16 May, 2024 08:03 AM IST | Mumbai | Dr. Himanshu Mehta
પ્રતીકાત્મક તસવીર
આજે હું જોઉં છું કે બહુ નાની ઉંમરે બાળકોને વિઝનમાં તકલીફ થવા માંડી છે. અલબત્ત, હવે નાની ઉંમરથી આઇ ચેકઅપ બાબતે જાગૃતિ આવી છે એ સારું છે. જોકે એ પછીયે વિઝનની સમસ્યા માટેની માન્યતાઓનો તોટો નથી.
હમણાં આઠેક વર્ષના દીકરાને લઈને એક મમ્મી આવી હતી. દીકરાને સ્ક્વિન્ટ વિઝનની સમસ્યા હતી. મેં જરા હિસ્ટરી પૂછી તો કહે કે આમ તો તેને પ્લે-સ્કૂલમાં બેસાડ્યો ત્યારથી તે વાંચતી વખતે કે બોર્ડમાંથી કૉપી કરતી વખતે આંખો ચોળવાની આદત ધરાવતો હતો, પણ તેમને એવું લાગ્યું હતું કે અઢી વરસે આંચકી આવી હતી એને કારણે આવું થયું હશે. બે-ત્રણ વર્ષના ગાળામાં ત્રણ વાર આંચકી આવી હતી અને એ પછી ખબર પડી કે તેની બેઉ આંખો કીકીના સમાંતર નથી. એક આંખનો ઍન્ગલ વધારે છે અને હજી વધી રહ્યો છે. તેની આયુર્વેદિક દવા ત્રણ વર્ષથી ચાલે છે એને કારણે હવે આંચકી નથી આવતી, પણ એનાથી ત્રાંસી આંખમાં કોઈ ફાયદો નથી થયો. તેની આંખો હવે વધુ ત્રાંસી થઈ રહી છે.
મને સમજાતું નથી કે ત્રાંસી આંખને આંચકી સાથે કેમ કોઈ વ્યક્તિ સાંકળી લેતા હશે? આ જ અજ્ઞાનતામાં તેમણે બાળકના ગોલ્ડન યર્સમાં તેની આંખોની સમસ્યાને સાવ નજરઅંદાજ કરી. આંચકીની દવાથી ત્રાંસી આંખ સારી થઈ જશે એવું માની લેવું એ શું અજ્ઞાનતાની ચરમસીમા નથી?
એ બાળકના કેસ પછી મને બહુ જરૂરી લાગે છે કે સૌએ સમજવું જરૂરી છે કે આંચકી નહીં, પણ પહેલેથી જ બાળકનું નબળું વિઝન આ સમસ્યા માટે જવાબદાર હોય છે. ત્રાંસી આંખ બાબતે તમારું ધ્યાન દોરવામાં આંચકી નિમિત્ત હશે.હવે આ સમસ્યાની સારવાર કરવામાં મોડું ન કરવું એ જ બહેતર છે. એનું કારણ એ છે કે આ તકલીફનો ઇલાજ ૧૦ વર્ષની ઉંમર પહેલાં કરી લેવામાં આવે તો જ એ અસરકારક છે. નહીંતર બાળકને જીવનભર ત્રાંસી આંખે જીવવું પડે એવું બની શકે.
ત્રાંસી આંખની સમસ્યાનું મૂળ કારણ એ હશે કે બાળકને આંખમાં વધુ નંબર હશે. એમાં પણ એક આંખમાં બીજા કરતાં વધુ નંબર હશે. એને કારણે જોતી વખતે તેની એક આંખના સ્નાયુઓને વધુ જોર કરવું પડે. જેટલું વધુ જોર આપવું પડે એટલું એમાં સ્ક્વિન્ટ વિઝન વધતું રહે. પહેલાં તો બાળકની આંખના નંબરનું નિદાન કરીને યોગ્ય ચશ્માં પહેરાવવાનું શરૂ કરવું પડે. જેટલી લાંબી આ સમસ્યા છે એ મુજબ એમાં ઇમ્પ્રૂવમેન્ટમાં પણ બે-ત્રણ વર્ષનો સમય જશે. એટલે જેટલું વહેલું કરશો એટલી સારવાર અને સાજા થવાની સંભાવના ઉજ્જ્વળ રહે.