18 November, 2024 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ મોટા ભાગના લોકોને વાળ સંબંધિત કૉમન સમસ્યાઓ તો હોય જ છે. વાળને હેલ્ધી અને સુંદર રાખવા માટે આપણે ઘણા ઘરગથ્થુ નુસખાઓ તો અજમાવતા હોય છે એમાંય વળી વિવિધ પ્રકારનાં શૅમ્પૂ, કન્ડિશનર અને ઑઇલના પણ અખતરાઓ થતા હોય છે. શૅમ્પૂ-કન્ડિશનિંગ-ઑઇલિંગ એ આપણા રૂટીન હેરકૅરનો હિસ્સો છે અને બધા જ આ રૂટીનને ફૉલો કરે છે. તેમ છતાં વાળ ખરવાની તથા ફ્રીઝી અને ગ્રીસી હેરની સમસ્યાઓ તો રહેતી જ હોય છે. જો તમને પણ આ સમસ્યા છે અને એનાથી છુટકારો મેળવવા માગતા હો તો રિવર્સ કન્ડિશનિંગની ટેક્નિક ગેમ ચેન્જર સાબિત થઈ શકશે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પર હેરકૅર માટે રિવર્સ કન્ડિશનિંગનો કન્સેપ્ટ ટ્રેન્ડ કરી રહ્યો છે ત્યારે વાળના સ્વાસ્થ્યને સારું રાખવા માટે એ કઈ રીતે ફાયદાકારક છે અને એ કેવી રીતે કામ કરે છે એ વિશે વધુ જાણીએ.
શું છે રિવર્સ કન્ડિશનિંગ?
જેવું નામ છે એવું જ એનું કામ છે એમ કહેવું ખોટું નથી. સામાન્યપણે આપણે હેરવૉશ કર્યા બાદ વાળમાં કન્ડિશનર અપ્લાય કરીએ છીએ, પણ રિવર્સ કન્ડિશનિંગમાં પહેલાં કન્ડિશનર વાળ અને સ્કૅલ્પ પર લગાવવામાં આવે છે. કોરા વાળ અથવા થોડા ભીના વાળ કર્યા બાદ પણ કન્ડિશનર અપ્લાય કરી શકાય. એને પાંચ મિનિટ રહેવા દો અને ત્યાર બાદ હેરવૉશ કરી નાખો. આ સરળ ટેક્નિકથી ડૅમેજ થતા વાળને બચાવી શકાય છે. જેના વાળ વધુ ઑઇલી હોય તેઓ રિવર્સ કન્ડિશનિંગ બાદ ફરીથી કન્ડિશનર લગાવી શકે છે. પહેલાં કન્ડિશનર લગાવવાનો મુખ્ય ફાયદો એ છે કે એ ડૅમેજ વાળને પોષણ આપે છે. ઑઇલી સ્કૅલ્પ અને ડ્રાય હેરની સમસ્યા હોય તેમના માટે આ યુનિક ટેક્નિક કારગર સાબિત થાય છે.
શું છે ફાયદા?
સૌથી પહેલાં કન્ડિશનર લગાવવાથી એમાં રહેલાં તત્ત્વો વાળ અને સ્કૅલ્પના મૂળમાં ડૅમેજ થયેલા વાળને રિપેર કરવાનું કામ કરે છે અને વાળમાં રહેલી ગંદકીને દૂર કરે છે. આ ઉપરાંત પહેલાં કન્ડિશનર અપ્લાય કરવાથી એક્સ્ટ્રા પ્રોડક્ટ બિલ્ડઅપ થતા પણ અટકાવે છે. વાળમાં જમા થયેલો કચરો હેરવોશ કર્યા બાદ નીકળી જાય છે વાળ ફ્રેશ લાગે છે. આ રીતે હેરવૉશ કરવામાં આવે તો ડ્રાય હેરની સમસ્યાથી છુટકારો મળી શકે છે અને વાળ વધુ સિલ્કી, સ્મૂધ અને શાઇની બનશે. અઠવાડિયામાં એક અથવા બે વાર આ ટેક્નિકથી હેરવૉશ કરવામાં આવે તો બે મહિનામાં રિઝલ્ટ દેખાશે. દર બીજા દિવસે જો આ રીતે પ્રયોગ કરવામાં આવે તો વાળ સંબંધિત અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.
જે લોકોના વધુ ફ્રીઝી હેર હોય એવા લોકો આ ટેક્નિક બાદ ફરી એક વાર કન્ડિશનિંગ કરી શકે છે. એ ડૅમેજ વાળ રિપેર થવાની સાથે હેરગ્રોથને પ્રમોટ કરે છે અને વૉલ્યુમ વધારવાનું કામ પણ કરે છે. આ સાથે સ્કૅલ્પમાંથી પ્રોડ્યુસ થતું ઍક્સેસ ઑઇલ ઓછું કરે છે. તેથી ગ્રીસી અને ફ્રીઝી હેરની સમસ્યાથી પણ છુટકારો મળશે. આ ટેક્નિક વાળને ફ્રેશ અને મૉઇશ્ચરાઇઝ્ડ રાખશે અને વાળના ટેક્સ્ચરને પણ સુધારશે.