20 September, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મેડિકલ ફીલ્ડમાં થોડા-થોડા સમયે નવી-નવી ટેક્નૉલૉજી આવે છે જેને કારણે ઇલાજ વધુ ને વધુ સારો થઈ શકે. ઘૂંટણના રિપ્લેસમેન્ટની સર્જરીને વધુ ચોક્કસ બનાવવા અને દરદીને વધુ સારું રિઝલ્ટ આપવા માટે આજની તારીખે આપણી પાસે રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરીનો ઑપ્શન છે, પરંતુ આપણા દેશમાં જ્યાં ઇલાજ માટેનો ખર્ચ હંમેશાં ચિંતાનો વિષય રહ્યો છે ત્યાં એનું આંકલન કરવું જરૂરી છે કે નૉર્મલ ની-રિપ્લેસમેન્ટ એ રોબોટિક સર્જરી કરતાં સસ્તું છે પણ કેટલેક અંશે યોગ્ય છે, કારણ કે બન્નેના ફાયદા એક હદે સરખા જ રહેવાના. આ બન્ને સર્જરીના ફાયદા અને મર્યાદા વિશે સમજવાની કોશિશ કરીએ.
MAKO સિસ્ટમ કે ROSA ની-સિસ્ટમ એ પ્રકારની રોબોટિક સિસ્ટમ છે જે સર્જરીની ચોક્કસાઈને વધારે છે જેમાં દરદીના ઘૂંટણનું થ્રીડી મૉડલ તૈયાર થાય છે જેને કારણે સર્જ્યન ખૂબ વધુ ચોક્કસાઈથી એની સર્જરી પ્લાન અને પર્ફોર્મ પણ કરી શકે છે. એની વધુ ચોક્કસાઈને કારણે ઘૂંટણની ગોઠવણી કે અલાઇનમેન્ટ ખૂબ સારી રીતે થઈ શકે છે. એને કારણે જે નકલી ઘૂંટણ પગમાં બેસાડવામાં આવ્યો છે એનું કામ અને આયુષ્ય બન્ને વધે છે. જ્યારે ઘૂંટણની ગોઠવણી વધુ સારી હોય ત્યારે એનો ઘસારો ઘણો ઓછો થઈ જાય છે. એ ઓછો થવાને કારણે એનું આયુષ્ય વધુ રહે છે. એટલું જ નહીં, રિકવરી ટાઇમ પણ ઓછો લાગે છે. ઘણાં રિસર્ચ એવું સાબિત કરી ચૂક્યાં છે કે નૉર્મલ ની-રિપ્લેસમેન્ટ કરતાં રોબોટિક ની-રિપ્લેસમેન્ટમાં રિકવરી વધુ જલદી આવે છે, પરંતુ એ ઘણી મોંઘી સર્જરી છે. જેટલો તમે ખર્ચ કરો છો એટલો ફાયદો તમને સામે મળે જ એવું કહી ન શકાય. જ્યારે સામાન્ય ની-રિપ્લેસમેન્ટ વર્ષોથી થતાં આવ્યાં છે એને માટેના બેસ્ટ સર્જ્યન આપણે ત્યાં છે અને એનો ફાયદો હજારો લોકો દર વર્ષે મેળવી રહ્યા છે ત્યારે એની સરખામણીમાં ઘણો વધુ ખર્ચ કરીને મળતા ફાયદા કેટલા આપણને પોસાઈ શકે છે એ પણ જોવું જરૂરી છે. જો તમને કોઈ શારીરિક ખોડખાંપણ હોય કે વધુ પડતાં હાડકાં ઘસાઈ ગયાં હોય કે એવી જ કોઈ ખાસ પરિસ્થિતિ હોય તો એ દરદીઓ માટે રોબોટિક ની-સર્જરી કામની છે, પરંતુ એ સિવાયના મોટા ભાગના દરદીઓ માટે નૉર્મલ ની-સર્જરી પૂરતી હોય છે, જેમાં કોઈ કૉમ્પ્લેક્સિટી છે નહીં, એવા કેસમાં નૉર્મલ ની-રિપ્લેસમેન્ટ સારાં જ રિઝલ્ટ આપે છે. આમ તમે કયા પ્રકારની સર્જરી પસંદ કરો એ વ્યક્તિગત છે. પહેલાં તો એ જોવું પડે કે પૈસાની જોગવાઈ છે કે નહીં, ન હોય તો ઇન્શ્યૉરન્સમાં એ કવર થાય છે કે નહીં, કયા પ્રકારની કૉમ્પ્લેક્સ પરિસ્થિતિ છે, તમારા સર્જ્યન શું કહે છે વગેરે દરેક બાબતોને આધારે નિર્ણય લેવો જોઈએ.
- ડૉ. અમિત મહેતા (ડૉ. અમિત મહેતા જાણીતા ઑર્થોપેડિક સર્જ્યન છે. પ્રતિભાવ માટે ઈ-મેઈલ કરી શકો છો.)