ડોપમાઇનનો ઉપવાસ કરો, ખુશીઓં કો થોડા બ્રેક લગાઓ

22 May, 2024 09:52 AM IST  |  Mumbai | Laxmi Vanita

આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે આ ટ્રેન્ડ. એમાં આપણને ખુશ રાખતા ડોપમાઇન નામના હૉર્મોનનો અતિરેક થતો રોકવાની જરૂરિયાત સમજાવાઈ છે.

પ્રતીકાત્મક તસવીર

તન-મનથી સ્વસ્થ રહેવા માટે ખુશ રહેવું બહુ જ જરૂરી છે, એનાથી મગજમાં ડોપમાઇન હૉર્મોન ઝરે છે. પણ જો આ જ ખુશી તમને ચોક્કસ પ્રકારની ઍક્ટિવિટી થકી જ મળતી હોય તો એ રેડ સિગ્નલ છે. એમાં પાછું જો એ જ ઍક્ટિવિટી તમે વારંવાર કરવા પર મજબૂર થઈ જાઓ અને એ પ્રવૃત્તિ ન કરવા મળે તો બહાવરા થઈ જાઓ તો એવી ખુશી જીવનમાં ટેમ્પરરી પૉઝિટિવિટી લાવે, પણ લાંબા ગાળે તમને એ ખુશ કરતી પ્રવૃત્તિના ગુલામ બનાવી દે. આવું ન થાય એ માટે ગમતી પ્રવૃત્તિઓમાં પણ એક બ્રેક લેવાની જરૂર છે. એને સોશ્યલ મીડિયામાં નામ અપાયું છે ડોપમાઇન ફાસ્ટિંગ. આજના વર્લ્ડમાં ડોપમાઇન સૌથી વધુ ડિજિટલ માધ્યમથી રિલીઝ થઈ રહ્યું છે એટલે તમારામાં કેટલાંક લક્ષણો તપાસી લો, ક્યાંક તમને તો ખુશીઓનો ઉપવાસ કરવાની જરૂર નથીને?

શું મોબાઇલ સાથે જ સવાર અને સાંજ પડે છે?

મોબાઇલમાં બઝનો અવાજ આવે તો અને ન આવે તો પણ ચિંતિંત થાઓ છો?

ન્યુઝ કે રીલ સ્ક્રૉલ કરતાં-કરતાં એનો ‘ધી એન્ડ’ આવી ગયો તેમ છતાં આંગળી સ્ક્રૉલ કરી રહી છે?

વારંવાર શુગર ખાવાનું મન થાય છે કે જન્ક ફૂડ ખાવાનું મન થાય છે?

‘કૅન્ડી ક્રશ’ એટલી હદે રમો છો કે હવે તો પૈસા આપીને પણ લેવલ પાર કરી રહ્યા છો?

જો આ બધા સવાલોમાંથી કોઈ પણ સવાલનો જવાબ ‘હા’ છે તો તમારે ‘ડોપમાઇન ફાસ્ટ’ સમજવાની જરૂર છે. ચિંતા કરવાની જરૂર નથી, પણ ચેતવાની જરૂર તો છે જ. સોશ્યલ મીડિયા પર અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડ ‘ડોપમાઇન ફાસ્ટ’ ટ્રેન્ડમાં લોકો વાસ્તવમાં ડિજિટલ ડીટૉક્સ કરી રહ્યા છે એટલે કે ટેક્નૉલૉજીથી ટૂંકો બ્રેક લઈને પોતાના અનુભવો શૅર કરી રહ્યા છે. શું ડોપમાઇન ફાસ્ટ કે ડીટૉક્સ માત્ર ડિજિટલ વર્લ્ડ સુધી જ મર્યાદિત છે કે એને બહોળા પાયે સમજવાની જરૂર છે એ જાણીએ સાઇકિયાટ્રિસ્ટ પાસેથી.

ડોપમાઇન શું છે?

