તમે ઉપરથી જાડા છો કે અંદરથી?

16 September, 2024 09:10 AM IST  |  Mumbai | Jigisha Jain

જે ચરબી ઉપર દેખાય છે, જેને જોઈને આપણે કોઈ પણ વ્યક્તિને જાડી હોવાનું બિરુદ આપીએ છીએ એ દેખાતી ચરબી એટલી નુકસાનકારક નથી જેટલી શરીરની અંદર અંગો પર જામતી ચરબી છે

પ્રતીકાત્મક તસવીર

માણસ ઉપરથી સારો કે અંદરથી સારો એ તો આપણે સાંભળ્યું છે, પણ માણસ ઉપરથી જાડો કે અંદરથી જાડો એ નથી સાંભળ્યું. જે ચરબી ઉપર દેખાય છે, જેને જોઈને આપણે કોઈ પણ વ્યક્તિને જાડી હોવાનું બિરુદ આપીએ છીએ એ દેખાતી ચરબી એટલી નુકસાનકારક નથી જેટલી શરીરની અંદર અંગો પર જામતી ચરબી છે. એ દેખાતી તો નથી, પરંતુ ઘણા રોગોનું કારણ સાબિત થાય છે. જાણીએ આ બન્ને પ્રકારની ચરબી વિશે અને સમજીએ કે કઈ રીતે બન્ને અલગ છે...

ફૅટ આપણા શરીરમાં દરેક જગ્યાએ હોય છે. કોશિકાઓની અંદર, લોહીની નળીઓમાં, હાડકાંમાં, હાર્ટની આજુબાજુ કે આંખના ડોળાની પાછળ પણ ફૅટ હોય છે. જીવવા માટે અને શરીર વ્યવસ્થિત કામ કરે એ માટે આપણને ફૅટની જરૂર રહે છે. આ ફૅટના પણ પ્રકારો છે. થોડાક ગાલના ગટ્ટા બહાર આવી જાય કે પેટ ફૂલી જાય એ બધાને આપણે મેદ જ ગણીએ છીએ. પેટ ન વધે, ડબલ ચિન ઘટે, સ્લીવલેસ પહેરીએ ત્યારે હાથ જાડા ન દેખાય અને બર્મુડા પહેરતી વખતે સાથળનો ભાગ લટકી ન પડે એનું ધ્યાન આપણે ખૂબ રાખીએ છીએ. જો આ બધી જગ્યાએ ચરબી જામે તો આપણે જાડા ગણાઈએ. જોકે અમુક ચરબી એવી છે જે દેખાતી નથી. શરીરમાં એનું સ્થાન હોય છે અને જે દેખાય છે એ ચરબી કરતાં એ કેટલીયે ગણી વધુ હાનિકારક છે. આજે દેખીતી ચરબી અને છુપાયેલી ચરબી એમ ચરબીના આ જુદા પ્રકારો વિશે સમજવાની કોશિશ કરીએ.

ચામડીના સ્તરની નીચે

ફૅટ કઈ જગ્યાએ જામેલી છે એ લોકેશનનું ઘણું મહત્ત્વ છે. એ વિશે વાત કરતાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના રીહૅબિલિટેશન અને સ્પોર્ટ્સ મેડિસિનના હેડ અને કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘એક પ્રકારની ફૅટ હોય છે જે બહાર દેખાય છે. એટલે કે જે ફૅટને તમે નજરે જોઈ શકો છો અને સમજી શકો છો કે વ્યક્તિમાં મેદ જમા થયો છે એ ફૅટ ચામડીના સ્તરની નીચે જમા થતી ફૅટ છે. એ ફૅટને સબક્યુટેનિયસ ફૅટ કહે છે. આપણે જોઈએ છીએ કે ઘણી વ્યક્તિના ગાલ ભરાયેલા હોય છે, ડબલ ચિન દેખાય છે તો ઘણાના હાથ એકદમ જાડા હોય છે અને ઘણી વ્યક્તિના સાથળ. આમ તમે જે જાડા દેખાઓ છો એ આ ફૅટને કારણે છે.’

