કૉફી વિથ ચપટી નમક

19 December, 2024 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કૉમ્બિનેશન વર્કઆઉટ પહેલાં લેવામાં આવે તો એ એનર્જી ડ્રિન્ક જેવું કામ આપે છે અને કસરત દરમ્યાન શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત જાળવી રાખે છે એવું જાણીતા ઍક્ટર રોહિત રૉયનું કહેવું છે

રોહિત રૉયની વર્કઆઉટ એનર્જીનું રાઝ છે આ કૉફી-સૉલ્ટ કૉમ્બિનેશન

આજકાલ અનેક સેલિબ્રિટીઝ કૉન્શ્યસ લિવિંગની હિમાયતી બની રહી હોવાથી શાકાહાર તરફ વળી રહી છે. એને કારણે કસરત દરમ્યાન અને કસરત પછી શરીરમાં સ્ફૂર્તિ જાળવવા શું કરી શકાય એના નુસખાઓ અજમાવતી રહે છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં જાણીતા ઍક્ટર રોહિત રૉયે ફિટનેસ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘શાકાહારી બન્યા બાદ મારું ફેવરિટ એનર્જી ડ્રિન્ક મીઠાવાળી બ્લૅક કૉફી છે. લોકો એવું માને છે બ્લૅક કૉફી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, પણ એવું નથી. જિમમાં જતાં પહેલાં પાણીમાં કૉફી ઉકાળીને એમાં એક ચપટી મીઠું નાખવું. આ ડ્રિન્ક શરીર માટે એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.’

એક સમયે કૉફીમાં બટર ઉમેરીને પિવાતી બુલેટ કૉફી ટ્રેન્ડમાં હતી. જોકે હવે એમાં થોડોક ચેન્જ આવ્યો છે. કૉફીને વધુ ઍક્ટિવ કરવા માટે નમક વપરાવા લાગ્યું છે.

કૉફીમાં રહેલા કૅફીનથી મેટાબોલિઝમ સુધરે છે અને એનર્જી લેવલને વધે છે. એનાથી મગજનાં ફંક્શન્સ શાર્પ થાય છે, વર્કઆઉટનું પર્ફોર્મન્સને સુધારે છે અને શરીરની ચરબીને ઝડપથી બર્ન કરે છે. આ ડ્રિન્ક વેઇટ મૅનેજમેન્ટમાં તો કારગર સાબિત થાય જ છે, પણ એમાં રહેલું મીઠું શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સ (સોડિયમ, કૅલ્શિયમ, પોટૅશ્યમ, ફૉસ્ફેટ અને મૅગ્નેશિયમ)ના સ્તરને બૅલૅન્સ કરે છે. મીઠાને લીધે કૉફીની કડવાશ ઓછી થાય છે.

હેલ્થ-એક્સપર્ટ મીઠાવાળી બ્લૅક કૉફીને બેસ્ટ પ્રી-વર્કઆઉટ ડ્રિન્ક ગણાવે છે, કારણ કે એ વર્કઆઉટ બાદ લાગતાં થાક અને ક્રૅમ્પ્સને ઓછું કરે છે.

શું ધ્યાનમાં રાખવું?

મીઠાવાળી બ્લૅક કૉફીનું પ્રમાણસર અને યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો જ ફાયદાકારક છે. એક કપ પાણીમાં પાંચથી સાત ગ્રામ કૉફી અને એક ચપટી મીઠું હોવું જોઈએ. જરૂર કરતાં વધુ કૉફીનું સેવન હાર્ટ-રેટને વધારી શકે છે અને ડીહાઇડ્રેશનની સમસ્યા ઉદ્ભવી શકે છે. કૉફીમાં સિંધવ મીઠું નાખવાનો આગ્રહ રાખવો જેથી એમાં રહેલાં મિનરલ્સ શરીરને મળે. કૉફીમાં રહેલા કૅફીનને ઍક્ટિવ થવામાં આશરે એક કલાકનો સમય લાગે છે એટલે જો વર્કઆઉટના એક કલાક પહેલાં કૉફી પીવામાં આવે તો એ કારગર સાબિત થશે. કોઈ વ્યક્તિને ઍલર્જીનો પ્રૉબ્લેમ હોય તો હેલ્થ-એક્સપર્ટની સલાહ લઈને આ ડ્રિન્કનું સેવન કરવું.

health tips healthy living life and style columnists