સાઉથ મુંબઈના ઑપેરા હાઉસ એરિયામાં પ્રૅક્ટિસ કરતા કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ, REBT (રૅશનલ ઇમોટિવ બિહેવિયર થેરપી) થેરપિસ્ટ, સાઇકોસેક્સ્યુઅલ ડિસઑર્ડર અને ડીઍડિક્શન સ્પેશ્યલિસ્ટ ડૉ. દર્પણ વાય. શાહ કહે છે, ‘ડોપમાઇન કુદરતી રીતે મગજમાં ઝરતું ન્યુરોટ્રાન્સમીટર છે. લોકોની સામાન્ય માન્યતા એવી હોય કે અમુક પ્રવૃત્તિઓ કરવાથી જ ડોપમાઇનનો સ્રાવ થાય અને આપણે ખુશ થઈએ તો એ ખોટું છે. ડોપમાઇન તો નિયમિત મગજમાં ઝરે છે જેનાં ઘણાંબધાં કાર્યો હોય છે. એમાં મોટિવેશન, નવીનતાની શોધ (નૉવેલ્ટી સીકિંગ), ક્રીએટિવિટી, ધ્યાન આપવું (અટેન્શન), શરીરની હિલચાલનું સંકલન (બૉડી-મૂવમેન્ટનું કો-ઑર્ડિનેશન), ઊંઘના વિવિધ તબક્કામાંના એક રૅપિડ આઇ મૂવમેન્ટ (REM)ની ગુણવત્તા સુધારવી વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં કાર્યોમાં ડોપમાઇનનું સૌથી મોટું કાર્ય છે ‘રિવૉર્ડ મેકૅનિઝમ’. અર્થાત્ સારું ફીલ કરાવતી પ્રવૃત્તિને વારંવાર કરવાનું મન થાય. ‘રિવૉર્ડ મેકૅનિઝમ’ની પ્રક્રિયાથી ડોપમાઇનની અતિશયોક્તિ થાય છે અને એને ઓછું કરવા માટે ‘ડોપમાઇન ફાસ્ટ’ કે ‘ડીટૉક્સ’ કરવામાં આવે છે.’

શું કામ મહત્ત્વનું?

‘પૉઝિટિવ’ એટલે સકારાત્મકતા અને સારી લાગણી. ‘રીઇન્ફોર્સમેન્ટ’ એટલે તમે કોઈ એક વસ્તુ કરી અને સારી લાગણી કે અનુભવ થયો તો એ ફરી વાર કરો એમ જણાવીને ડૉ. દર્પણ કહે છે, ‘હવે આ બન્ને શબ્દોને સાથે સમજીએ તો વ્યાખ્યા એવી થઈ કે જે વસ્તુ કરવાથી સારી લાગણી થઈ એ વારંવાર કરવી. રિવૉર્ડ મેકૅનિઝમ પૉઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ તરીકે કાર્ય કરે છે. એ સારાં કાર્યો કે નુકસાનકર્તા કાર્યોનો ભેદ નથી પારખતું. એમાં બધું જ જેમ કે ડ્રગ્સ, ગૅમ્બલિંગ, વિડિયો ગેમ્સ, પૉર્ન, સોશ્યલ મીડિયા વગેરે આવી જાય. જેનાથી તમને મજા આવી એ કામ કરવાની ફ્રીક્વન્સી વધતી જાય છે. ઉપરાંત એ ખુશીની લાગણી મગજને બહારથી તત્ત્વો આપવાથી વધી રહી છે એટલે પૉઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ કહેવાય. સાદાં ઉદાહરણો દ્વારા સમજીએ; જેમ કે ચૉક્લેટ કે શુગર ખાધી, સોશ્યલ મીડિયા સ્ક્રૉલ કર્યું એના કારણે તમને ગમ્યું તો એ પ્રવૃત્તિઓ વારંવાર થશે. આવી જ રીતે ડોપમાઇનની પ્રવૃત્તિઓ મગજના અમુક ચોક્કસ વિસ્તારમાં કે સર્કિટમાં વધતી જાય છે. એના લીધે તમારી બિહેવિયરલ, સોશ્યલ અને પ્રોફેશનલ લાઇફ પર અસર પડે છે. એમાં આડઅસરરૂપે વજન વધવું, સંબંધો પર અસર થવી, આર્થિક સંકડામણમાં આવી જવું જેવા તબક્કામાં સુધી વ્યક્તિ પહોંચી જાય છે. અંતે વ્યક્તિ વ્યસની બને છે.’

કરવાનું શું તો?

કુદરતી ટેક્નિક દ્વારા ડોપમાઇન વધારતી પ્રવૃત્તિઓ ઓછી કરવાની રીતને ‘ડોપમાઇન ફાસ્ટિંગ’ કે ‘ડોપમાઇન ડીટૉક્સ’ કહેવાય છે. એ વિશે સમજાવતાં ડૉ. દર્પણ કહે છે, ‘જ્યારે આલ્કોહૉલ, ગેમિંગ, સ્મોકિંગ કે કોઈ પણ પ્રકારનું વ્યસન થાય એને આપણે દવા દ્વારા અટકાવી શકીએ છીએ. એની સાથે-સાથે અમુક ‘ઍન્ટિ-ક્રેવિંગ ટેક્નિક’ પણ કરવાની હોય છે. દવા અને આ ટેક્નિકના સપોર્ટથી જ મગજમાં વ્યસની પ્રવૃત્તિઓ દબાવવાની કોશિશ થતી હોય છે. ડોપમાઇન ફાસ્ટિંગમાં ડોપમાઇન ઝરતું બંધ થઈ જાય કે એમાં અલ્પવિરામ આવે એવું નથી હોતું. પરંતુ મગજના ચોક્કસ ભાગમાં એની અતિશયોક્તિને કાબૂમાં લાવવાની કોશિશ થાય છે. એમાં જે-તે પ્રવૃત્તિનું વળગણ હોય એ છોડીને સારી આદતો વિકસાવવી અને કુદરતી વસ્તુઓ સાથે જોડાવું એટલે ડોપમાઇન ફાસ્ટિંગ ઝડપથી થઈ શકે. એમાં સૂર્યપ્રકાશનો આનંદ લેવો, પાર્કમાં રનિંગ કે જૉગિંગ કરવું, એક્સરસાઇઝ કરવી, મેડિટેશન અને યોગ કરવા, પુસ્તકો વાંચવાં, ગુણવત્તાસભર ઊંઘ, સમતોલ આહાર લેવા જેવી પ્રવૃત્તિઓ ‘ડોપમાઇન ફાસ્ટ’ને સફળ બનાવે છે.’

