પીણાંને બદલે પાણી પીવું પૂરતું નથી?

18 April, 2023 04:56 PM IST  |  Mumbai | Yogita Goradia

સતત પાણી કે પેય પદાર્થ પીતા રહેવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૪ વર્ષ છે. હું નોકરી કરું છું. આજકાલ ગરમી ખૂબ વધી ગઈ હોવાથી લોકલમાં ટ્રાવેલ કરવામાં બધા જ ગરમીમાં હેરાન થાય છે. હું પહેલેથી મારા પાણીના ઇન-ટેઇકનું ધ્યાન રાખું જ છું. જોકે એસી ઑફિસમાં બેસીએ ત્યારે ૮ કલાક પાણી થોડું પીવાનું ભુલાઈ જાય છે. . કાલે બપોરે તો આંખે અંધારા જેવું થઈ ગયું હતું. ડૉક્ટરl ઇલેક્ટ્રાલ કે લીંબુ શરબત લેવાનું જણાવ્યું. ગ્લુકોઝ પણ રેગ્યુલર લેવાનું કહ્યું. ગરમીમાં હાઇડ્રેશનનું મહત્ત્વ ઘણું વધારે છે, પણ શું ગરમીમાં પાણી પૂરતું નથી હોતું? હું ઠંડા શરબત નથી પીતી, કારણ કે હું હેલ્થ-કૉન્શિયસ છું અને વધુ પડતું મીઠું કે ખાંડ ખાવામાં માનતી નથી. શું કરવું? 
 
 ઉનાળામાં પાણીની જરૂરિયાત ખૂબ રહે છે. પરસેવો ખૂબ વળવાને લીધે પાણી શરીરમાંથી ખૂટી પડે તો શરીરને અને સંપૂર્ણ હેલ્થને ઘણું નુકસાન થાય. ઉનાળામાં જ્યારે પણ તાપમાં નીકળો, ચાલો, જૉગિંગ કરો, કઈ ભારે સામાન ઉપાડીને જતા હો ત્યારે બીજું કઈ ધ્યાન રાખો કે નહીં, પરંતુ હાઇડ્રેશનનું ધ્યાન ચોક્કસ રાખવું જરૂરી છે. સતત પાણી કે પેય પદાર્થ પીતા રહેવું જરૂરી છે. ઘરની બહાર નીકળો એટલે પાણીની બૉટલ સાથે જ રાખવી અને સતત પાણી પીતા રહેવું, જેથી એકદમ પાણી ઘટી ન જાય. આદર્શ રીતે ૧૦-૧૨ ગ્લાસ તો પાણી ઉનાળામાં પીવું જ જોઈએ. એસીમાં તરસ ન લાગે એ સ્વાભાવિક છે, પણ બહારની ગરમીને પહોંચી વળવા અને હેલ્થી રહેવા માટે સતત પાણી પીવું જરૂરી છે. એવું હોય તો દર એક કે બે કલાકે અલાર્મ રાખીને પણ થોડું-થોડું પાણી પીતા રહો. 

હવે તમારો પ્રશ્ન એ છે કે ફક્ત પાણીથી ચાલે ખરું? ઉનાળામાં પાણી તો જરૂરી છે જ, એની સાથે જરૂરી છે ઇલેક્ટ્રૉલાઇટ્સ. સોડિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ આ બધાં તત્ત્વોની શરીરમાં ખૂબ જરૂર હોય છે અને જેને ખૂબ પરસેવો થતો હોય એના શરીરમાં એની કમી સર્જાઈ જાય છે. માટે જરૂરી છે કે ફક્ત પાણી જ નહીં, નારિયેળ પાણી અને લીંબુ પાણી પીવું જોઈએ. એવું નથી કે ઇલેક્ટ્રૉલાઇટ્સ ફક્ત પાણીથી જ મળે, કેળા, ખજૂર, નારિયેળ, અવોકાડો, પાલક, બિન્સ, કિસમિસ અને કાળી દ્રાક્ષ, બટેટા, કંદ, તાડગોળા, લીચી વગેરેમાંથી પણ ઇલેક્ટ્રૉલાઇટ્સ મળે છે. ઉનાળામાં આ પ્રકારનો ખોરાક પણ લેતા રહેવો જેથી ઇલેક્ટ્રૉલાઇટ્સની ઊણપ ન થાય. 

columnists health tips life and style