અંગોની આસપાસ

ચામડીના સ્તર નીચે જામેલી ચરબી જોઈ શકાય છે, પરંતુ જે ચરબી જોઈ નથી શકાતી એના વિશે વાત કરતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘આ પ્રકારની ફૅટ કોઈ પણ અંગની આસપાસ જામી જાય એટલે કે એ નરી આંખે દેખાતી નથી જેને વિસરલ ફૅટ કહે છે. જ્યારે એ ફૅટ કોઈ પણ અંગની આસપાસ જામે ત્યારે એ અંગને વ્યવસ્થિત કામ ન કરવા દે. આ પ્રકારની ફૅટ મોટા ભાગે પેટ અને એની અંદર રહેલાં અંગોની આસપાસ જામે છે. જે લોકો દૂબળા છે છતાં તેમને હાર્ટ-અટૅક આવે છે ત્યારે આપણને લાગે છે કે આ વ્યક્તિના શરીરમાં કૉલેસ્ટરોલ કેવી રીતે વધુ હોય? તેના શરીરમાં તો મેદ જ નથી. હકીકત એ છે કે મેદ છે, પણ એ વિસરલ ફૅટ છે જે તેના હાર્ટ-અટૅકનું કારણ બન્યું હતું.’

ભેદ કેવી રીતે પરખાય?

આ બન્ને ફૅટનો ભેદ એટલો જ નથી કે એક દેખાય છે અને બીજી દેખાતી નથી. એનાથી વધુ મોટો ભેદ એ છે કે એક ખૂબ હાનિકારક છે અને બીજી ઓછી હાનિકારક. એ વિશે વાત કરતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘વધુ પડતી ફૅટનું જમા થવું એ ખરાબ જ છે, પરંતુ ચામડીની નીચે જમા થતી ફૅટ આપણને એટલું નુકસાન નથી પહોંચાડતી જેટલી અંગની આસપાસ જમા થતી ફૅટ એટલે કે વિસરલ ફૅટ વધુ નુકસાનકારક છે. એ મુખ્યત્વે પેટમાં આવેલાં અંગોને વધુ અસર કરે છે. ખાસ કરીને લિવર અને પૅન્ક્રિયાસની આસપાસ ફૅટ વધુ પડતી જમા થાય છે. લિવરની આસપાસ જ્યારે ફૅટ જામે ત્યારે એ રોગને ફૅટી લિવર ડિસીઝ કહેવાય છે. લિવરના કામમાં એ હસ્તક્ષેપ કરે છે. લિવર એનું કામ વ્યવસ્થિત ન કરે એટલે શરૂઆતમાં મેટાબોલિઝમ નબળું થાય અને જેમ-જેમ એનું પ્રમાણ વધતું જાય એમ છેલ્લે લિવર ફેલ થાય છે. વચ્ચેની અવસ્થાઓમાં કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ, કૅન્સર, ડિમેન્શિયા જેવી કોઈ પણ તકલીફ થઈ શકે છે. એવી જ રીતે પૅન્ક્રિયાસની આસપાસ જ્યારે એ જમા થઈ જાય ત્યારે ડાયાબિટીઝની તકલીફ વધે છે. આમ વિસરલ ફૅટ રોગોની કારક છે.’

કઈ ચરબી છે?

જો આ બન્ને ચરબીઓ જુદી હોય તો કઈ વ્યક્તિમાં કઈ ચરબીનું પ્રમાણ વધુ હોય એ કઈ રીતે સમજી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘બન્ને પ્રકારની ચરબી હોવા પાછળ કારણો તો સરખાં જ હોય છે. આ બન્ને ચરબીઓ જિનેટિક પણ હોઈ શકે અને ખોટી લાઇફસ્ટાઇલને કારણે પણ હોઈ શકે. ઘણી વ્યક્તિ થોડી જાડી દેખાતી હોય છે, પરંતુ તેમના નખમાં પણ રોગ નથી હોતો. ઘણી વ્યક્તિ બિલકુલ જાડી દેખાતી નથી, પરંતુ ૩૫ વર્ષની ઉંમરે તેમણે કૉલેસ્ટરોલની દવા લેવી પડે છે. એનું કારણ આ બન્ને જુદી-જુદી ચરબી છે. જોકે મોટા ભાગના લોકોમાં જે જાડા દેખાતા હોય છે તેમનામાં વિસરલ ફૅટ પણ હોય જ છે અને જેનામાં વિસરલ ફૅટ હોય તે વ્યક્તિ જાડી દેખાતી જ હોય છે. એટલે બન્ને પ્રકારની ચરબી એકસાથે એક વ્યક્તિમાં હોય એવું સામાન્ય રીતે જોવા મળે જ છે. એનું કારણ તેમના જીન્સ અને તેમની લાઇફસ્ટાઇલ બન્ને છે.’

