08 May, 2023 04:57 PM IST | Mumbai | Dr. Bipeenchandra Bhamre
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૪૮ વર્ષનો છું. મારા પિતાને હાર્ટ ડિસીઝ હતો. કાર્ડિયોમાયોપથીને કારણે અચાનક જ તેમનું મૃત્યુ થયું હતું. અમે તેમનું નિદાન પણ અમે કરાવી શક્યા નહોતા. છેલ્લા એકાદ અઠવાડિયાથી મારો પણ શ્વાસ ફૂલી રહ્યો છે. શું મારા પિતાને કારણે વંશાનુગત મને પણ આ તકલીફ આવી શકે છે? તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે તેમનું નિદાન થયું હોત તો સારું હતું. નિદાન માટે મારે કયાં ટેસ્ટ કરાવવા જોઈએ?
કાર્ડિયોમાયોપથી વંશાનુગત છે. તમારા પિતાને હતો એટલે આ રોગ તમને પણ થઈ શકે છે. મોટા ભાગે આ રોગ જીન્સ પર નિર્ધારિત છે. ઘણા કેસમાં એ જન્મ સાથે, ઘણા કેસમાં એ ૨૦ વર્ષે તો કેટલાક કેસમાં એ ૪૦-૫૦ વર્ષની ઉંમરે બહાર આવે છે. તમારી પણ ઉંમર એ જ છે માટે આ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. મૂળ તો આ રોગની ગંભીરતા સમજવી જરૂરી છે. હૃદય સ્નાયુનું બનેલું છે. વળી એમાં ચાર જુદી-જુદી ચેમ્બર બનેલી હોય છે, જેમાં વારાફરતી લોહીની નળીઓ દ્વારા અશુદ્ધ લોહી પસાર થાય છે અને હૃદય એને શુદ્ધ કરી લોહીની નળીઓ દ્વારા જ સમગ્ર શરીરને પહોંચાડવાનું કામ કરે છે. આ લોહી નળીઓમાં વહી શકે એ માટે હૃદય સતત ધબકતું રહે છે. કોઈ પણ કારણસર જ્યારે હૃદયના સ્નાયુઓને અસર થાય ત્યારે સીધી અસર આ ધબકારા પર પડે છે, જે એકદમ ઘટી જાય કે વધી જાય તો વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય છે. આ બીમારી એટલે જ કાર્ડિયોમાયોપથી.
તમે કહો છો કે તમને શ્વાસ ફૂલી રહ્યો છે આ એક મહત્ત્વનું લક્ષણ હોઈ શકે છે. ફક્ત વધુ કામ કરો ત્યારે જ નહીં, આરામમાં પણ જ્યારે શ્વાસ ખૂટતો લાગે, હાંફ ચડે, પગના પંજા કે ઘૂંટી પર સોજો આવી જાય, પેટ ફૂલેલું લાગે, કફ, ઊલટી, ચક્કર આવવા, માથું ખાલી લાગવું, બેભાન થઈ જવું, છાતીમાં દુખાવો વગેરે ચિહ્નો પણ ચકાસો. જો તમને આ પ્રકારનાં લક્ષણો હોય તો ડૉક્ટર પાસે પહોંચી જાઓ. મહત્ત્વની વાત એ છે કે આ કન્ડિશનમાં ધબકારા ઉપર-નીચે થયા કરે છે. એકદમ વધી જાય તો એકદમ ઘટી પણ જઈ શકે છે. ડૉક્ટર તમારું ક્લિનિકલ ચેક-અપ કરશે અને તેમને જરૂર લાગી તો ECG કે 2D ઇકો ટેસ્ટ કરશે, જેના દ્વારા પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.