18 July, 2023 09:43 PM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા છ મહિનાથી અમારા ઘરમાં બહુ વિચિત્ર બીમારી શરૂ થઈ છે. વીકમાં એકાદ વાર અચાનક જ ઘરના કોઈ મેમ્બરને ચક્કર આવવા લાગે છે. એક દિવસ આવું રહે અને બીજા દિવસે સારું થઈ જાય. ડૉક્ટર પાસે બીપી મપાવીએ કે બ્લડ-રિપોર્ટ કરાવીએ ત્યારે એમાં બધું જ નૉર્મલ હોય. આ પ્રૉબ્લેમ મારાં સાસુ-સસરા, મને, મારા હસબન્ડને અને મારા ૧૮ વર્ષના દીકરાને પણ થાય છે. મારા સસરાને તો અમે ન્યુરોલૉજિસ્ટ પાસે પણ લઈ ગયા હતા. તેમણે બધી તપાસ કરીને કહેલું કે તેઓ એકદમ ફિટ છે. એમ છતાં તેમને દસ-પંદર દિવસે એકાદ વાર ચક્કર આવે જ છે. તેઓ ૭૦ વર્ષે પણ ઍક્ટિવ છે અને ફૅક્ટરીએ જાય છે. બીપી, કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ જેવું પણ કંઈ નથી. ખાવા-પીવાની વાત કરું તો અમારા ઘરમાં સાદું જમવાનું બને છે. દાળ-ભાત, શાક અને રોટલી. વીકમાં બે વાર એટલે કે બુધવારે અને રવિવારે સાંજે સૅન્ડવિચ, પાણીપુરી, પીત્ઝા જેવું જન્ક-ફૂડ બને, પણ એય ઘરે બનાવેલું જ હોય. બે-ત્રણ મહિને એકાદ વાર અમે બહાર રેસ્ટોરાંમાં જમવા જઈએ. મારાં સાસુ અને હસબન્ડને બીપી અને ડાયાબિટીઝ છે. દીકરો કૉલેજમાં ભણે છે અને હેલ્ધી છે. ખાવા-પીવામાં અને આદતોમાં બીજી કોઈ તકલીફ ન હોવા છતાં પરિવારમાંથી કોઈને પણ વીકમાં એકાદ વાર ચક્કર આવવાની તકલીફ રહે જ છે. પરિવારમાં બધાને એક જ સમસ્યા વારંવાર નડે છે. એની પાછળ કારણ શું હશે? ફ્રેન્ડ્સને વાત કરતાં ખબર પડી કે આજકાલ ઘણા લોકોને ચક્કર આવવાનાં ખાસ કારણો હોય છે.
તમારો સવાલ અતિશય જનરલાઇઝ્ડ છે. ચક્કર આવવા પાછળ દરેક વ્યક્તિનાં અને દરેક સમયનાં જુદાં કારણો હોય છે. કોઈને જિનેટિકલ કારણોસર આવું થતું હોય તો એ પણ હમણાં છેલ્લા છ મહિનાથી જ કેમ શરૂ થયું? તમે જે વર્ણન કર્યું છે એના પરથી નિદાન કરવું મુશ્કેલ છે.
હા, એક સૂચન કરી શકું. શું તમારા પરિવારમાં કોઈ સ્ટ્રેસફુલ કન્ડિશન કે કોઈને ગુમાવ્યા પછીનો ટ્રૉમા ફીલ કરતું હોય એવી હિસ્ટરી છે? જ્યારે કોઈ પરિવારજનને ચક્કર આવે ત્યારે જ તમે તેને ડૉક્ટર પાસે લઈ જાઓ. માત્ર શારીરિક કારણો જ નહીં, માનસિક અને ઇમોશનલ કારણો જો કોઈ હોય તો એ પણ તપાસો. ઘણી વાર સાઇકોસૉમેટિક સમસ્યાને કારણે આવું થતું હોઈ શકે છે.