બરફ ખાવાનું ક્રેવિંગ બહુ થાય છે? તો એ આયર્નની કમી હોઈ શકે છે

27 November, 2024 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બરફ ખાવાના ક્રેવિંગને પૅગોફેજિયા કહેવાય છે

પ્રતીકાત્મક તસવીર

ઘણી વાર એમ જ ફ્રિજમાંથી બરફ કાઢીને ચૂસવાનું કે ચાવવાનું મન થતું હોય છે. ક્યારેક આવું થાય તો વાંધો નથી, પણ જો વારંવાર બરફ ખાવાનું મન થાય તો એ બીજી સમસ્યા તરફનો નિર્દેશ હોઈ શકે છે. બરફમાં કોઈ ન્યુટ્રિશન-વૅલ્યુ નથી કે નથી એમાં કોઈ કૅલરી. મતલબ કે બરફ ખાવાથી શરીરને કોઈ પોષણ મળવાનું નથી. એમ છતાં તમને એ ખાવાનું મન થતું હોય તો એ શરીરમાં કશાકની ઊણપ તરફ નિર્દેશ કરે છે.

બરફ ખાવાના ક્રેવિંગને પૅગોફેજિયા કહેવાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે વારંવાર બરફ ખાવાની ઇચ્છા થતી હોય તો બની શકે કે તમારા શરીરમાં આયર્નની કમી અથવા એનીમિયા છે. શરીર પૂરતા પ્રમાણમાં હીમોગ્લોબિન ન બનાવી શકે ત્યારે આયર્નની અછત સર્જાય છે. હીમોગ્લોબિન એક ટાઇપનું પ્રોટીન છે જે રેડ બ્લડ-સેલ્સમાં હાજર હોય છે. એનું કામ ઑક્સિજનને ફેફસાંમાંથી શરીરના અન્ય અવયવો સુધી પહોંચાડવાનું છે. શરીરમાં આયર્નની કમી હોય તો ડાયટમાં પાલક, બ્રૉકલી, વટાણા, કિસમિસ, અંજીર, ખજૂર, ટોફુ, કોળાનાં બી, સોયાબીન, કાબુલી ચણા વગેરેનો સમાવેશ કરવો જોઈએ.  

એ સિવાય પ્રેગ્નન્સી, પિરિયડ્સ અથવા સ્તનપાન દરમ્યાન પણ મહિલાઓને આઇસ ક્રેવિંગ થઈ શકે છે. જે લોકો કોઈ ઇમોશનલ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા હોય તેમને પણ ઘણી વાર બરફ ખાવાની ઇચ્છા થાય છે. આ ઉપરાંત ડીહાઇડ્રેશનમાં પણ બરફનો ટુકડો મોઢામાં મૂકવાનું મન થાય છે.

ઘણી વાર લોકો આદતવશ પણ બરફ ખાતા હોય છે. જોકે આ આદત સારી નથી, કારણ કે એ તમારા દાંતોને નુકસાન પહોંચાડી શકે છે. દાંત બરફની કઠોરતાને હૅન્ડલ કરવા માટે નથી બન્યા. વારંવાર બરફ ચાવવાથી દાંત પર સ્ટ્રેસ વધે છે, જે એને ડૅમેજ પહોંચાડી શકે છે. બરફ ખાવાની આદત છોડવા માટે ઠંડી કાકડી, ગાજર જેવાં ક્રન્ચી વેજિટેબલ્સ ખાઈ શકો છો અથવા શુગર-ફ્રી ગમ ચાવી શકો છો.

healthy living health tips life and style columnists