10 March, 2023 06:03 PM IST | Mumbai | Dr. Pankaj Parekh
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી દીકરી ૧૦ વર્ષની છે. આમ તો જન્મથી જ તેને ફાંદ છે ને પેટ તેનું મોટું જ હતું. અમારા ડૉક્ટરે કહેલું કે તે મોટી થશે તો ઠીક થઈ જશે. કોરોનામાં ગોળમટોળ હલવાઈ જેવી ફાંદ થઈ ગયેલી તેની. એ પછી સ્કૂલ શરૂ થઈ, રમવાનું શરૂ થયું એટલે વજન તો ઊતર્યું. ફાંદ ઓછી તો થઈ, પણ એટલી માત્રામાં નહીં. જેમ તે મોટી થતી જાય છે એમ ગોળ ફાંદ વધુ ને વધુ ખરાબ લાગે છે.
ભારતીય બાળકોમાં આ ફાંદ હોવા પાછળનું કારણ જીનેટિક હોય છે. બીજું એક મહત્ત્વનું કારણ છે કુપોષણ. ક્યારેક ધ્યાનથી જોઈશું તો દેખાશે કે ભીખ માગનારાં બાળકોનાં પેટ હંમેશાં મોટાં હોય છે અને એની પાછળ કુપોષણ જવાબદાર રહે છે. જોકે કુપોષણ ફક્ત ગરીબ બાળકોમાં નહીં, કોઈ પણ ક્લાસના બાળકમાં હોઈ શકે છે. પ્રોટીન-એનર્જી કુપોષણ એ બાળકની ફાંદ પાછળનું મહત્ત્વનું કારણ છે. સાદી રીતે સમજીએ તો જેટલા પ્રમાણમાં ખોરાક લેવામાં આવે છે એમાંથી જેટલી એનર્જી મળે છે એ એનર્જી અને શરીર દ્વારા ખર્ચ કરવામાં આવતી એનર્જી વચ્ચે જયારે ઇમ્બૅલૅન્સ સર્જાય ત્યારે આ પ્રકારનું કુપોષણ આવે છે. એટલે કે કાં તો બાળકને જેટલી જરૂર છે એટલું પોષણ મળતું નથી અથવા તો બાળક પોષણયુક્ત ખોરાક ખાય છે, પરંતુ વાપરતું નથી. આ કુપોષણ જ છે અને એને કારણે બાળકના પેટ પર ચરબી જામે છે. ગુજરાતી ઘરોમાં દૈનિક આહારમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે એટલે બાળકને ફાંદની તકલીફ રહે છે. તમારા બાળકને ફાંદ હોય તો તેને ખાનદાની પરંપરા નહીં, પોષણની કમી છે જે વંશપરંપરાગત હોય છે.
આ પણ વાંચો: વધુ સ્ક્રીન ટાઇમને કારણે થતી ડ્રાય આઇઝનો ઉપાય શું?
આજનાં બાળકો વધુ ને વધુ બેઠાડુ જીવન જીવે છે. આ પ્રકારનું બેઠાડુ જીવન, વધુ પડતો સ્ટ્રેસ, જન્ક ફૂડનો માર, વધુ કૅલરીયુક્ત ખોરાક જેવાં બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓબેસિટીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ખોરાકમાં જેમ પ્રોટીન વધારો છો એમ સાથે-સાથે એની ફિઝિકલ ઍક્ટિવિટી વધારો. દિવસના બે કલાક તેને સ્વિમિંગ, સાઇક્લિંગ, બાસ્કેટબૉલ, બૅડ્મિન્ટન જેવી રમતો રમશે તો આપોઆપ શરીર સ્ટ્રૉન્ગ થશે અને પેટ પાસેની ચરબી જશે. આ ઉંમરમાં વજન વધવું યોગ્ય નથી. એને કારણે બીજી ઘણી તકલીફો શરૂ થઈ જશે. માટે આ બાબતે ગંભીર બનો અને પ્રયાસ શરૂ કરો.