06 September, 2024 07:44 AM IST | Mumbai | Dr. Meghal Sanghavi
પ્રતીકાત્મક તસવીર
આજથી ૧૦-૧૫ વર્ષ પહેલાં કૅન્સરનું નામ પડે એટલે લોકો એટલા ગભરાઈ જતા અને તેમને લાગતું કે હવે જીવન પૂરું થઈ ગયું. ધીમે-ધીમે મેડિકલ સાયન્સે પ્રગતિ કરી અને આજે કેટલા બધા લોકો કૅન્સર હોય તો પણ એની સાથે એક હેલ્ધી જીવન જીવે છે. કૅન્સરથી લડવું શક્ય છે અને કૅન્સર હોવા છતાં સંપૂર્ણ રીતે ક્યૉર થવું પણ શક્ય છે. કૅન્સરના ચાર સ્ટેજ હોય છે. આ એક એવી બીમારી છે જે સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે શરીરમાં ફેલાતી જાય છે. એ કેટલું ધીમે કે કેટલું જલદી ફેલાય છે એ બાબતે કાંઈ કહી શકાય નહીં, પરંતુ જો એ પહેલા કે બીજા સ્ટેજમાં હોય તો એ બીમારી એ ભાગ પૂરતી જ સીમિત હોય છે. એથી સરળતાથી એ ભાગને દૂર કરીને એનો ઇલાજ શક્ય બનાવી શકાય છે, પરંતુ જ્યારે એ ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચે ત્યારે એ ભાગની સાથે-સાથે આસપાસના ભાગોમાં પણ ફેલાઈ જાય છે. આ પરિસ્થિતિમાં એનો ઇલાજ અઘરો બની જાય છે.
આજકાલ વાર્ષિક રેગ્યુલર ચેકઅપ કરાવવાની વાત આવે તો મોટા ભાગે લોકો ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, હાર્ટ ડિસીઝ વગેરે ચેકઅપ કરાવતા જ રહે છે, પરંતુ કૅન્સર માટે કોઈ વાર્ષિક ચેકઅપ કરાવતા નથી. એ કરાવવું જોઈએ, કારણ કે તો જ એના વહેલા નિદાનની શક્યતા રહે છે. આજકાલ બજારમાં ઘણી લૅબોરેટરીમાં જીન્સ ટેસ્ટ અને કૅન્સરની જુદી-જુદી ટેસ્ટ વિશેની અઢળક માહિતી ઉપલબ્ધ છે. જરૂરી નથી કે બધી માહિતી સાચી હોય અને બધી જ ટેસ્ટ ઉપયોગી હોય. લૅબોરેટરીના માર્કેટિંગનો ભોગ ન બનતી દરેક વ્યક્તિએ ૩૦ વર્ષની ઉંમર પછી કૅન્સરના કોઈ પણ નિષ્ણાત ડૉક્ટરને મળીને રેગ્યુલર ચેકઅપ વિશે સલાહ લેવી જોઈએ. એ સંદર્ભે હૉક્ટર તમારી હિસ્ટરી જાણીને, ક્લિનિકલી તમને ચેક કરીને જરૂરી હોય એ ટેસ્ટ જ લખશે, જેથી બિનજરૂરી ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. બીજું એ કે કોઈ એક જ એવી ટેસ્ટ નથી જે શરીરના કોઈ પણ ભાગમાં કૅન્સર હોય એ વિશે જાણકારી આપી શકે. એટલે તમારી રીતે તમે એક ટેસ્ટ કરાવો જેમ કે મેમોગ્રાફી અને નિશ્ચિત થઈ જાઓ કે કાંઈ થવાનું નથી તો ભ્રમ છે. કારણ કે મેમોગ્રાફીથી ફક્ત બ્રેસ્ટ કૅન્સર છે કે નહીં એની જ ખબર પડે. આમ જાતે ડૉક્ટર બનો નહીં અને સલાહ લઈને જ ટેસ્ટ કરાવો. ખાસ કરીને જે વ્યક્તિની ફૅમિલીમાં કોઈને કૅન્સર છે, જે વ્યક્તિ ઓબીસ છે, જેમને કોઈ વ્યસન છે એ વ્યક્તિઓએ તો ૩૦ની ઉંમર પછી દર વર્ષે આ પ્રકારે ચેકઅપ કરાવવું જ જોઈએ. કોઈ પણ પ્રકારના નાનામાં-નાના ચિહ્નને પણ અવગણવા ન જોઈએ. તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ.