22 May, 2024 09:48 AM IST | Mumbai | Dr. Chetan Bhatt
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં અમેરિકાના આંકડાઓ આવ્યા હતા જેમાં કહેવાયું હતું કે ૩૦થી ૩૪ વર્ષની વયના લોકોમાં કોલન કૅન્સરનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું છે. મતલબ કે આ રેન્જની વયના લોકોમાં બે વર્ષ પહેલાંની સાપેક્ષે કૅન્સરના દરદીઓનું પ્રમાણ ૭૧ ટકા જેટલું વધેલું જોવા મળ્યું છે.
ભલું છે કે આ આંકડા અમેરિકાના છે, ઇન્ડિયાના નહીં. ભારતમાં પરિસ્થિતિ હજી કાબૂમાં છે. હા, એટલું જરૂર કહી શકાય કે જો આમ જ આપણે પશ્ચિમી જીવનશૈલી તરફ ભાગતા રહ્યા તો આજનાં બાળકો અને કિશોરો કોલન કૅન્સરનો ભોગ બને એવી શક્યતાને નકારી શકાય નહીં.
કોવિડ પછી કૅન્સરના દરદીઓમાં પૅટર્ન ચેન્જ થતી જોવા મળે છે. લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, ટબૅકો, આલ્કોહૉલ અને જન્ક ફૂડનાં કેમિકલ્સનો મારો થવાને કારણે હવે ભારતમાં પણ કોલન કૅન્સરના દરદીઓની વય ઘટી રહી છે. પહેલાં અમે ૪૦-૪૫ વર્ષના દરદીમાં કૅન્સરની સંભાવના અને શંકા ઓછી જોતા, પણ હવે એવી સ્થિતિ છે કે શંકાસ્પદ લક્ષણો હોય તો ૪૦ વર્ષે પણ અમે કૅન્સરનું નિદાન રૂલઆઉટ કરવાનું પ્રિફર કરીએ છીએ. કેમ કે જેટલું વહેલું નિદાન એટલી સારવારની સંભાવના અને અસરકારકતા વધુ.
આ બધું તમને ડરાવવા માટે નથી કહેતો, પણ આંખો ખોલીને જીવતા થઈએ એ માટે આ સમજવું જરૂરી છે. અમેરિકામાં આંતરડાના કૅન્સરના દરદીઓ વધી રહ્યા છે એનું કારણ ત્યાંની લાઇફસ્ટાઇલ અને જૂનું-વાસી ફૂડ ખાવાની વર્ષોની આદત છે. આપણે પણ એના જેવું હવે કરવા માંડ્યા છીએ.
ભારતીયોએ જો આ જોખમથી બચવું હોય તો આપણી જૂની પરંપરાને સમજી લો. હળદર, કાળાં મરી જેવાં હર્બ્સ અને સ્પાઇસિસમાં અઢળક ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે જે ઇમ્યુનિટી વધારે છે. ભલે ભારતના ૪૦ ટકા લોકો નૉન-વેજિટેરિયન હોય, પણ તેમની ડાયટમાં પણ શાકાહાર સારોએવો હોય છે. અલબત્ત, સંપૂર્ણ શાકાહારી હોવું અને ભરપૂર ફાઇબરનો ઉપયોગ કરવો એ માત્ર તમને કૅન્સર જ નહીં, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીઝ અને એના જેવા અનેક રોગોથી બચાવે છે.
વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ફાઇબર બહુ ઓછું ખવાય છે. પ્રિઝર્વ કરેલું, ફ્રોઝન અને લાંબા સમયથી સંઘરેલું ફૂડ ગરમ કરી-કરીને ખાવાની આદત અને મેંદો તેમ જ જન્ક-ફૂડે આંતરડાંની આંતરિક લાઇન જ બગાડી નાખી છે. ફાઇબરયુક્ત ખોરાક ન ખાવાથી આંતરડાંમાં પનપતા હેલ્ધી બૅક્ટેરિયા નાશ પામે છે અને આ બદલાવ હવે જિનેટિકલી આગળ વધી રહ્યો છે એ જોખમી છે.
નવી પેઢીને આ બાબતે સજાગ કરવી બહુ જરૂરી છે.