૨૦૨૫માં સફળ થવા માટે અપનાવો માત્ર ૨૫ મૂલ્યો : હેલ્થનાં મૂલ્યો

01 January, 2025 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ, સાંતાક્રુઝનાં યોગગુરુ હંસા યોગેન્દ્ર પાસેથી જાણીએ કે સંપૂર્ણ સ્વાસ્થ્ય પામવા માટે કયા પ્રકારની આદતો કેળવવાની જરૂર છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ દરેક રીતે સફળતાનાં સોપાન સર કરનારું બને એવી ઇચ્છા તો સૌની હશે. જોકે એ ઇચ્છા પૂરી થાય એ માટે જીવનનાં પાંચ મુખ્ય ક્ષેત્રોનાં કયાં પાંચ-પાંચ મૂલ્યો આ વર્ષે આચરણમાં કેળવવાની જરૂર છે એનો રોડ-મૅપ આપે છે જે-તે ક્ષેત્રના નિષ્ણાતો. અંગત સમૃદ્ધિ માટે સ્વાસ્થ્ય, સંબંધો, કરીઅર અને ફાઇનૅન્સના ક્ષેત્રે કેવી આદતો જીવનમાં વણવી અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે નાગરિક તરીકે કયો ધર્મ અપનાવવો એનાં બેઝિક મૂલ્યો જીવનમાં ઉતારી લઈશું તો ચોક્કસ ૨૦૨૫માં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીશું

ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ, સાંતાક્રુઝનાં યોગગુરુ હંસા યોગેન્દ્ર પાસેથી જાણીએ કે સંપૂર્ણ સ્વાસ્થ્ય પામવા માટે કયા પ્રકારની આદતો કેળવવાની જરૂર છે

. સાત્ત્વિક ખોરાક વિશે આજકાલ લોકોને ઘણી જાણકારી છે છતાં તામસિક ખોરાકનું સેવન વધતું જ જાય છે. આમ તો આજની તારીખે શું ખાવું અને શું ન ખાવું એ બધાને જ ખબર છે પરંતુ એના ગણિતમાં ખાસ પડવા જેવું નથી. મહત્ત્વનું એ છે કે તમે ઘરે બનાવો અને ખાઓ. બહારનું ખાવાનું જેટલું ટાળી શકો હેલ્થ એટલી જ વધુ ચમકશે એની ગૅરન્ટી.

. બધાએ એ વાત પર ધ્યાન આપવાનું કહે છે કે તમે આખા દિવસમાં ૧ કલાક એક્સરસાઇઝ કરો. એ એક કલાક તમારા માટે ફાળવો. પણ ના, એટલું પૂરતું નથી. તમે સતત ઍક્ટિવ રહો એ સૌથી વધુ જરૂરી છે. એટલે સતત ચાલતા, ભાગતા, દોડતા રહો. યોગ એક એક્સરસાઇઝ નથી, જીવનશૈલી છે. એક કલાક આસનો કરી લીધાં એટલું પૂરતું નથી. તમારા જીવનમાં તમે યોગને સંપૂર્ણ રીતે ઉતારો એ જરૂરી છે.

. સ્વાસ્થ્ય બાબતે જેના પર આપણે સૌથી ઓછું ધ્યાન આપીએ છીએ એ છે ઊંઘ. રાતની પૂરતી ગાઢ ઊંઘથી વધારે જરૂરી સ્વાસ્થ્ય માટે કંઈ જ નથી. આપણું શરીર એટલું સ્માર્ટ મશીન છે જે ખુદને ઠીક કરી શકવાની તાકાત ધરાવે છે. શરત એક જ છે, તમારે એને રાતની ઊંઘ આપવી પડશે. રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જવું પડશે. લોકોને આજકાલ વહેલું સૂવાનું બહુ અઘરું લાગે છે અને મોડું ઊઠવાનું ચલણ વધતું જ જાય છે. બીમારીઓના વધવા  પાછળ આ પણ એક મહત્ત્વનું કારણ છે, માટે બદલાવ જરૂરી છે.

. કુદરત ક્યારેય એનું અનુશાસન છોડતી નથી. સૂર્ય ના નથી પાડતો કે આજે ઊગવું નથી. હવા એનું વહેવું રોકતી નથી. જો એ પણ એની મરજી મુજબ વર્તે તો બૅલૅન્સ ખોરવાઈ જાય. કુદરતની જેમ તમે પણ જીવનમાં નિયમિતતા અને અનુશાસન લાવો. સમયસર સૂવું, ઊઠવું અને સમયસર ખાવું. દરરોજ કસરત કરવી, દરરોજ અધ્યયન કરવું, દરરોજ પરિવાર સાથે સમય વિતાવવો, દરરોજ થોડો સમય ખુદ માટે કાઢવો. આ બધું દરરોજ કરવાનું છે, મહિને એક વાર નહીં. કામના સમયની જેમ બીજી બાબતોનો સમય પણ નિશ્ચિત હોવો જરૂરી છે.

આજકાલ શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, માનસિક સ્વાસ્થ્ય બાબતે પણ જાગરૂકતા વધતી જાય છે. જાગરૂકતા વધે એ સારું છે, પણ સ્વાસ્થ્ય ઘટે એ બાબતે સાવચેતી જરૂરી છે. આજની વ્યક્તિઓ વધુ ને વધુ એકલી બનતી જાય છે એને કારણે માનસિક સ્વાસ્થ્ય બગડે છે. માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે સ્વાર્થને તિલાંજલિ આપવી જરૂરી છે. લોકો તમારા માટે શું કરે છે એ જોવાનું છોડવું અને આપણે બીજા માટે શું કરી શકીએ છીએ એ વાત પર ધ્યાન આપવું. મારા મને છોડીને જતા રહ્યાના દુઃખમાં ગરકાવ થવાને બદલે આજુબાજુ જે લોકો છે તેમને પોતાના બનાવો. કોઈ પણ જાતની અપેક્ષા વગર જ્યારે તમે લોકોને આપવાનું શરૂ કરશો તો માનસિક સ્વાસ્થ્ય સારું થઈ જશે.           -હંસા યોગેન્દ્ર

health tips life and style santacruz mental health columnists mumbai gujarati mid-day