14 December, 2022 05:23 PM IST | Mumbai | Dr. Shirish Hastak
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારા ૭૩ વર્ષના પિતાની ગતિ ધીમી પડતી જાય છે. સતત થાકેલા જ રહે છે. આજકાલ મૂડી પણ બનતા જાય છે. શું આ નૉર્મલ એજિંગ છે કે પાર્કિન્સન્સની નિશાની એ સમજી નથી શકતો. તેમને કોઈ ધ્રુજારી આવી નથી. મારા પિતાના મોટા ભાઈ યુએસમાં હતા એ આ રોગથી જ ગુજરી ગયા. ઘણી વાર લાગે છે કે મારા મનનો ડર છે કે ખરેખર તેમને તકલીફ છે એ સમજાતું નથી. આ રોગનાં બીજાં કયાં લક્ષણ હોઈ શકે? શું ડૉક્ટર પાસે જવું જોઈએ?
પાર્કિન્સન્સને મોટા ભાગે મૂવમેન્ટ ડિસઑર્ડર તરીકે જ ઓળખવામાં આવે છે, પરંતુ ધીમા પડી જવું, ધ્રુજારી આવવી કે સ્ટિફનેસ સિવાય પણ અમુક પ્રકારના હેલ્થ પ્રૉબ્લેમ્સ પાર્કિન્સન્સના દરદીઓને થાય છે અને મોટા ભાગે આ પ્રૉબ્લેમ્સ એ ઘણા વહેલા શરૂ થઈ જાય છે એટલે કે ધ્રુજારી, સ્ટિફનેસ જેવાં દેખીતાં અને જાણીતાં ચિહ્નો પહેલાં જ આ ચિહ્નો ડેવલપ થવા માંડે છે. જો એ ઓળખાઈ જાય તો આપણે પાર્કિન્સન્સને પ્રી-સ્ટેજમાં જ જાણી શકીએ છીએ. એનાં લક્ષણોમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાઇટી કે ચીડિયો સ્વભાવ જેવા મૂડ ડિસઑર્ડર હોય. માનસિક બદલાવ, જેમ કે અટેન્શન કે ફોકસ જતું રહે, પ્લાનિંગ કરવામાં પ્રૉબ્લેમ આવે, વિચારોની ગતિ ધીમી થાય, ભાષા અને મેમરીમાં પ્રૉબ્લેમ થાય, ભ્રમ જન્મ્યા કરે, પર્સનાલિટી બદલાય. ઊંઘમાં તકલીફ થાય. અપૂરતી ઊંઘ, દિવસે વધુ સમયની ઊંઘ, વિચિત્ર સપનાંઓ, ઊંઘમાં વાતો કરવી કે ચાલવા લાગવું, રેસ્ટલેસ લેગ સિન્ડ્રૉમ,પિરિયોડિક લેગ મૂવમેન્ટ ડિસઑર્ડર જેવી તકલીફો સર્જાઈ શકે છે.
કબજિયાત અને ખૂબ થોડું ખાઓ ત્યાં જ પેટ ભરાઈ જાય એ અવસ્થા આવી જાય. દુખાવો - ખાસ કરીને પીઠ, કમર, હાથ અને પગમાં એકદમ વધી જતો અને અચાનક જ જતો રહેતો દુખાવો થાય. સતત લાગતો થાક અને આંખને લગતા પ્રૉબ્લેમ્સ આવે. હાથ અને પગના તલિયે થોડુંક કામ કે સાવ કામ કર્યા વગર પણ વળતો પરસેવો. સ્કિન એકદમ સૂકી કે એકદમ ઑઇલી થઈ જવી. યુરિન પર કંટ્રોલ ઓછો થવો કે જતો રહેવો. એકદમ જ યુરિન માટે ભાગવું પડે, રાત્રે વારંવાર જવું પડે વગેરે પ્રૉબ્લેમ્સ કે પછી ગંધ પારખવાની સેન્સ જતી રહેવી, જેને લીધે ખોરાક પ્રત્યે અરુચિ અને એને કારણે વજન ઊતરી જવું.
આ પણ વાંચો : મોટી ઉંમરે ફ્લુ પણ થાય તો ડૉક્ટરને બતાવવું જરૂરી?
જો તમારા પિતાને આ બધાંમાંથી ૩-૪ પ્રકારનાં ચિહ્નો હોય તો એક વખત ન્યુરોલૉજિસ્ટની મુલાકાત ચોક્કસ લેવી, જેનાથી પ્રી-સ્ટેજમાં રોગનું ચોક્કસ નિદાન થઈ શકે અને આ રોગના પ્રોગ્રેસને ધીમું પાડી શકાય.