ટૅલ્કમ પાઉડર વાપરો છો?

23 August, 2024 07:58 AM IST  |  Mumbai | Kajal Rampariya

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને દાવો કર્યો છે કે એના વપરાશથી ભવિષ્યમાં કૅન્સર થઈ શકે છે ત્યારે ભારતીયોના રૂટીનનો હિસ્સો બનેલા ટૅલ્કમ પાઉડર સાથે સંકળાયેલી જાણવા જેવી વાતો વાંચો

પ્રતીકાત્મક તસવીર

ભાગ્યે જ કોઈ હશે જે ટૅલ્કમ પાઉડરનો ઉપયોગ નહીં કરતું હોય. ઋતુ પ્રમાણે, સ્કિન-ટાઇપ અને ઉંમર પ્રમાણે માર્કેટમાં અઢળક બ્રૅન્ડ્સના ટૅલ્કમ પાઉડર મળી રહે છે. એનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન તરીકે જ નહીં પણ શરીરને ઠંડક આપવા તથા વારંવાર થતા પરસેવાથી રાહત મેળવવા પણ થાય છે. થોડા સમય પહેલાં WHO (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)એ ટૅલ્કમ પાઉડર કૅન્સરનું કારણ બની શકે છે એવો દાવો કર્યો હતો. WHOની ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર કૅન્સર રિસર્ચનું કહેવું છે કે ટૅલ્કમ પાઉડરના વધુપડતા ઉપયોગથી લોકોમાં કૅન્સર જેવી જીવલેણ બીમારી થવાનું જોખમ વધી જાય છે અને આ જ કારણે એના વધુપડતા ઉપયોગને ટાળવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સામાન્યપણે ટૅલ્કમ પાઉડર લગાવીને લોકો તાજગી અનુભવતા હોય છે, પણ એ પળવારની તાજગી સ્વાસ્થ્ય માટે કેવી રીતે જોખમી નીવડી શકે છે એ જાણીએ.

આજકાલ નૅચરલ પ્રોડક્ટ્સને બદલે કેમિકલવાળી ચીજોનો વપરાશ વધતાં બીમારી થવાનું જોખમ પણ વધી રહ્યું છે એ વાત સાવ સાચી છે એમ જણાવીને ચર્ચગેટ અને જુહુમાં ક્લિનિક ધરાવતાં ૧૭ વર્ષનાં અનુભવી ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ મોદી કહે છે, ‘WHOની આ વાત ૧૦૦ ટકા સિદ્ધ થઈ નથી. તેથી માર્કેટમાં મળતા બધા જ પ્રકારના ટૅલ્કમ પાઉડર હાનિકારક છે એમ કહેવું પણ યોગ્ય નથી. પણ હા, ટૅલ્કમ પાઉડરનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો જરૂરી છે અને એને ખરીદતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ટૅલ્કમ પાઉડરમાં બે ઇન્ગ્રીડિયન્ટ ટૅલ્ક અને ઍસ્બેસ્ટોસ હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ટૅલ્કમ પાઉડરમાં ઍસ્બેસ્ટોસની હાજરી કૅન્સર થવાનું કારણ બની શકે છે. ટૅલ્કમ પાઉડર લગાવતી વખતે એના પાર્ટિકલ્સ શ્વાસ મારફત ફેફસાં સુધી પહોંચે છે અને એને કારણે ફેફસાંનું કૅન્સર અને મિસોથેલિયોમા (હાર્ટ, લંગ્સ અને પેટના સ્નાયુઓમાં થતું એક પ્રકારનું કૅન્સર) થઈ શકે છે. આ વિશે કરવામાં આવેલા સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું હતું કે ટૅલ્કમ પાઉડરના વપરાશથી સ્ત્રીઓને ઓવેરિયન કૅન્સરનું જોખમ પણ રહેલું હોય છે. જોકે ફરી એક વાર હું કહીશ કે આ પૂર્ણપણે પ્રૂવ થયું નથી. ટૅલ્કમ પાઉડરમાં ટૅલ્ક નામના ખનિજનું વધુપડતું પ્રમાણ પણ જોખમી છે. એના અતિ વપરાશને લીધે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે રૅશિસ, સ્કિન ઇરિટેશન, રિંગ વર્મ્સ થઈ શકે છે.’

ટૅલ્કમ પાઉડર વાપરતી વખતે શું સાવધાની રાખશો?

માર્કેટમાં ઉંમરના હિસાબે ટૅલ્કમ પાઉડર મળે છે અને એને ખરીદતી વખતે ઍસ્બેસ્ટોસ ન હોય એવા પાઉડરની જ ખરીદી કરવી જોઈએ. એના પર્યાય તરીકે આજકાલ ઉત્પાદકો કૉર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરે છે. એ નૅચરલ અને સેફ હોય છે.

સ્ત્રીઓ સામાન્યપણે અન્ડરઆર્મ્સ અને વજાઇનલ સ્મેલને ટાળવા માટે આર્ટિફિશ્યલ ફ્રૅગ્રન્સવાળા ટૅલ્કમ પાઉડર વાપરે છે અને એને કારણે તેમને સ્કિન ઇન્ફેક્શન અને ખંજવાળની સમસ્યાઓ રહેતી હોય છે. તેથી માર્કેટમાં કૉર્ન સ્ટાર્ચવાળા પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ.

અસ્થમા કે શ્વસન સંબંધિત અન્ય બીમારીથી પીડાતા લોકોએ ટૅલ્કમ પાઉડરથી અંતર જાળવી રાખવું જોઈએ, કારણ કે ઍસ્બેસ્ટોસ અને ફ્રૅગ્રન્સને કારણે ઘણી વાર અસ્થમા અટૅક આવતા હોય છે તેથી ડૉક્ટર્સ એને વાપરવાની ના પાડે છે.

નવજાત શિશુ અને નાનાં બાળકોને ટૅલ્કમ પાઉડર ન લગાવવાની સલાહ અમે આપીએ છીએ. જો લગાવવો જ હોય તો હાથમાં લઈ વધારાનો પાઉડર ખંખેરીને ફક્ત હાથ અને પગમાં લગાવવો જોઈએ. ચહેરા પર આ પાઉડર લગાવવાનું ટાળવું જોઈએ. જો પાઉડર લગાવવો જ હોય તો ઍન્ટિફંગલ ડસ્ટિંગ પાઉડર તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે અને શક્ય હોય ત્યાં સુધી હર્બલ પાઉડરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

health tips life and style columnists cancer