01 January, 2025 02:16 PM IST | Mumbai | Dr. Ravi Kothari
પ્રતીકાત્મક તસવીર
ભલે ગમેએટલું કહીએ કે પહેલું સુખ તે જાતે નર્યા, શરીરને નરવું રાખવા માટેની સારી આદત કેળવવા માટે ન્યુ યરના ધક્કાની જરૂર પડતી જ હોય છે. જોકે કોઈ પણ નવી અને સારી આદત પાડવાની શરૂઆત કરો અને એનો પૂરતો ફાયદો મળે એવું ઇચ્છતા હો તો પહેલાં શરીરને ચોક્કસ રીતે તૈયાર કરવું જરૂરી છે. જો આ તૈયારી કરી હશે તો નાના બદલાવોનો પણ ઊંડો ફાયદો મળશે
હું નમક અને ખાંડ સદંતર બંધ કરી દઉં?
લાંબું ચલાતું નથી, ઘૂંટણમાં દુખે છે, તો દિવસમાં બે વાર થોડું-થોડું વૉકિંગ કરું તો ચાલે?
પોણો કલાક ચાલું તો છું, પણ ફાયદો નથી મળતો; દોડવાનું શરૂ કરું?
કોળિયો કેટલી વાર ચાવવો જોઈએ? ૩૨ વાર તો ચવાતો નથી, ૧૫ વાર ચાલે?
છેલ્લા ૧૦-૧૨ દિવસમાં અનેક પેશન્ટ્સ અને સગાંસંબંધીઓ પૂછી રહ્યાં હતાં કે તમે તો અમારી હેલ્થ વિશે બધું જ જાણો છો તો અમારે કાંઈ બે-ચાર સારી આદતોથી હેલ્ધી જીવનશૈલી શરૂ કરવી? સારું છે, દર વર્ષે ન્યુ યર આવે છે અને આપણને આવા કંઈક પૉઝિટિવ બદલાવ માટે પુશ કરે છે. જોકે દરેક વ્યક્તિની શારીરિક અવસ્થા, સ્વસ્થતા અને સમસ્યાઓ જુદી-જુદી હોય છે. દરેકે તેમની આજની સ્થિતિમાંથી શારીરિક સ્વસ્થતાને ઉપર ઉઠાવવાની હોય એટલે દરેકે શું કરવું એવું સ્ટાન્ડર્ડ બની શકતું નથી. જોકે એક વાત દરેક વ્યક્તિએ કરવી જોઈએ એવું મને લાગે છે અને એ છે તમે જેકંઈ નવા બદલાવો કરવા જઈ રહ્યા છો એનો મૅક્સિમમ લાભ મળે એ માટે તમારા શરીરને તૈયાર કરવું. લાંબા સમયથી ચાલી આવતી ખરાબ આદતોની ઘરેડમાંથી છૂટીને કંઈક નવું કરવા માગો છો ત્યારે શરીરને નવા બદલાવ માટે રિસેપ્ટિવ બનાવવાની તૈયારી કરવી જરૂરી છે. શરીર સ્પન્જ જેવું છે. ઑલરેડી આટલાં વર્ષો આપણે જે ખાધું-પીધું છે એને કારણે સ્પન્જમાં કચરો જમા થયેલો છે. એ કચરો કાઢ્યા વિના આપણે ભલે એના પર ગમેએટલો સારો અને હેલ્ધી ખોરાકનો મારો કરીશું, પણ ખરાબી દૂર નથી થવાની. સ્પન્જને નિચોવશો તો જ નવું અને સારું પાણી એમાં ઍબ્સૉર્બ થઈ શકશે.
ડિટૉક્સિફિકેશન
આટલાં વર્ષોમાં જેકંઈ ભૂલો કરી છે એની અસર શરીરના પ્રત્યેક કોષ પર પડી છે, એ ભૂલોની મેમરી દૂર કરીને દરેક કોષને હેલ્ધી જીવનશૈલી માટે તૈયાર કરવાનું કામ એટલે ડિટૉક્સિફિકેશન. શરીરમાં ભરાઈ રહેલાં ટૉક્સિન્સને દૂર કરવા. ટૉક્સિન્સ શું છે? જે શરીરની કુદરતી ક્રિયાઓ માટે કાં તો જરૂરી નથી કાં તો અવરોધરૂપ છે એવાં કેમિકલ્સ. આ અવરોધરૂપ કેમિકલ્સ જ્યાં સુધી શરીરમાંથી દૂર નથી થતાં ત્યાં સુધી નવી અને હેલ્ધી ચીજો એની બેસ્ટ અસર નથી કરી શકતી. જેમ એક કાગળ પર ઑલરેડી કોઈએ ચિતરામણ કરેલું હોય તો એના પર ફરી ગમેએટલું સારું ડ્રૉઇંગ કરે, એમાં જૂના ચિતરામણની અસર તો રહેવાની જ. આપણા શરીરના જૂના ચિતરામણને ભૂંસવું એટલે ડિટૉક્સિફિકેશન. જો તમે ગાડી, એસી કે કોઈ પણ મશીન સરખું ચાલે એ માટે થોડા સમયે સર્વિસિંગ કરાવો છો એમ બૉડીનું પણ દર ત્રણ-ચાર મહિને સર્વિસિંગ કરાવવું જરૂરી છે.
ડિટૉક્સિફિકેશનમાં શું?
