય ત્યારે એને મટાડવા માટે ક્યારે ડૉક્ટર પાસે જવું અને ક્યારે દવા વગર પણ ચાલી જાય એ વિશે સ્પષ્ટતા આપતાં ડૉ. નિહાર પારેખ કહે છે, ‘આ વસ્તુ બાળકની ઉંમર કેટલી છે અને તાવની તીવ્રતા કેટલી છે એના પર નિર્ભર કરે છે. બાળક ખૂબ નાનું હોય તો જેવો તાવ વધવા લાગે એમ બાળક દૂધ પીવાનું બંધ કરી દે, ઘણાં બાળકો સુસ્ત થઈ જાય, ઘણાં બાળકો ઊલટી કરવા લાગે. બાળક થોડું મોટું હોય અને હાઈ ફીવર હોય તો ઘણી વાર તાવના કારણે તે બડબડાટ કરવા લાગે, શરીરમાં ભયંકર દુખાવો થાય, ફિટ આવે. જો એ બધું થતું હોય તો પછી તાવની દવા આપવી જોઈએ. જો તમારા બાળકને અડધો કલાકમાં તાવ ઘટવાને બદલે ૯૯-૧૦૦ ફૅરનહાઇટથી વધીને ૧૦૧-૧૦૨ ફૅરનહાઇટ થવા લાગે, બાળક થથરવા લાગે તો દવા આપવાથી તેને ઘણો આરામ મળે છે. બાળકને તાવને કારણે બીજી કોઈ તકલીફ ન થતી હોય. નાનું બાળક હોય અને હસતું હોય, રમતું હોય તો કંઈ કરવાની જરૂર નથી. એની મેળે બાળકને પરસેવો થશે અને તાવ મટી જશે. એવા કેસમાં દવાની જરૂર હોતી નથી. આ બધું ખૂબ સબ્જેક્ટિવ છે. આમાં પેરન્ટ્સનો માઇન્ડસેટ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા પેરન્ટ્સ ૯૯-૧૦૦ ફૅરનહાઇટ તાવ આવ્યો હોય ત્યાં એટલા પૅનિક થઈ જાય કે બાળકને ઊંચકીને હૉસ્પિટલમાં લઈ જાય. ઘણા પેરન્ટ્સ એવા હોય કે ૧૦૧-૧૦૨ તાવમાં શાંતિથી બેઠા હોય. જનરલી ૧૦૦.૫ ફૅરનહાઇટ અને એનાથી ઉપર ટેમ્પરેચર હોય તો તાવ ગણાય. એટલે એનાથી નીચે તાપમાન હોય તો દવાનું વિચારવું પણ ન જોઈએ જ્યાં સુધી બાળક પ્લેફુલ અને ઍક્ટિવ હોય. તાવને નૅચરલી પણ શરીર તોડી શકે અને એને દવાથી પણ તોડી શકાય. ઘણી વાર હાઈ ફીવર હોય તો એને નૅચરલી તોડવાનું કામ બાળક માટે મુશ્કેલ હોય છે એટલે દવા આપવી પડે.’

નૅચરલી કેમ ઓછો કરાય?

બાળકનો તાવ નૅચરલી ઓછો કરવા માટે પેરન્ટ્સે શું કરવું જોઈએ એ વિશે માહિતી આપતાં પીડિયાટ્રિશિયન ડૉ. હિમાની શાહ કહે છે, ‘સૌથી કૉમન મિસ્ટેક જે ન્યુ મધર્સ કરતી હોય છે એ તાવ આવે ત્યારે બાળકને સ્વેટર, હાથ-પગનાં મોજાં, ટોપી પહેરાવી દે છે. તાવમાં ક્યારેય પણ બાળકને આ રીતે કપડાંનો ઢગલો પહેરાવવાનો નહીં જેથી હીટ વધે અને મગજમાં તાવ ચડી જાય. બાળકને તાવમાં હળવાં અને આરામદાયક કપડાં પહેરાવવાં જોઈએ.’

આ વાતનું સમર્થન આપતાં ડૉ. નિહાર પારેખ કહે છે, ‘તાવ આવ્યો હોય ત્યારે બાળકને વધુ ગરમી ન લાગે એ માટે તેનાં કપડાંનાં બટન ખોલી નાખવાં જોઈએ. બાળકને પંખા નીચે હવા લાગે એમ સુવડાવવાં જોઈએ. શરીરને ઠંડું પાડવા માટે ભીના ટુવાલથી આખું શરીર લૂછી નાખવું જોઈએ. એ સિવાય તાવમાં બાળકને હાઇડ્રેટેડ રાખવા જેમ બને એમ પાણી પીવડાવવું જોઈએ.’

