બહારની પાણીપૂરી આમ પણ જોખમી હોય છે અને ચોમાસામાં તો અતિ જોખમી

15 July, 2024 01:15 PM IST  |  Mumbai | Laxmi Vanita

પાણીજન્ય રોગો ચોમાસામાં વધી જતા હોય ત્યારે પાણીપૂરીને ન ખાવાનાં કારણો તો જાણી જ લો, સાથે ફ્લેવરયુક્ત પાણીપૂરીનો રાફડો ફાટ્યો છે ત્યારે એની પાછળ રહેલી ખતરાની ઘંટડી પર પણ એક નજર કરી લો

પ્રતીકાત્મક તસવીર

હાલમાં કર્ણાટકમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ આૅથોરિટી આૅફ ઇન્ડિયા દ્વારા એકઠાં કરવામાં આવેલાં સૅમ્પલમાં બાવીસ ટકા પાણીપૂરીનાં સૅમ્પલમાં એવાં તત્ત્વો હતાં જે ખાદ્ય પદાર્થ તરીકે શરીરમાં જાય તો નુકસાન થાય. પાણીજન્ય રોગો ચોમાસામાં વધી જતા હોય ત્યારે પાણીપૂરીને ન ખાવાનાં કારણો તો જાણી જ લો, સાથે ફ્લેવરયુક્ત પાણીપૂરીનો રાફડો ફાટ્યો છે ત્યારે એની પાછળ રહેલી ખતરાની ઘંટડી પર પણ એક નજર કરી લો...

ચોમાસામાં ફૂડ-પૉઇઝનિંગ, ડાયેરિયા અને કૉલેરા થવા પાછળનું એક કારણ ૨-૩ દિવસ પહેલાં ખાધેલી પાણીપૂરી પણ હોઈ શકે! ગયા અઠવાડિયે કર્ણાટકમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ સ્ટ્રીટ-ફૂડનાં ૨૬૦ સૅમ્પલ જપ્ત કર્યાં હતાં જેમાંથી ૪૧ ટકા ફૂડ-પ્રોડક્ટ્સમાં આર્ટિફિશ્યલ કલર જે કૅન્સરજનક દ્રવ્યો ધરાવે છે એનું પ્રમાણ હતું. બધાનું ધ્યાન ખેંચે એવી વાત એ છે કે એમાં બાવીસ ટકા પાણીપૂરીનાં સૅમ્પલમાં એવાં ઍડિટિવ્સ મળ્યાં જે ફૂડ-સેફ્ટીના સ્ટાન્ડર્ડને મળતાં નહોતાં. પાણીપૂરી સિવાય મન્ચુરિયન, મોમોઝ વગેરે સ્ટ્રીટ-ફૂડમાં પણ ચોંકાવનારાં કેમિકલ્સ મળ્યાં છે. જો આ વાતથી વધારે આંચકો ન લાગે તો એ જાણી લો કે ૨૦૨૨માં તેલંગણમાં હેલ્થ-વિભાગના અધિકારીઓએ ટાઇફૉઇડના વધી રહેલા કેસ માટે પાણીપૂરીને જવાબદાર ઠરાવી હતી. સડક પર વહેંચાતી એવી ઘણીબધી વાનગીઓ છે જે હેલ્થને નુકસાન કરે છે. આજ સુધીમાં ભારતભરમાં લારીની અનહાઇજીનિક પાણીપૂરીએ હજારો લોકોને ડાયેરિયા કે ફૂડ-પૉઇઝનિંગ આપ્યું છે, અમુક કેસમાં જીવ પણ લીધા છે. મુંબઈની જ વાત કરીએ તો કેટલાક અખબારી અહેવાલ મુજબ દર વર્ષે ચોમાસામાં પાણીપૂરીને કારણે લગભગ ૨૦૦થી ૩૦૦ ફૂડ-પૉઇઝનિંગના કેસ નોંધાતા જ હોય છે. ચોમાસામાં પાણીપૂરીએ ૨૦૧૬માં ૩, ૨૦૧૭માં પાંચ, ૨૦૧૮માં ૭, ૨૦૧૯માં ૧૨ વ્યક્તિનો ભોગ લીધો હતો.