કોષ્ઠની શુદ્ધિ એ સૌથી પહેલી કન્ડિશન છે. આયુર્વેદ મુજબ મોટા ભાગના રોગોનું મૂળ પાચનતંત્રમાં સમાયેલું છે. આઇડિયલી પેટને આરામ આપવો અને લંઘન કરવું એ શરીરમાં રહેલાં કોઈ પણ ટૉક્સિન્સને બહાર કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જોકે અત્યારે ઠંડી છે. ઠંડીમાં લંઘન એટલે કે ઉપવાસ કરવાની જરૂર નથી. શિયાળામાં આમેય પાચકાગ્નિ પ્રબળ હોય છે એટલે આંતરડાંને સાફ કરવાં જરૂરી છે. શરીરમાં વાત, પિત્ત કે કફ શાનો પ્રકોપ છે એના આધારે વમન, વિરેચન કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળે. જો એવું ન કરવું હોય તો નવા વર્ષનું પહેલું એક વીક શરીરશુદ્ધિ માટે આપો.
કઈ રીતે ટૉક્સિન્સ શરીરમાં જમા થાય છે?
ચોતરફ જે રીતે કેમિકલ્સનો રાફડો ફાટ્યો છે એ જોતાં શ્વાસ લેવાથી પણ ફેફસાંમાં ટૉક્સિન્સ જાય છે. મોડી રાતના ઉજાગરા કરવાથી શરીરની શુદ્ધિની ક્રિયા બરાબર નથી થતી જેને કારણે લાંબા ગાળે ઝેરી દ્રવ્યો લિવર, કિડની અને આંતરિક અવયવોમાં જમા થતાં રહે છે. પ્રિઝર્વેટિવ્સવાળું અને પૅકેજ્ડ ફૂડ ખાવાથી ડાયરેક્ટ તમે ઝેર પેટમાં ઓરો છો.
ડૉ. રવિ કોઠારી અનુભવી આયુર્વેદ નિષ્ણાત છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો : feedbackgmd@mid-day.com
આ રીતે કરો ડિટૉક્સિફિકેશન
૧. રાતે સૂતાં પહેલાં એક ચમચી ત્રિફળા કે હરડે પાઉડર લો. સહેજ કોકરવર્ણા ગરમ પાણીની સાથે આ પાઉડર લેશો તો સારો ફાયદો થશે. એનાથી પેટ સાફ થઈ જવું જોઈએ. ધારો કે હરડે લો અને પાણી જેવા જુલાબ થઈને કચરો નીકળી જાય તો બેસ્ટ.
૨. રોજ સવારે ઊઠીને તલના તેલની માલિશ કરો કે કરાવો. મસાજનો સ્ટ્રોક હાથ-પગ અને ખભેથી પેટ તરફ આવે એ રીતે લગાવો. તેલ લગાવીને થોડો સમય વહેલી સવારના કુમળા તડકામાં બેસો.
૩. પહેલા બે દિવસ માત્ર ફળાહાર કરો. સીઝનલ ફળ ખાઓ. દિવસમાં ત્રણ વાર તમને ભાવે એવાં ફળ ખાઓ. સાથે દૂધ-દહીં જેવો વિરુદ્ધ આહાર ભેગો ન કરવો. ફળો એટલે માત્ર ફળો જ.
બે દિવસના ફળાહાર પછી બે દિવસ ફળોની સાથે શાકભાજી લેવાનું શરૂ કરો. લીલી ભાજીની સીઝન છે એટલે એનો સૂપ બનાવીને લઈ શકાય. સૅલડ કાચું ખાવાને બદલે સહેજ તલના તેલમાં વઘારીને કાચુંપાકું સંભારા જેવું બનાવીને લો. મસાલામાં માત્ર નમક, કાળાં મરી, શેકેલું જીરું જ લેવું.
ફળાહાર અને શાકભાજીના ઉમેરા પછી ત્રણ દિવસ રોજ સવારે ફળો અને સંભારો લેવો અને રાતે મગ-ભાત અથવા મગની ફોતરાવાળી દાળ અને ચોખાની ખીચડી લો. એમાં ત્રિકટુ અને ઘી ઉમેરીને લઈ શકો છો.
૪. રોજ રાતે સૂતાં પહેલાં સહેજ ગરમ કરેલા ગાયના ઘીનાં ચારથી પાંચ ટીપાં બન્ને નસકોરાંમાં લગાવીને સૂઈ જવું. શિયાળામાં વારંવાર શરદી-કફ અને સાઇનસની તકલીફ થતી હોય તો ષડબિન્દુ તેલ કે અણુતેલનાં ટીપાં નાકમાં નાખવાં. એનાથી આખો નેઝલ પૅસેજ શુદ્ધ થશે. તેલનો સ્વાદ મોઢામાં આવવા માંડે તોય વાંધો નહીં.
૫. તમે બીજી ફિઝિકલ ઍક્ટિવિટી કરો તો એ બેસ્ટ જ છે, પણ રોજ ૨૦ મિનિટ માટે પ્રાણાયામ કરો એ જરૂરી છે. સવારે ઊઠીને બેઝિક સ્ટ્રેચિંગ કરીને નાડીશુદ્ધિ પ્રાણાયામ કરો. ન આવડે તો ઊંડા શ્વાસ લો અને લાંબા ઉચ્છ્વાસ કાઢો. છેલ્લે પાંચથી દસ મિનિટ માત્ર શ્વાસની ગતિને ઑબ્ઝર્વ કરો.