હાર્ટ-અટૅક ન આવે એવું ઇચ્છતા હો તો કબજિયાત ન થવા દો

25 September, 2024 02:25 PM IST  |  Mumbai | Jigisha Jain

જુદા-જુદા દેશોમાં થયેલા લેટેસ્ટ અભ્યાસો જણાવે છે કે જેમને કબજિયાત રહેતી હોય તેમનામાં હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું રિસ્ક બમણું જોવા મળે છે

પ્રતીકાત્મક તસવીર

જુદા-જુદા દેશોમાં થયેલા લેટેસ્ટ અભ્યાસો જણાવે છે કે જેમને કબજિયાત રહેતી હોય તેમનામાં હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું રિસ્ક બમણું જોવા મળે છે. મોટી ઉંમરે જોવા મળતા આ બન્ને રોગોમાં શું સંબંધ છે, કઈ રીતે એ રિસ્કને વધારે છે અને એ બાબતે શું ધ્યાન રાખવું જરૂરી છે એ સમજીએ

કોઈ વ્યક્તિ કમોડ પર બેઠી હતી અને ત્યાં તેને હાર્ટ-અટૅક આવી ગયો કે કાર્ડિઍક અરેસ્ટ થઈ ગયાના કિસ્સા તમે કદાચ તમારી આજુબાજુ સાંભળ્યા હશે. ત્યારે સામાન્ય રીતે સમાજમાં એ વાત થાય કે કાળ ક્યારે ભરખી જાય આપણને તો ખબર જ ન પડે. પરંતુ કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કાળ તેમને એટલે ભરખી ગયો, કારણ કે એ સમયે તે કમોડ પર હતા? એવું શું થયું હશે એ સમયે કે અચાનક ત્યારે જ હાર્ટ-અટૅક આવી ગયો? સામાન્ય રીતે વ્યક્તિ ટ્રેડમિલ પર હોય કે મૅરથૉન દોડતી હોય કે કોઈ કસરત કરતી હોય કે પગથિયાં ચડતી હોય ત્યારે જો તેને હાર્ટ-અટૅક આવે તો લોકો એ સમજી શકે છે કે વ્યક્તિને પહેલેથી બ્લૉકેજ હશે, તેમનું હાર્ટ નબળું થઈ ગયું હશે અને એવામાં હાર્ટ પાસેથી વધુ કામ લેવામાં આવી રહ્યું હતું જે હાર્ટ સહન ન કરી શક્યું અને અટૅક આવ્યો હશે. પરંતુ કમોડ પર જ્યારે વ્યક્તિને અટૅક આવતો હોય તો એમાં પણ કોઈ સંબંધ તો હોવો જોઈએ. એ સમયે શરીરમાં એવું શું થયું કે વ્યક્તિને અટૅક આવ્યો?

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. લેખા પાઠક

અભ્યાસ શું કહે છે?