પાચનતંત્રને સાચવો

બોરીવલી અને કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા ગૅસ્ટ્રોએન્ટરોલૉજી એટલે કે સાદી ભાષામાં પેટ, આંતરડાં અને અન્નનળીના ડૉક્ટર રોનક અજમેરા કહે છે, ‘મને ખ્યાલ છે કે ઘણા એવા લોકો આપણે ત્યાં છે જેમને માટે પાણીપૂરી વગર જીવવું અશક્ય છે, પરંતુ ચોમાસામાં ઠેર-ઠેર ગંદા પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં હોય છે. આ ઋતુમાં વૉટર-કન્ટૅમિનેશનને કારણે પાણી અને અમુક પ્રકારની વાનગીથી થતા રોગોની શક્યતા વધારે હોય છે. ચોમાસામાં એવી વાનગીઓ જેમાં પાણીનો ઉપયોગ થાય છે તેમ જ ઠંડી હોય એ વાનગીઓથી દૂર રહેવું. પાણીપૂરી એ બન્ને પાસાંઓનું મિશ્રણ છે - પાણી ધરાવે છે અને ઠંડી પણ હોય છે. જો કન્ટૅમિનેટેડ પાણીવાળી વાનગી ખવાઈ જાય તો વ્યક્તિને સામાન્યથી લઈને ગંભીર બીમારી થઈ શકે છે. ચોમાસામાં ડાયેરિયા, કૉલેરા અને ફૂડ-પૉઇઝનિંગનું પ્રમાણ વધી જાય છે. ગંભીર રોગની વાત કરીએ તો હેપેટાઇટિસ-એ, હેપેટાઇટિસ-બી, ટાઇફૉઇડ અને લિવર કે આંતરડાનું ઇન્ફેક્શન, વૉમિટિંગ થઈ શકે. જો પાણીપૂરીમાં ફૂડ-ઍડિટિવ્સની વાત કરીએ તો ફૂડ-ડાયમાં એવા પ્રકારનાં રસાયણો છે જે આંતરડાંને અસર કરે છે અને ઍલર્જી પણ થઈ શકે છે. હવે જો આવાં ઍડિટિવ્સ ધરાવતા ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી ખવાય તો વ્યક્તિ કૅન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. લોકોને સલાહ આપીએ તો પણ તેઓ ખાવાનું બંધ નથી કરવાના એટલે આપણે તેમને સાવચેતી રાખવાનું જરૂર કહી શકીએ. પાણીપૂરી જેવી વાનગી જે મોટા ભાગના લોકો ખાવાના જ છે તો

તેમણે પોતાનાં સેફ્ટી-મેઝર્સ લેવાં પડે અને ચોખ્ખી જગ્યાને પ્રાથમિકતા આપવી પડે. બીજું, એક સલાહ આપવા જેવી વાત એ  છે કે યુટ્યુબ પર ફૂડ અને એની સેફ્ટીના વિડિયો જોઈને લોકો પોતે જ ડૉક્ટર અને ડાયેટિશ્યન બનીને અમુક વસ્તુઓ ખાવાનું એકદમ બંધ કરી દે છે તો તેમની હાલત પણ ખરાબ થાય એટલે શું ખાવું અને શું ન ખાવું એની એક મર્યાદા અને સમતુલા જળવાવી જોઈએ.’

બહારની પાણીપૂરી આમ પણ જોખમી છે જ ત્યારે ચોમાસામાં તો એના જોખમની સંભાવના વધુ ઉપર જઈ શકે છે. આ એક એવી આઇટમ છે કે જો એક જ સ્ટ્રીટમાં ૧૦ લારી છે તો દસેદસે પર સાંજના સમયે ભીડ હશે અને એમાંય મહિલાઓની સંખ્યા વધારે હશે. પાણીપૂરીને લંચ અને ડિનરની અવેજી બનાવવા માટે એમાં પાંચ નહીં, દસ પ્રકારનાં ફ્લેવર્ડ પાણી દુકાનો બનાવી રહી છે.

