29 October, 2024 08:41 AM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક તસવીર
ડાયાબિટીઝ છે તો અમે તહેવાર કઈ રીતે ઊજવીએ? તહેવાર હોય અને દરેક વ્યક્તિ મીઠાઈ ખાતી હોય તો સહજ છે કે મન થવાનું જ છે. આ રોગ એવો છે જેમાં વ્યક્તિએ મન પર સંપૂર્ણ કન્ટ્રોલ રાખવો જરૂરી છે. મજા અને મીઠાઈનો સંબંધ આ રોગમાં ભૂલવો જરૂરી છે. આજકાલ લોકો કહે છે કે ડાયાબિટીઝ છે તો આ પરિસ્થિતિમાં ઘણા લોકો નૅચરલ શુગર સબસ્ટિટ્યુટ વાપરવાનું કહે છે. ઘણા લોકો ખજૂર કે અંજીરની મીઠાઈ બનાવે છે જેમાં ઉપરથી શુગર નાખવાની જરૂર જ પડતી નથી, કારણ કે એ નૅચરલી ગળ્યું છે. જોકે એનો અર્થ એ નથી કે ડાયાબિટીઝના દરદીઓ એને ઇચ્છે એટલી ખાઈ શકે. કારણ કે ભલે એ નૅચરલ છે, પરંતુ એમાં શુગર તો છે જ. જો તમે એ પણ વધુ પડતી ખાશો તો તમારું શુગર-લેવલ ઉપર-નીચે થવાનું જ છે. એટલું જ નહીં, એમાં ડ્રાયફ્રૂટ્સ પણ અધિક માત્રામાં હોય છે. ડાયાબિટીઝમાં બે જ ડ્રાયફ્રૂટ ખાઈ શકાય અને એ છે બદામ અને અખરોટ. એ બે સિવાય કોઈ નટ્સ કે ફ્રૂટ્સ ખવાતાં નથી. વળી, બદામ અને અખરોટનો પણ અતિરેક ન જ કરવો જોઈએ, કારણ કે એમાં કૅલરી ઘણી વધારે હોય છે.
શુગર-ફ્રી મીઠાઈ સાથે એક માનસિકતા જોડાયેલી છે કે એ હેલ્ધી છે એટલે ખાઓ જેટલું મન કરે. પરંતુ એવું છે નહીં. મીઠાઈને મીઠાઈની જેમ જ ખાવી જોઈએ, જમણની જેમ નહીં. બીજું એ કે શુગર-ફ્રી મીઠાઈ પણ ઘરે બનાવો તો બેસ્ટ ગણાશે. કારણ કે એમાં તમે ફૅટ કે ઘીનું પ્રમાણ જાળવી શકશો. બહાર એ પ્રમાણ જળવાતું હોય કે નહીં એ કહી ન શકાય. જો વધુ ફૅટવાળી મીઠાઈ ખાશો તો ભલે એમાં શુગર નથી, પરંતુ જે ફૅટ છે એ પણ તમને હાનિ તો પહોંચાડશે જ. મીઠાઈ ક્યારેય જમવા સાથે ન ખાઓ. સવારે ૧૧ વાગ્યે કે સાંજે પાંચ વાગ્યે ખાઓ. એ સમયે એટલા માટે કે એ સમયે જો મીઠાઈ ખાઓ તો એની સાથે બીજું કાંઈ જ ખાવાની જરૂર ન રહે. ઘણાને લાગે કે મીઠાઈ અને ફરસાણ બન્ને ખાવું છે સાથે તો એ અતિ થઈ જશે. સવારે ૧૧ વાગ્યે મીઠાઈ ખાઓ અને સાંજે પાંચ વાગ્યે ફરસાણ તો એ વધુ યોગ્ય છે. મીઠાઈ ખાઓ નહીં પરંતુ ચાખો. ઘણાને આદત હોય છે એકસાથે ૪-૫ રસગુલ્લા ખાય નહીં ત્યાં સુધી મન ભરાય નહીં. કોઈ પણ મીઠાઈનો એક પીસ ઘણો થઈ ગયો કહેવાય. માનસિક રીતે તમને મીઠાઈ ખાવી જરૂરી છે, શારીરિક રીતે નહીં. માટે મનને થોડામાં ઝાઝો સંતોષ અપાવડાવો.