૬૦ વર્ષથી ઉપરના ૫,૪૦,૦૦૦ લોકો પર થયેલા ઑસ્ટ્રેલિયન સ્ટડી અનુસાર જે લોકોને કબજિયાત રહેતી હોય છે તેમને હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ-અટૅક્સ અને સ્ટ્રોકનું રિસ્ક જેને કબજિયાત નથી તેમના કરતાં ઘણું વધારે હોય છે. ૯ લાખ લોકો પર થયેલા એક ડૅનિશ સ્ટડી અનુસાર પણ જેમને કબજિયાત રહેતી હોય તેમનામાં હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું રિસ્ક વધુ જોવા મળે છે. જોકે આ બન્ને સ્ટડીમાં એ બાબતને અવગણવામાં આવી છે કે હાઈ બ્લડ-પ્રેશરની દવાઓથી કબજિયાત થાય છે. વળી આ બન્ને રિસર્ચમાં એ બન્ને વચ્ચેનું કનેક્શન શું છે એ સમજી શકાયું નહોતું. પરંતુ મોનાશ યુનિવર્સિટીમાં થયેલા તાજેતરના સ્ટડીમાં એ બન્ને વચ્ચેનું કનેક્શન સમજાવવામાં આવ્યું. આ રિસર્ચમાં પણ જણાયું કે જે લોકોને કબજિયાત નથી એના કરતાં જે લોકોને કબજિયાત છે એ લોકો પર હાર્ટ-અટૅક અને સ્ટ્રોક આવવાનું રિસ્ક બમણું છે. સંશોધકોએ જોયું કે હાઈ બ્લડ-પ્રેશર અને કબજિયાત બન્ને વચ્ચે સ્ટ્રૉન્ગ કનેક્શન છે. યુનાઇટેડ કિંગડમના કુલ ૨૩,૦૦૦ લોકો જેમને કબજિયાત હતી, તેમની કબજિયાત પાછળનું કારણ તેમને અપાતી હાઈ બ્લડ-પ્રેશરની દવા નીકળી. વળી જે વ્યક્તિને ફક્ત હાઇપરટેન્શન છે એના કરતાં જે વ્યક્તિને હાઇપરટેન્શન અને કબજિયાત બન્ને છે તેમના પર હાર્ટ-અટૅક આવવાનું રિસ્ક ૩૪ ટકા જેટલું વધારે હતું. ૪,૫૦,૦૦૦ લોકો પર થેયલા એક જૅપાનીઝ સ્ટડીમાં પણ એ કહેવાયું કે જે લોકો ૨-૩ દિવસે એક વાર હાજતે જાય છે એના પર હાર્ટ-ડિસીઝથી મરવાનું રિસ્ક જે લોકો દરરોજ હાજતે જાય છે એના કરતાં વધુ હોય છે.

કૉન્સ્ટિપેશન અને હાર્ટ-ડિસીઝ

રીસર્ચ મુજબ તો કબજિયાત અને હાર્ટ-ડિસીઝને સંબંધ છે પરંતુ મેડિકલી આ પ્રકારના કેસ જોવા મળે છે ખરા? આ પ્રશ્નનો જવાબ આપતાં નાણાવટી હૉસ્પિટલનાં કાર્ડિયોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ અને કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. લેખા પાઠક કહે છે, ‘હા, રેગ્યુલર પ્રૅક્ટિસમાં અમારી પાસે એવા કેસ આવે છે. કમોડ પર હાર્ટ-અટૅક આવે એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આ સંબંધ એકદમ સીધો છે. જ્યારે કોઈ વ્યક્તિને કબજિયાત હોય ત્યારે સ્ટૂલ પાસ કરવા માટે તે જે બળ લગાવે છે એ બળ વખતે ખૂબ પ્રેશર ઊભું થાય છે. એ પ્રેશરને કારણે જેમનું હૃદય નબળું છે તેમના હૃદય પર અસર થાય છે અને અટૅક આવી શકવાની સંભાવના ઊભી થાય છે.’

કોને રિસ્ક વધુ?

મોટા ભાગે હૃદય નબળું હોય ત્યારે જ આવી સ્થિતિ ઊભી થાય છે. જોકે નબળા હૃદયનો સંબંધ ઘણીબધી બાબતો સાથે છે એની સ્પષ્ટતા કરતાં ડૉ. લેખા પાઠક કહે છે, ‘મોટા ભાગે આ પરિસ્થિતિ મોટી ઉંમરના લોકોમાં જ વધુ જોવા મળે છે. મોટી ઉંમરે કબજિયાત, હૃદયરોગ અને હાઈ બ્લડ-પ્રેશર આ બધા જ રોગો થવાનું રિસ્ક વધુ હોય જ છે એટલું જ નહીં, આ કારણો એકબીજાને વધુ રિસ્કી બનાવે છે. યુવાનોમાં એવું થતું નથી. વળી એવા લોકો જેમને હાઇપરટેન્શન, ડાયાબિટીઝ કે કોઈ પણ પ્રકારના મેટાબોલિક ડિસઑર્ડર હોય જેને લીધે તેમની લોહીની નળીઓ અસરગ્રસ્ત થઈ હોય, જેમનું કૉલેસ્ટરોલ ઉપર રહેતું હોય કે જેમની ઍન્જિયોપ્લાસ્ટી થયેલી હોય તેમના પર આ રિસ્ક વધુ રહે છે, કારણ કે તેમની નળીઓમાં બ્લૉકેજ પહેલેથી હોય છે. જ્યારે તે સ્ટ્રેસ લે છે ત્યારે એ બ્લૉકેજ નળીને પૂરી રીતે બ્લૉક કરી દે છે એટલે અટૅક આવે છે. વળી એકાદ વખત કબજિયાત થઈ ગઈ અને એની આટલી અસર થાય એવું નથી હોતું. જેને કબજિયાત છે એ વ્યક્તિ તો વારંવાર આ સ્ટ્રેસમાંથી પસાર થતી હોય છે, જે સ્ટ્રેસ હાર્ટને ભારે પડી શકે છે.’