પાણીપૂરીને સ્વાદિષ્ટ બનાવવા વપરાય છે ખતરનાક કેમિકલ્સ
ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ખાદ્ય પદાર્થોમાં અમુક રસાયણનો ઉપયોગ કૅન્સર પેદા કરી શકે છે, જેમાં ટાર્ટાઝિન અને સનસેટ યલો એટલે કે સિન્થેટિક ફૂડ ડાય (જેવી રીતે કપડાંનો કલર હોય એવો જ ફૂડનો પણ કલર હોય) ખાદ્ય પદાર્થોને આકર્ષક બનાવવા માટે વપરાય છે. ખાદ્ય પદાર્થોમાં કૃત્રિમ રંગને વાપરવાનાં અમુક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યાં છે જેની માહિતી લારી પર પાણીપૂરી વેચનાર ફેરિયાઓને નથી હોતી. ફૂડ-ડાયની જેમ જ પોટૅશિયમ બ્રોમેટ જે લોટ બાંધતી વખતે વાપરવામાં આવે છે અને જેનાથી પૂરી સારી ફૂલે, મોનોસોડિયમ ગ્લુટામેટ જે ખોરાકનો સ્વાદ વધારે, સોડિયમ બેન્ઝોએટ જે લાંબા સમય સુધી ખોરાકને બગડતો અટકાવે છે એટલે આ બધાં રસાયણો ખાદ્ય પદાર્થમાં વપરાય છે. આ બધાં તત્ત્વો હાઇપર ઍક્ટિવિટી, અસ્થમા, કૅન્સર તેમ જ જુદા-જુદા રોગો સાથે સંકળાયેલાં છે. પાણીપૂરી ખાવાનું મન થાય ત્યારે આ બધી વાત ખાસ મનમાં રાખવી.

કોણ જોવા ગયું ચોખ્ખાઈ?

ક્રિટી કૅર હૉસ્પિટલ-જુહુમાં ૨૭ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં ક્લિનિકલ ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ચોમાસામાં હું માત્ર લારી પર જ નહીં, દરેક જગ્યાએ પાણીપૂરી ખાવાની ના પાડું છું. એમાં કોઈ ન્યુટ્રિશનલ વૅલ્યુ નથી હોતી. લોકો ભલે બોલે કે અમે ચોખ્ખું પાણી વાપરીએ છીએ, પણ એના પર વિશ્વાસ ન કરી શકાય. આજે જે ફ્લેવર્ડ પાણી આવે છે એ નૅચરલી નથી બનતાં, એમાં ફ્લેવર્સ નાખેલી જ હોય છે. આ વાનગીના મસાલા કે પાણીમાં સ્વાદ વધારવા શું નાખ્યું છે એનો આપણને ખ્યાલ નથી. પ્લસ પાણીની ગુણવત્તા શું છે? શું પાણીને ઉકાળીને ઠંડું કર્યું છે કે મિનરલ વૉટર વાપર્યું છે? પાણી કેટલો વખત સુધી ત્યાંનું ત્યાં પડ્યું હતું? મસાલો પણ કેટલા સમય પહેલાં તૈયાર કરીને મૂકી રાખ્યો છે? એટલે આ બધા સવાલના જવાબ વિચારી લેવા. આ વાતાવરણમાં બૅક્ટેરિયા કે વાઇરસને વધવા માટે સારી ગંદકી મળી રહે છે. ચાલો, તમને પાણીપૂરી આપતી વખતે ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ પહેરે છે, પણ જ્યારે પાણી કે મસાલો બનાવે ત્યારે ગ્લવ્ઝનો ઉપયોગ નથી થતો. હવે વિચાર કરો કે શું તેઓેએ હાથ ધોયા છે કે તેમની ચોખ્ખાઈ કેટલી છે? ઉનાળામાં સખત ગરમીને કારણે મસાલામાં કે પાણીમાં વાસ આવવા માંડે, પરંતુ ચોમાસામાં તમને નરી આંખે દેખાય નહીં એવાં કીટકો એમાં પોતાનું વર્ચસ્વ જમાવતાં હોય છે. તદુપરાંત ચોમાસામાં તળેલી વાનગી પાચનતંત્ર પચાવી પણ નથી શકતું અને એમાંય વાસી હોય તો પેટને બહુ તકલીફ પડી જાય છે. આ ઋતુમાં લારી પર ખાવા જાઓ ત્યારે એની પાસે કેટલા મચ્છરો ઊડતા હોય છે. પાણીપૂરી ખાતી વખતે એમાંનું એક મચ્છર કરડી ગયું તો ડેન્ગી થઈ જાય. બાકી પેટને લગતા જે રોગો છે એ બધા થવાની શક્યતા ખરી. જો લોકોને બહુ પાણીપૂરી ખાવાનું મન થાય તો ઘરે જ ચટણી અને પાણી બનાવી લો. ચોમાસામાં તમારા પેટની સેહત માટે ઘર સિવાય કોઈ જ આહાર ઉત્તમ નથી.’

street food health tips life and style columnists