ફાયદા શું થાય છે?

કુદરતી રીતે ડોપમાઇનની પ્રવૃત્તિ વધારવી પણ ડોપમાઇન ફાસ્ટિંગનો એક ભાગ છે. એના માટે જૉગિંગ, રનિંગ, બુક વાંચવી કે સારું ભોજન કરવું એવું નથી હોતું; એ તો દરેક વ્યક્તિએ સામાન્ય રીતે કરવું જ જોઈએ. જ્યારે રિવૉર્ડ મેકૅનિઝમની અતિશયોક્તિ થઈ જાય તો એ વ્યસન થાય, પણ એ પહેલાં એની સાઇન તમને મળી જતી હોય છે. જેમ કે તમારી દિનચર્યા ખોરવાતી હોય, ઊંઘમાં ખલેલ પડતી હોય, કામમાં પ્રોડક્ટિવિટી પર અસર થતી હોય તો વ્યક્તિને ખબર તો પડી જ જતી હોય છે કે કંઈક ગરબડ છે. ડૉ. દર્પણ શાહ કહે છે, ‘જ્યારે ડોપમાઇનનાં કાર્યો એના મૂળ રૂપમાં પુનઃસંગ્રહિત (રીસ્ટોર) થાય ત્યારે વ્યક્તિની સેહત સુધરી જતી હોય છે. તે વધારે આનંદિત અને પ્રફુલ્લિત રહેતી થઈ જાય છે. તેની કાર્યક્ષમતામાં બદલાવ આવી જાય છે. ટૂંકમાં એટલું જ કે કુદરતી રીતે ઝરતો ડોપમાઇન કુદરતી પ્રવૃત્તિઓથી ઝરે તો વ્યક્તિત્વ ખીલે છે.’

શું ‘ડોપમાઇન ફાસ્ટ’ જૂની સારવારનું માત્ર નવું નામ છે?

ડોપમાઇન ફાસ્ટિંગ એક પ્રકારનું ડિજિટલ ડીટૉક્સ છે જેમાં તમારે હંગામી (ટેમ્પરરી) ધોરણે કોઈ પણ ઍડિક્ટિવ વસ્તુ કે ટેક્નૉલૉજી જેમ કે સોશ્યલ મીડિયા, ડિજિટલ પ્લૅટફૉર્મ પર સતત મ્યુઝિક સાંભળવું, ઇન્ટરનેટ ગેમિંગ, સોશ્યલ મીડિયા પર ઇન્ટરૅક્શન કે કંઈ પણ જન્ક ખાવાની પ્રવૃત્તિથી દૂર જવું. કૅલિફૉર્નિયાના મનોચિકિત્સક ડૉ. કૅમેરોન સેપાહ દ્વારા રચવામાં આવેલી આ એક પદ્ધતિ છે જે સમજાવે છે કે કેવી રીતે વ્યસનો પ્રબળ બને છે અને કેવી રીતે પોતાને ઍડિક્ટિવ ટેક્નૉલૉજીથી દૂર કરીને પોતાના પર નિયંત્રણ (સેલ્ફ-કન્ટ્રોલ) પાછું લાવવું. ડૉ. કૅમેરોન પોતે માને છે કે આ તરત જ લોકોના મનમાં ઘર કરી જાય એવો શબ્દ છે અને ફાસ્ટ સાથે એને કંઈ લેવાદેવા નથી. આપણી સાદી ભાષામાં મોબાઇલ-કમ્પ્યુટર છોડીને મગજને ટેક્નૉલૉજી અને ઘોંઘાટની દુનિયાથી અલ્પવિરામ આપવો, જેથી આપણામાં નવું ચેતના બળ આવે. જોકે ‘ડોપમાઇન ફાસ્ટ’ શબ્દ પર અમેરિકાના જ ઘણા મનોચિકિત્સકો સહમતી અને અસહમતી ધરાવતાં મંતવ્યો રાખે છે.  

social media social networking site health tips life and style columnists