21 December, 2022 05:50 PM IST | Mumbai | Dr. Samir Shah
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારા મોટા ભાઈ ૬૬ વર્ષના છે. તેઓ એમ તો તંદુરસ્ત જ હતા. તેમના જન્મદિવસ પર અમે મન ભરીને ઠેલા પરથી પાણીપૂરી અને રગડા-પૅટીસ ખાધાં. બીજા દિવસે તેમને પેટમાં થોડી ગરબડ લાગી અને સામાન્ય તાવ, ઊલટી, વીકનેસ જેવું લાગ્યું. એના પછીના દિવસે તેમને હૉસ્પિટલ લઈ જવા પડ્યા. ડૉક્ટરે કહ્યું કે તેમને ઍક્યુટ લિવર ફેલ્યર થઈ ગયું છે. શું હવે એ નહીં બચે? હાલમાં મોટી હૉસ્પિટલમાં ખસેડવાની વાત ચાલે છે. શું આ તકલીફનો કોઈ ઇલાજ નથી?
આ પણ વાંચો : બાળકના હાથ-પગના સાંધા દુખે છે
સાંભળવામાં આ જેટલું અસંભવ લાગે છે એટલું જ આ હકીકતમાં બનતું હોય છે. ઍક્યુટ લિવર ફેલ્યર આ જ રીતે થતું હોય છે. માણસને કાંઈ જ ન હોય અને અચાનક જ એની પરિસ્થિતિ ગંભીર થઈ જાય. ઘણી વાર તો ચોથા દિવસે માણસ કાં તો કોમામાં જતો રહે છે, કાં તો મૃત્યુ પામે છે. આ હું તમને ડરાવવા માટે નથી કહેતો, પરંતુ આ રોગની ગંભીરતા સમજાવી રહ્યો છું. જો સમય હાથમાંથી જતો રહે તો દરદીને આપણે બચાવી નથી શકતા. આવા દરદીઓનો ઇલાજ નર્સિંગહોમ લેવલ પર પણ નથી થતો. તેમને તાત્કાલિક મોટી હૉસ્પિટલમાં ખસેડવા પડે છે. તમારા ભાઈના કેસમાં એક પણ મિનિટના વિલંબ વગર તમારે તાત્કાલિક તેમને એવી હૉસ્પિટલમાં લઈ જવા જોઈએ જ્યાં લિવર ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે.
આ પણ વાંચો : અચાનક જ જમણી બ્રેસ્ટમાં ગાંઠ થઈ હોય એવું લાગે છે
આ દરદીઓમાંના પચીસ ટકા દરદીને જ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. બીજા પચીસ ટકા દરદીઓ આ રોગથી મૃત્યુ પામે છે. બાકીના ૫૦ ટકા દરદી તાત્કાલિક ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં થતા ઇલાજ દ્વારા સાજા થઈ જાય છે. તેમની પરિસ્થિતિ જોઈને ડૉક્ટર એ નિર્ણય લઈ શકે છે કે તેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે કે નહીં. તમારે એ માટે માનસિક અને આર્થિક તૈયારી રાખવી પડશે. ઘરમાંથી કોણ તેમને લિવર ડોનેટ કરી શકે એમ છે એ પણ વિચારી રાખો તો સારું, કારણ કે તાત્કાલિક કોઈ કેડેવર ડોનરનું લિવર મળવું થોડું અઘરું છે. આ નિર્ણયોમાં વિલંબ ચાલતો નથી. જોકે ગભરાઓ નહી. જરૂરી નથી કે તમારા ભાઈને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડે. એ ઇલાજ દ્વારા પણ ઠીક થઈ શકે છે. હાલમાં તમે ત્વરિત તેમને હૉસ્પિટલમાં શિફ્ટ કરો અને આગળની પ્રોસીજર માટે માનસિક સજ્જતા કેળવો એ જરૂરી છે. જેટલો જલદી તેમને યોગ્ય ઇલાજ મળશે તેમની બચવાની શક્યતા એટલી જ વધુ રહેશે.