આ છે આયુર્વેદની નવદુર્ગા

28 March, 2023 05:13 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

નવરાત્રિ દરમ્યાન નવ દેવીઓ શક્તિનું પૂજનીય સ્વરૂપ છે એમ આયુર્વેદમાં પણ નવ ઔષધિઓને નવ દેવીશક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. આ એવી ઔષધિઓ છે જે શરીર અને મનને સ્વસ્થ રાખવામાં પાયાની ભૂમિકા ભજવે છે. આ કઈ ઔષધિઓ છે એ આયુર્વેદ નિષ્ણાત સંજય છાજેડ પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

૧. શૈલપુત્રી - હરડે 

અનેક પ્રકારના રોગોમાં કામ આવતી હરડે એ હિમાવતી છે જે દેવી શૈલપુત્રીનું જ એક સ્વરૂપ છે. આ આયુર્વેદની મહત્ત્વની વનસ્પતિ છે જે પથયા, હરીતકી, અમૃતા, હેમવતી, કાયસ્ત, ચેતકી અને શ્રેયસી એમ સાત પ્રકારની હોય છે. 

૨. બ્રહ્મચારિણી (બ્રાહ્મી)

આ ઔષધિ જીવન અને યાદશક્તિ વધારીને રક્તવિકારોને દૂર કરનારી છે. એનાથી સ્વર મધુર બને છે. મન શાંત કરીને વિચારોને સાચી દિશા બક્ષનારી હોવાથી એને સરસ્વતીનું સ્વરૂપ કહેવાય છે. એ મન અને મગજને શક્તિ પ્રદાન કરે છે અને ગૅસ તેમ જ મૂત્રસંબંધી રોગોમાં પ્રમુખ દવા તરીકે વપરાય છે. મૂત્ર દ્વારા રક્તવિકારોને દૂર કરી શકે છે. 

૩. ચંદ્રઘટા - ચંદુસૂર 

આ એક એવી વનસ્પતિ છે જે કોથમીર જેવી છે જે સ્થૂળતા દૂર કરવામાં લાભદાયી હોવાથી એને ચર્મહંતી પણ કહે છે. આ વનસ્પતિના પાનનું શાક બનાવી શકાય છે, જે શક્તિ વધારે છે અને હૃદયરોગને ઠીક કરે છે. 

૪. કુષ્માંડા - કદ્દૂ

નવદુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડ છે, જેમાંથી પેઠાં બને છે એ સફેદ કદ્દૂને પણ કુષ્માંડ કહે છે. આ કદ્દૂ ઔષધિ પેટ સાફ કરીને રક્તવિકાર દૂર કરવામાં સહાયક છે. માનસિક રોગોમાં તો અમૃતસમાન છે. કુમ્હડા પણ એને કહેવાય છે જે પુષ્ટિકારક, વીર્યવર્ધક પણ છે. કુમ્હડા રક્તપિત્ત અને ગૅસ દૂર કરે છે. 

૫. સ્કંદમાતા - અળસી 

દેવી સ્કંદમાતા ઔષધિના રૂપમાં અળસી એટલે કે ફ્લૅક્સસીડ છે જે વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષોની નાશક છે. એમાં ફાઇબરની માત્રા વધુ હોવાથી ભોજન પછી એ થોડીક માત્રામાં લેવાથી મળ બંધાઈને આવે છે અને પેટ સાફ થતાં રક્તશુદ્ધિ થાય છે. 

૬. કાત્યાયની - મોઇયા / માચિકા 

આ ઔષધિને આયુર્વેદમાં અંબા, અંબાલિકા કે અંબિકાના નામે પણ ઓળખવામાં આવે છે જે કફ, પિત્ત અને ગળાના રોગોનો નાશ કરે છે. લિવર અને કિડનીના ડિસઑર્ડર્સ, થ્રૉટ ડિસીઝ, નબળાં પેઢાં, હરસ અને કબજિયાતને કારણે થતા પેટના રોગોમાં એ વપરાય છે. હરસમાં લોહી પડતું હોય કે ફીશરમાં આ ઔષધ વપરાય છે. 

૭. કાલરાત્રિ - નાગદૌણ

દુર્ગાનું સાતમું સ્વરૂપ કાલરાત્રિ છે, જેને મહાયોગિની અથવા તો મહાયોગેશ્વરી પણ કહેવાય છે. આવી ઔષધિ છે નાગદૌણ. આ તમામ પ્રકારના રોગોનો નાશ કરી શકે છે.  સમસ્ત વિકારોને દૂર કરીને શરીર-મન પર વિજય અપાવવાવાળી ઔષધિ છે. નાગદૌણ ઔષધિનો છોડ ઘરમાં લગાવવાથી અનેક કષ્ટો દૂર થાય છે કેમ કે વિષરૂપે તમામ વિકારો અને નકારાત્મકતા એનાથી દૂર રહે છે. શરીરના કોઈ પણ ભાગમાંથી વધુ માત્રામાં રક્તસ્રાવ થતો હોય ત્યારે આ હર્બ ઔષધ બની શકે છે. 

૮. મહાગૌરી - તુલસી 

તુલસી સાત પ્રકારની હોય છે. સફેદ તુલસી, શ્યામ તુલસી, મરુતા, દવના, કુઢેરક, અર્જક અને ષટપત્ર. વિષ્ણુપ્રિયા કહેવાતી આ વનસ્પતિ આયુર્વેદમાં અનેક રોગોની મારક છે. ઇમ્યુનિટી વધારવાથી લઈને ચેપોને દૂર રાખવાની ક્ષમતા પણ આ ચમત્કારિક ઔષધિમાં છે. એ રક્તશુદ્ધિ કરીને હૃદયના રોગોનો નાશ કરે છે. આયુર્વેદની દૃષ્ટિએ જ નહીં, હિન્દુ ધર્મના પ્રતીકરૂપે પણ આ વનસ્પતિ ખૂબ મહત્ત્વની છે. 

૯. સિદ્ધિદાત્રી - શતાવરી 

દુર્ગાનું નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રીનું, જેને નારાયણી શતાવરી પણ કહેવાય છે. એ બળ, બુદ્ધિ અને વિવેક માટે ઉપયોગી છે. પ્રસૂતા અને નવજાતના પોષણ માટે એ રામબાણ ઔષધિ છે. ફીમેલ હૉર્મોન્સના સંતુલન માટે તેમ જ ટૉનિક તરીકે એ જાણીતી છે. 

columnists life and style health tips navratri