10 July, 2023 02:48 PM IST | Mumbai | Yogita Goradia
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
હું ૪૨ વર્ષનો છું. મારા પિતાનું મૃત્યુ ૫૦ વર્ષની નાની ઉંમરે હાર્ટ-અટૅકથી થયું હતું. હું એકદમ મારા પિતાની કાર્બન કૉપી છું. તેમના જેવો જ દેખાઉં છું અને સ્વભાવ પણ તેમના જેવો. એટલે મને ભય છે કે મને પણ હાર્ટ ડિસીઝ આવે એ પહેલાં મારે લાઇફ-સ્ટાઇલ બદલાવી છે. હું નાનો હતો ત્યારથી ઘરમાં ઘી અને તળેલું સારી માત્રામાં ખવાતું. છેલ્લાં બે વર્ષથી મેં સાવ બાફેલો ખોરાક ખાવાનું શરૂ કરી દીધું છે. ઘી અને તેલને તો હું અડતો પણ નથી. શરૂઆતમાં તો સારું રહ્યું, પરંતુ ધીમે-ધીમે સ્કિન અને વાળ સાવ ખરાબ થઈ ગયાં છે. એટલું જ નહીં, હાલમાં મેં કૉલેસ્ટરોલ ચેક કરાવ્યું તો એમાં પણ એચડીએલ સાવ ઘટી ગયું છે. શું ઘી-તેલ સાવ બંધ કરી દેવાં એ મારી ભૂલ છે?
દરેક અતિ નુકસાનકારક જ હોય છે. અતિ માત્રામાં ખાવું જેમ નુકસાન કરે છે એમ સાવ છોડી દેવું પણ અતિ નુકસાનકારક જ છે. ઘી અને તેલ બન્નેની આપણને જરૂર છે અને એ હાર્ટના દરદી હોય તો તેમણે પણ લેવું જ જોઈએ અને તમને તો હાર્ટની કોઈ તકલીફ છે નહીં. ફક્ત હાર્ટ-અટૅકથી બચવા સાવ ઘી-તેલ વગર બાફેલું ખાધા કરવું પોષણની દૃષ્ટિએ ખોટું છે. ઘીમાં રહેલી સેચ્યુરેટેડ ફૅટ્સ અને ફાયટો કેમિકલ્સ કૉલેસ્ટરોલને ઓગાળવામાં મદદરૂપ થાય છે. ઘીથી હાર્ટની ધમનીઓમાં ચીકાશ રહે છે જેનાથી એ બરડ થતી નથી, ફ્લેક્સિબલ રહે છે.
ડાયટમાં ફૅટ્સ તરીકે જે પણ ખાઓ એમાં સેચ્યુરેટેડ ફૅટ્સ, પૉલિઅનસેચ્યુરેટેડ ફૅટ્સ અને મોનોઅનસેચ્યુરેટેડ ફૅટ્સનું મિશ્રણ હોવું જરૂરી છે. સેચ્યુરેટેડ ફૅટ્સમાં ઘી આવે છે, જ્યારે ફૅટ્સના બાકીના બે પ્રકારમાં અલગ-અલગ પ્રકારનાં તેલ આવે છે. આ સિવાય બીજ જેમ કે સોયાબીન, મગફળી, તલ વગેરે અને ડ્રાયફ્રૂટ્સ પણ ફૅટ્સનો જ એક પ્રકાર છે. ફૅટ્સ આપણને જમવાનો સંતોષ આપે છે અને ખોરાકના પાચનમાં સમય લગાડે છે જેથી વ્યક્તિને જલદી ભૂખ લાગતી નથી. તમે વિચાર્યા વગર આવાં પગલાં ન લો. તમારી સ્કિન અને વાળ ખરાબ થવાનું કારણ જ એ છે કે તમે એમને જે પોષણ જરૂરી છે એ આપી નથી રહ્યા. બધું જ ખાઓ, પણ માત્રામાં ખાઓ, વજન કાબૂમાં રાખો, પોષણ પૂરું મળે એનું ધ્યાન રાખો. ફિટનેસ પર ફોકસ કરો. અટૅકની ચિંતામાં મેન્ટલ અને ફિઝિકલ બન્ને હેલ્થ જોડે ખીલવાડ ન કરો. અધૂરી સમજ વ્યક્તિને વધુ નુકસાન કરે છે. જરૂર પડે તો પ્રોફેશનલ હેલ્પ લો. ડાયટ સુધારો અને કોઈ પણ વસ્તુને અતિ કરવાનું ટાળો.