ખબર કઈ રીતે પડે?

જે જાડા દેખાય છે તેમને તો જોઈને સમજી શકાય કે તેમનામાં સબક્યુટેનિયસ ફૅટની માત્રા વધુ છે, પરંતુ અંગની આસપાસ ફૅટ જમા આથી રહી છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? એ વાતનો જવાબ આપતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘રૂટીનમાં એવી કોઈ ટેસ્ટ ડૉક્ટરો કરાવતા નથી; પરંતુ પેટની સોનોગ્રાફી એક રૂટીન ટેસ્ટ છે જે ડૉક્ટરો જ નહીં, ઘણા ડાયટિશ્યન પણ કરાવડાવતા હોય છે. આ સોનોગ્રાફી અને ડેક્સાસ્કેન એક એવી ટેસ્ટ છે જેના દ્વારા વિસરલ ફૅટ તમારા શરીરમાં કેટલી છે, કયા અંગને એ અસર કરે છે એ બધું જાણી શકાય છે. જો તમે જાડા દેખાતા હો તો ચોક્કસ એક વખત આ ટેસ્ટ કરાવવી અને જો તમે જાડા ન દેખાતા હો એમ છતાં તમારા ઘરમાં હાર્ટ-ડિસીઝ કોઈને હોય, તમારી લાઇફસ્ટાઇલ ખરાબ હોય તો એક વખત સોનોગ્રાફી કરીને જાણી લેવું કે તમારી શું પરિસ્થિતિ છે. એ પછી ડૉક્ટરને મળીને આગળ શું કરવાનું છે એ પણ સમજવું એટલું જ જરૂરી છે.’

કરવાનું શું?

એ તો સમજી શકાય છે કે સબક્યુટેનિયસ ફૅટ ચામડીના સ્તરની નીચે જમા હોવાથી શરીરને ખાસ નુકસાન નથી પહોંચાડી શકતી, પરંતુ આ ફૅટ પર આપણે વધુ ચિંતાતુર બની જતા હોઈએ છીએ. ગ્રેડ વન અને ગ્રેડ ટૂ ફૅટી લિવરના દરદીઓને ખાસ ચિંતા હોતી નથી, પરંતુ દેખાવમાં જે ચરબી દેખાય છે એની ચિંતા લોકોને વધુ હોય છે. કઈ ચરબી કઈ રીતે ઘટે એ સમજાવતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘દેખાવની ચિંતા આપણને જેટલી છે એટલી જ શરીરની અંદરની ચિંતા પણ કરવી રહી. જોકે એ પણ હકીકત છે કે બન્ને પ્રકારની ચરબી જો વધુ હોય તો એ તમને નુકસાન પહોંચાડશે જ. એ માટેના ઉપાય મૂળભૂત છે. હેલ્ધી ખોરાક, નિયમિત એક્સરસાઇઝ, રાતની પૂરતી ઊંઘ અને સ્ટ્રેસ-ફ્રી જીવન અત્યંત જરૂરી છે. યોગ્ય શારીરિક અને માનસિક હેલ્થ માટે આ મૂળભૂત વસ્તુઓ છે. જ્યારે એક્સરસાઇઝ શરૂ કરીએ ત્યારે પહેલાં શરીરમાંથી સબક્યુટેનિયસ ફૅટ જાય છે. એટલે કે તમે સુડોળ દેખાવા લાગો છો. જોકે અહીં અટકવાનું નથી, કારણ કે સુડોળ બન્યા પછી પણ વ્યક્તિએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જેનાથી ધીમે-ધીમે વિસરલ ફૅટ પણ ઓછી થાય. દેખાવ સુધરી જવાથી સંપૂર્ણ હેલ્થ મળી નથી જતી એ પણ સમજવું.’

health tips life and style columnists