ડેન્ગીનું નિદાન અઘરું નથી: ખાસ લક્ષણોથી એનું જલદી નિદાન થઈ શકે છે

05 July, 2024 06:50 AM IST  |  Mumbai | Dr. Sushil Shah

૮૦ ટકા કેસમાં એવું બને છે કે આ ઇન્ફેક્શન માઇલ્ડ પ્રકારનું હોય છે અને મોટા ભાગે દરદીને ખબર પણ પડતી નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચોમાસું એની સાથે કેટલાક ટિપિકલ રોગોને તાણી લાવે છે જેમાંનો એક છે ડેન્ગી. આ એક વાઇરલ ઇન્ફેક્શન છે એટલે કે વાઇરસથી જન્મતું ઇન્ફેક્શન. ૮૦ ટકા કેસમાં એવું બને છે કે આ ઇન્ફેક્શન માઇલ્ડ પ્રકારનું હોય છે અને મોટા ભાગે દરદીને ખબર પણ પડતી નથી એટલી જલદી એ જતું રહે છે એટલે કે દરદીને લાગે કે તેને સામાન્ય વાઇરલ જેવું કંઈક થયું છે જેમાં તાવ આવે કે થોડી કળતર થાય અને ૪-૫ દિવસમાં સ્ટ્રૉન્ગ રોગપ્રતિકારક શક્તિને કારણે તે વ્યક્તિ ઠીક થઈ જાય. ૨૦ ટકા કેસમાંથી ૧૦ ટકા કેસ એવા હોય છે જે થોડા સિરિયસ હોય અને ૧૦-૧૫ દિવસના ઇલાજ પછી એ ઠીક થઈ જાય. બાકીના ૫-૧૦ ટકા કેસ એવા હોય છે જે સિરિયસ કહી શકાય. એ કેસ એવા ગંભીર હોય છે કે આ ઇન્ફેક્શનની અસર તેમના પર ઘાતક સાબિત થાય છે. આમ, એવું નથી કે ડેન્ગી થયો હોય તો એ ઘાતક જ હોય. એવું જરાય જરૂરી નથી, પરંતુ એ વાત સાચી છે કે ડેન્ગી એક ગંભીર રોગ સાબિત થઈ શકે છે. જરૂરી એ છે કે એનાં ચિહ્‍‍નોને સમજીને સમયસર એનો ઇલાજ શરૂ થઈ જાય.

વ્યક્તિને મચ્છર કરડે એના પછી ૩-૪ દિવસે, ઘણી વાર ૫-૭ દિવસે તો કોઈ એકાદ કેસમાં એવું પણ બને કે લક્ષણો બહાર આવતાં ૧૦-૧૨ દિવસ પણ થાય. ડેન્ગીનો રોગ વાઇરલ ઇન્ફેક્શન હોવાથી બીજા વાઇરલ ઇન્ફેક્શન જેવાં જ એનાં લક્ષણો હોવાનાં. તાવ, શરદી, ખાંસી, વહેતું નાક જેવાં લક્ષણો તો એના બીજા વાઇરલ ઇન્ફેક્શન જેવાં જ હોય છે, પરંતુ જો બાળકને ડેન્ગી થાય તો તેને ઝાડા, ઊલટી, ડીહાઇડ્રેશન ખાસ જોવા મળે છે. આ સિવાય મોટા લોકોને શરીરમાં કળતર ખૂબ જ થાય છે. જ્યારે ડેન્ગી ભારે હોય ત્યારે લોકોને બોન બ્રેક પેઇન એટલે કે હાડકાં ભાંગે તો કેવો દુખાવો થાય એવું બૉડી-પેઇન થતું હોય છે. આવો દુખાવો બીજા કોઈ વાઇરલ ઇન્ફેક્શનમાં થતો હોતો નથી. આ દુખાવો એ ડેન્ગીનું ટિપિકલ લક્ષણ છે. આ સિવાય ડેન્ગીમાં વ્યક્તિને શરીર પર લાલ ચાઠાં થઈ જાય છે જેને દબાવો તો એ સફેદ દેખાવા લાગે છે. આ રોગનું એ બીજું મહત્ત્વનું લક્ષણ છે. આમ, ડેન્ગીનું નિદાન અઘરું નથી. અમુક ખાસ લક્ષણોથી એને જલદી ઓળખી શકાય છે અને જે ડેન્ગી ઓળખાતો નથી એ એટલો માઇલ્ડ હોય છે કે શરીર જાતે જ એની સાથે લડી લે છે અને એને બીજા કોઈ નિદાન કે ઇલાજની જરૂર જ નથી પડતી. આમ, ડેન્ગીનાં લક્ષણોને જાણો અને આ ચોમાસે સાવધાન રહો. 

health tips dengue life and style columnists