તમારી ડાયટ તમારી પરંપરાઓ અને આદતોને ધ્યાનમાં રાખીને નક્કી કરો

27 September, 2024 10:35 PM IST  |  Mumbai | Yogita Goradia

ઘીની ધાર થાય કે સૂકો રોટલો ખવાય બન્ને પરિસ્થિતિમાં લોકો એક સુખદ અને સ્વસ્થ જીવન જીવતા, પરંતુ હવે આપણે ખોરાક વિશે વધુ જાણીએ છીએ. માહિતીનો ભંડાર છે આપણી પાસે કે શેમાંથી શું મળે, છતાંય ખાવાની સમજણ ભુલાતી અને ભૂંસાતી જાય છે. 

યોગિતા ગોરડિયા

આપણે અન્ન શરીરના પોષણ માટે ગ્રહણ કરીએ છીએ. ખોરાકમાં શું ખાવું એ એક સમયે પારંપરિક હતું. રાજ્ય પ્રમાણે, જાતિ પ્રમાણે અને ઘર પ્રમાણે એમાં બદલાવ આવતા. કોઈ રાજ્યમાં ઘઉંની રોટલી ખવાય તો ક્યાંક ચોખાની, કોઈ જાતિમાં સાવ સાદું, ઓછા મસાલાવાળું ભોજન કરાય તો કોઈમાં એકદમ તીખું તમતમતું મસાલેદાર, કોઈ ઘરમાં ગરમ રોટલી જ બને તો કોઈ ઘરમાં સવારના નાસ્તામાં ટાઢી રોટલી જ ખવાતી હોય. આ બધું જ હેલ્ધી હતું. ઘીની ધાર થાય કે સૂકો રોટલો ખવાય બન્ને પરિસ્થિતિમાં લોકો એક સુખદ અને સ્વસ્થ જીવન જીવતા, પરંતુ હવે આપણે ખોરાક વિશે વધુ જાણીએ છીએ. માહિતીનો ભંડાર છે આપણી પાસે કે શેમાંથી શું મળે, છતાંય ખાવાની સમજણ ભુલાતી અને ભૂંસાતી જાય છે. 

તમને ક્યો ખોરાક માફક આવશે એનો આધાર તમારા જીન્સ અને તમારી પરવરિશ બન્ને પર નિર્ભર કરે છે. લોકો માને છે કે ભાત ખાવાથી વજન વધે છે, પણ એવું નથી; જેમ કે દ​િક્ષણ ભારતના લોકો જેમનો મુખ્ય ખોરાક ચોખા છે તેમનું વજન કે શુગર ભાત ખાવાથી વધતાં નથી. ઊલટું ઉત્તર ભારતના લોકો જેમને ભાત વધુ ખાવાની આદત જ નથી તેઓ જો ખોરાકમાં ભાત વધુ ખાય તો તેમનું વજન વધી શકે છે અથવા તો તેમને એ માફક ન પણ આવે એવું બને. સામાન્ય કરતાં વધુ તીખાશ પેટની લાઇનિંગને અસર કરે છે, પરંતુ જે ઘરોમાં નાનપણથી તીખો ખોરાક બનતો આવ્યો છે એ બાળકોનું પેટ એ રીતે કેળવાયેલું હોય છે એટલે તેમને તીખું ખાવાથી કોઈ તકલીફ થતી નથી. આજની તારીખે આપણાં દાદા-દાદીઓ શીરો ખાય તો તેમને ફક્ત મજા આવે છે, બ્લોટિંગ કે અપચો થતો નથી, પરંતુ એ જ ઘરના યુવાનોને આ તકલીફ થતી હોય છે. અમુક પ્રકારના ગટ-બૅક્ટેરિયા વારસાગત મળતા હોય છે. જેને કારણે આપણે એ ખોરાક ખાઈએ જે આપણા ઘરમાં આપણી મમ્મીઓ કે દાદીઓ ખાતી તો એ સુપાચ્ય બને છે. આ સિવાય જે ખોરાક નાનપણથી તમને ખવડાવવામાં આવ્યો છે એ ખોરાક પણ તમને માફક આવશે જ. જેમ કે દૂધ અને કેળાં એ વિરુદ્ધ આહાર છે, પરંતુ જો તમે નાનપણથી ખાધાં હોય તો તમને એ નુકસાન કરતાં નથી. જેનો અર્થ એ નથી કે નવો ખોરાક ખાવો જ નહીં, પરંતુ એનું પ્રમાણ ઓછું રાખવું, ધીમે-ધીમે પેટને બીજા ખોરાક માટે કેળવી શકાય છે. જ્યારે પણ તમે તમારી ડાયટ નક્કી કરો ત્યારે તમારી પરંપરાઓ અને આદતોને ધ્યાનમાં રાખીને ડાયટ પસંદ કરશો તો ઘણાં સારાં રિઝલ્ટ મળશે. એટલે જ જ્યારે કોઈ વ્યક્તિ ડાયટિશ્યન પાસે જાય છે ત્યારે બધાને સરખી ડાયટ આપવામાં આવતી નથી, કારણ કે ખોરાકમાં વિવિધતા અનિવાર્ય છે. 

health tips street food Gujarati food mumbai food indian food life and style