માનસિકતા પણ જવાબદાર

આપણે ત્યાં લોકોને અમુક લોકોને રોજ હાજતે જવાનું એક અલગ વળગણ હોય છે. એકાદ દિવસ પણ જો તે ન ગયા હોય તો તેમને ચેન નથી પડતું. એ વાત સમજાવતાં ડૉ. લેખા પાઠક કહે છે, ‘શરીરમાંથી કચરો કાઢી જ નાખવો એ માનસિકતા લોકોને હેરાન કરે છે. ઘણા દરદીઓને મેં જોયા છે કે એક દિવસ પણ પેટ સાફ ન થયું હોય તો ખૂબ સ્ટ્રેસ તેઓ લઈ લેતા હોય છે. કબજિયાત હોય ત્યારે ગમે તે રીતે જોર લગાવીને પણ મળ શરીરમાંથી કાઢી નાખવાનું ગાંડપણ ભારે પડે છે. આ માટે દવાને બદલે સમજણની જરૂર રહે છે. ડાયટ બદલો, જરૂર પડે તો દવાઓનો સહારો લો પણ એવા રસ્તાઓ ન અપનાવો જેને કારણે પછી પસ્તાવું પડે.’

બ્લડ-પ્રેશરની દવાઓથી પણ કબજિયાત થાય

એ હકીકત દરેક વ્યક્તિ સમજે છે કે દરેક દવાની આડઅસર હોય જ છે. સ્ટડીમાં જે કહેવામાં આવ્યું છે કે બ્લડ-પ્રેશરની દવા જે ખાતું હોય તેને કબજિયાત થાય છે. એક તો હાઈ બ્લડપ્રેશર પોતે હાર્ટ-ડિસીઝ માટેનું એક રિસ્ક ફૅક્ટર છે. એની સાથે જો કબજિયાત થઈ જાય તો આ- રિસ્ક વધી જાય છે. આ બાબતે વાત કરતાં ડૉ. લેખા પાઠક કહે છે, ‘દરેક શરીર અલગ છે અને દરેક શરીરનું રીઍક્શન પણ જુદું જ હોવાનું. દરેક પ્રકારની દવાઓની આડઅસર જુદા-જુદા લોકો પર જુદી-જુદી હોય છે. પણ એ હકીકત છે કે હાઈ બ્લડ-પ્રેશરની દવાઓથી કેટલાક લોકોને કબજિયાત થઈ જાય છે. અહીં એ સમજવું જરૂરી છે કે બધાને કબજિયાત થતી નથી. અમુક લોકોને થાય છે. ફક્ત બ્લડ-પ્રેશરની દવાઓથી જ નહીં, બીજા રોગોની દવાઓમાં કબજિયાત જેવું લક્ષણ અતિ સામાન્ય હોઈ શકે છે. આ બાબતે દરેક વ્યક્તિએ ખુદ સજાગ રહેવું જરૂરી છે. જો તમને કોઈ દવાઓ લઈને તબિયત ખરાબ થાય, સ્ટૂલ કઠણ થઈ જાય તો તરત તમારા ડૉક્ટરને જણાવો. મોટા ભાગે દવા બદલી નાખવાથી પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જતો હોય છે. જો એવું ન થાય તો સાથે કબજિયાતની દવા કે અલગ પ્રકારની ડાયટ પણ શરૂ કરી શકો. ટૂંકમાં કબજિયાત રહેવા ન દેવી, એનો ઉપાય ચોક્કસ કરવો.’

health tips life and style heart attack