કાનમાં લસણના તેલનો પ્રયોગ નુકસાન કરી શકે છે

12 December, 2024 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ હોય છે જેને કારણે આપણે લસણનું તેલ કે સીધું લસણ ઉપાય સ્વરૂપે કાનમાં લગાડીએ ત્યારે કાનની અંદરની ચામડી અત્યંત નાજુક હોવાને કારણે કેમિકલ બર્ન્સ કે ઇરિટેશન થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

થોડા દિવસ પહેલાં ૭૦ વર્ષનાં એક બાને કાનમાં ખૂબ જ દુખાવો થતો હતો અને અચાનક સાંભળવાનું ઓછું થઈ ગયેલું. મેં જ્યારે ચેક કર્યું ત્યારે સમજાયું કે બાના કાનનો પડદો ડૅમેજ થયો છે.

મેં પૂછ્યું, ‘કાનમાં કશું નાખ્યું હતું?’

તેમણે કહ્યું, ‘શિયાળામાં કાન થોડા દુખતા હતા એટલે લસણનું તેલ અંદર નાખ્યું હતું.’

મેં કહ્યું, ‘બા, એને કારણે પડદો ડૅમેજ થઈ ગયો.’

તેમણે કહ્યું, ‘હું તો વર્ષોથી નાખું છું. હજી સુધી તો કંઈ ન થયું. અચાનક કેવી રીતે?’

મેં તેમને કહ્યું, ‘ભગવાને તમને વર્ષો બચાવ્યા, પણ પછી તમે સુધર્યા નહીં એટલે આ વખતે તો ભગવાન પણ કંઈ ન કરી શક્યા.’

આ બાને તેમના જાણકાર દીકરાએ ના પડેલી કે આવા તેલ કાનમાં ન નાખવાં, પણ બાએ ન માન્યું અને કાયમી ડૅમેજ થઇ ગયું.

લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ હોય છે જેને કારણે આપણે લસણનું તેલ કે સીધું લસણ ઉપાય સ્વરૂપે કાનમાં લગાડીએ ત્યારે કાનની અંદરની ચામડી અત્યંત નાજુક હોવાને કારણે કેમિકલ બર્ન્સ કે ઇરિટેશન થઈ શકે છે. આ સિવાય એને કારણે કાનમાં ઇન્ફેક્શન થવાની શક્યતા પણ વધી શકે છે. ખાસ કરીને કાનની અંદરની નળીઓ એનાથી અસરગ્રસ્ત થાય છે અને બૅક્ટેરિયા ત્યાંથી સીધા કાનમાં પ્રવેશીને કોઈ ઇન્ફેક્શન ઊભું કરી શકે છે. આ સિવાય લસણવાળું તેલ કોઈ ઍલર્જિક રીઍક્શન પણ ઊભું કરી શકે છે. આમ તમે લસણ ખાઓ ત્યારે કદાચ કોઈ ઍલર્જિક પ્રૉબ્લેમ ન હોય, પણ કાનમાં એ નાખો તો તકલીફ થઈ શકે છે. એને કારણે સોજો આવી શકે, લાલાશ થઈ જાય અને કાનની અંદર ખંજવાળ શરૂ થઈ શકે છે. ઘણા લોકો તો લસણને સીધું કાનમાં ઘસે છે. એમાં એની કળી કાનની અંદર ફસાઈ જાય છે. તેલમાં પણ એવું જ છે. તેલ કાનની અંદરના ભાગને બ્લૉક કરે તો સાંભળવામાં પણ તકલીફ થઈ શકે છે. ઘણા લોકો ટ્રાયલ માટે પણ લસણનું તેલ વાપરે છે. એટલે કે જો અસર થઈ તો ઠીક છે, પણ એનું નુકસાન તો નથી જ થવાનું એમ માનીને ટ્રાય કરે છે. જોકે એવું નથી. તમને કાનમાં પહેલેથી ઇન્ફેક્શન હોય તો લસણનું તેલ નાખીએ અને ઇન્ફેક્શન ઠીક નહીં થાય એટલું જ નથી, ઇન્ફેક્શન ખૂબ વધી જાય એવું પણ હોય છે. એટલે એવું ન સમજો કે એક વાર ટ્રાય કરી લઉં. કાનમાં કોઈ તકલીફ થાય તો ઘરગથ્થુ નુસખા ટ્રાય કરવાને બદલે સીધા ડૉક્ટર પાસે જવું જરૂરી છે.

- ડૉ. શીતલ રાડિયા

life and style health tips exclusive