માઇગ્રેન વંશાનુગત આવી શકે?

20 January, 2023 05:58 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

નાની ઉંમરમાં ભણવાનો, બીજી પ્રવૃત્તિઓ કરવાનો, પોતાની ઉંમરનાં બાળકો કરતાં આગળ રહેવાનો, કૉમ્પિટિશનમાં જીતવાનો કે એમાં ટકી રહેવાનો સ્ટ્રેસ આજકાલનાં બાળકોને હોય છે અને એ તેમની હેલ્થ પર અસર કરે જ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારા પિતાજીને માઇગ્રેન હતું અને મને પણ છે, પરંતુ આ રોગ અમને મોટા થઈને આવ્યો. મારો દીકરો અવારનવાર માથું દુખવાની ફરિયાદ કરે છે. પહેલાં તો અમે એને ગંભીરતાથી નહોતો લીધો, પરંતુ ગયા અઠવાડિયે તે દીવાલમાં માથું પછાડતો હતો અને કહેતો હતો કે તેનું માથું ખૂબ દુખે છે. ડૉક્ટરની સલાહ મુજબ મેં એને દવા આપી ત્યારે તે ઠીક થયો, પણ મને નવાઈ એ વાતની લાગે છે કે આટલા નાના બાળકને માઇગ્રેન કેવી રીતે આવ્યું? એની પાછળ શું કારણ છે? 

એવું નથી હોતું કે માથાનો દુખાવો ફક્ત વયસ્ક લોકોને જ થાય, બાળકોને પણ માઇગ્રેન હોઈ શકે છે. નાની ઉંમરમાં ભણવાનો, બીજી પ્રવૃત્તિઓ કરવાનો, પોતાની ઉંમરનાં બાળકો કરતાં આગળ રહેવાનો, કૉમ્પિટિશનમાં જીતવાનો કે એમાં ટકી રહેવાનો સ્ટ્રેસ આજકાલનાં બાળકોને હોય છે અને એ તેમની હેલ્થ પર અસર કરે જ છે. આ ઉપરાંત વધુ પડતું ગૅજેટ્સનું એક્સપોઝર પણ બાળકને માઇગ્રેન સુધી લઈ જાય છે. બાળકને પૂરતી ઊંઘ મળતી નથી, આંખો પર વધારે બર્ડન આવે એટલે કે આંખો ખેંચાય કે પછી સ્ટ્રેસ ખૂબ વધી જાય છે, જેને કારણે માઇગ્રેનની શક્યતાઓ ખૂબ વધી જાય છે. જોકે નાની ઉંમરમાં માઇગ્રેન થવા પાછળનાં કારણોમાં મુખ્ય કારણ જિનેટિક જ છે. ઘરમાં કોઈને પણ માઇગ્રેનનો પ્રૉબ્લેમ હોય તો બાળકને આ પ્રૉબ્લેમ થઈ શકે છે માટે બાળકના જન્મથી જ મા-બાપે સાવચેતી રાખવી જરૂરી છે. આ રોગ વંશાનુગત છે. 

ખાસ કરીને કોઈ સ્મેલથી કે તીવ્ર પ્રકાશથી કે અવાજ તરફ તમારું બાળક કઈ રીતે રીઍક્ટ કરે છે? તેને કોઈ ખાસ તકલીફ થઈ રહી છે કે નહીં એ ઑબ્ઝર્વ કરો. જો તેને આવી કોઈ તકલીફ થતી હોય તો તેને એનાથી દૂર રાખો. માઇગ્રેનમાં બાળકને મગજના પાછળના ભાગમાં દુખાવો થતો હોય છે અથવા તો માથાની કોઈ પણ એક બાજુ સખત દુખાવો થતો હોય છે. બાળકને કયા દુખે છે એ ખાસ પૂછો. બાળકને પૂરતી ઊંઘ મળી રહે, તેના પર જેટલું બને એટલું સ્ટ્રેસ ન આવે અને ગૅજેટ્સનો ઉપયોગ ખૂબ ઓછો કરે એની તકેદારી રાખો. આ બધું ધ્યાન રાખવા છતાં જો એનું માઇગ્રેન તીવ્ર બને તો તેને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી જરૂરી બનશે.

columnists health tips