30 September, 2022 05:06 PM IST | Mumbai | Dr. Pankaj Parekh
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારો દીકરો ૮ વર્ષનો છે અને હાલમાં તેને તાવ આવ્યો હતો એટલે બ્લડ-ટેસ્ટ કરાવી હતી, પરંતુ એમાં તેનું હીમોગ્લોબિન ૧૦ આવ્યું હતું. તેને આમ તો થાક લાગતો અને મોઢામાં ચાંદાં પણ પડતાં. આગળ રિપોર્ટ કરાવ્યા તો તેના શરીરમાં લોહતત્ત્વ કે આયર્નની કમી નથી, પરંતુ વિટામિન B12 ઓછું આવ્યું. ડૉક્ટર કહે છે કે તેને એનીમિયા છે. મને સમજાતું નથી કે આયર્ન તો પૂરતું છે, પછી એનીમિયા કઈ રીતે હોય. શું વિટામિન B12 આપવાથી તેનું હીમોગ્લોબિન ઠીક થઈ જશે?
આટલી નાની ઉંમરમાં જે કારણોસર એનીમિયા થાય એનાં કારણોમાં આયર્ન એટલે કે લોહતત્ત્વની ઊણપ મુખ્ય કારણ હોય છે. બીજું મહત્ત્વનું કારણ વિટામિન B12ની ઊણપ પણ હોઈ શકે છે. એનીમિયાના પણ અલગ-અલગ પ્રકાર હોય છે. જે બાળકોમાં B12ની ઊણપ હોય એને પણ એનીમિયા થતો જોવા મળે છે. વિટામિન B12ને વિટામિન B કૉમ્પ્લેક્સ પણ કહે છે. જો નાનપણથી જ B12ની કમી હોય તો ડેવલપમેન્ટ પર અસર પડે છે. બાળક નબળું પડે છે. આ ડેવલપમેન્ટ માનસિક વધુ હોય છે. એની સાથે-સાથે વર્તણૂક પર પણ અસર પડે છે. બાળક વધુ ઇરિટેબલ થાય છે. એનો વિકાસ પાછળ ઠેલાતો હોય એમ લાગે છે. વિટામિન B12 લોહીમાં લાલ રક્તકણો બનાવવાનું કામ કરે છે. એની ઊણપને કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર પડે છે, જેને કારણે માનસિક રીતે બાળકની પડતી થઈ શકે છે. વળી, માઇલ્ડ ઊણપ હોય તો પણ આ પ્રૉબ્લેમ્સ ઉદ્ભવી શકે છે
સારું છે કે તમને તમારા બાળકની આ ઊણપ વિશે ખબર પડી ગઈ. આમ પણ શાકાહારી બાળકોમાં આ ઊણપ મોટા ભાગે જોવા મળે છે, પરંતુ એને દૂર કરવી પણ ખૂબ જ સરળ છે, કારણ કે જે દરરોજની જરૂરિયાતનો ડોઝ છે એ ખૂબ ઓછો હોય છે. આ સપ્લિમેન્ટ ૩ મહિના સુધી સતત લેજો, મૂકતા નહીં. કોઈ પણ ઊણપને દૂર કરવા માટે એ જરૂરી હોય છે. જે બાળકને B12ની ઊણપ હોય તેને સાથે-સાથે ફોલિક ઍસિડની ઊણપ પણ જોવા મળે છે, તો જરૂરથી એ પણ ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ લઈ લેવા. બાકી લીલા શાકભાજી અને ઑરેન્જ અને લાલ રંગનાં ફળોમાં વિટામિન B ભરપૂર માત્રામાં મળી રહેશે, માટે એ બાળકોને ચોક્કસ ખવડાવવા.