શરદી

તાવની જેમ બાળકોમાં વારંવાર શરદી થવાની સમસ્યા ખૂબ કૉમન છે. બાળકોને કેમ છાશવારે શરદી થાય છે અને એ મટાડવા માટે શું કરવું જોઈએ એ વિશે વાત કરતાં ડૉ. હિમાની શાહ કહે છે, ‘વાતાવરણમાં ફેરફાર, હવાનું પ્રદૂષણ, ધૂળ, વાઇરલ ઇન્ફેક્શનના કારણે બાળકોને શરદી થઈ જતી હોય છે. એ સિવાય ઇન્ડોર ઍર પૉલ્યુશન જેમ કે ધૂપ, ધુમાડો, પરફ્યુમ, ઍર ફ્રેશનર વગેરે પણ બાળકોને શરદી કરી શકે છે. ઘણી વાર બાળકોને જે પાઉડર લગાડવામાં આવે છે એના ઝીણા-ઝીણા પાર્ટિકલ્સ તેમના નાકમાં જઈને ઇરિટેટ કર્યા કરે. એટલે જો તમારા બાળકને શરદી રહ્યા કરતી હોય કે નાક બંધ થઈ જતું હોય તો તમારે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે બાળકને કઈ વસ્તુથી ઍલર્જી છે. જો પાઉડર કે ધૂપ એવી વસ્તુથી તેમને સમસ્યા થતી હોય તો બાળકને એનાથી દૂર રાખવાનો શક્ય એટલો પ્રયત્ન કરવો જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધૅન ક્યૉર. એટલે શરદી થયા બાદ ઉપચાર કરવા કરતાં શરદી ન થાય એના પર વધુ ધ્યાન આપવું જોઈએ. જનરલી બાળકને શરદી થઈ હોય તો તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય પણ કરી શકો. જેમ કે એક ચપટી હળદર અને અડધી ચમચી મધને મિક્સ કરીને તમે બાળકને આપી શકો અથવા તુલસી, અદરકનો કાઢો બનાવીને પણ આપી શકાય.’

લૂઝ મોશન

બાળકોમાં લૂઝ મોશનની સમસ્યા પણ જોવા મળતી હોય છે. એ શા માટે થાય છે અને એ ન થાય એ માટે કઈ તકેદારી રાખવી જોઈએ એ વિશે ડૉ. હિમાની શાહ કહે છે, ‘બાળકને દાંત આવવાની શરૂઆત થતી હોય એટલે તેમને ચળ બહુ આવે એટલે મોઢામાં બધું નાખે. જ્યાં-ત્યાં અડેલા હાથ નાખે, રમકડાંઓ નાખે જેનાથી ઇન્ફેક્શન થાય. બાળકોમાં લૂઝ મોશન થવાનું આ કૉમન રીઝન છે. એટલે બાળકને ઇન્ફેક્શનથી બચાવવા માટે તે જે-તે વસ્તુ મોઢામાં ન નાખે એનું ધ્યાન રાખવું. ઘરમાં હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં બાળકને ઉકાળેલું પાણી આપવું જોઈએ. ઘરમાં બનાવેલું ફ્રેશ ફૂડ આપવું જોઈએ. બહારથી કોઈ વસ્તુ લાવીને આપવાનું ટાળવું જોઈએ.’

 બાળકને ઇન્ફેક્શનથી બચાવવા માટે તે જે-તે વસ્તુ મોઢામાં ન નાખે એનું ધ્યાન રાખવું. ઘરમાં હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં બાળકને ઉકાળેલું પાણી આપવું જોઈએ. ઘરમાં બનાવેલું ફ્રેશ ફૂડ આપવું જોઈએ. બહારથી કોઈ વસ્તુ લાવીને આપવાનું ટાળવું જોઈએ.

 તાવ આવ્યો હોય ત્યારે બાળકને વધુ ગરમી ન લાગે એ માટે તેનાં કપડાંનાં બટન ખોલી નાખવાં જોઈએ. બાળકને પંખા નીચે હવા લાગે એમ સુવડાવવાં જોઈએ. શરીરને ઠંડું પાડવા માટે ભીના ટૉવેલથી આખું શરીર લૂછી નાખવું જોઈએ. તાવમાં બાળકને હાઇડ્રેટેડ રાખવા જેમ બને એમ પાણી પિવડાવવું જોઈએ.

life and style health tips sonam kapoor social media columnists