ગમ-ઇન્ફેક્શનથી બધા જ દાંત પડી જાય એવું બને?

02 July, 2024 08:00 AM IST  |  Mumbai | Darshini Vashi

હા, આવું શક્ય છે જો ડેન્ટલ હાઇજીનનાં ઠેકાણાં ન હોય અને સાથે શરીરમાં બીજી પણ કોઈ બીમારીઓનો મારો હોય.

પ્રતીકાત્મક તસવીર

‘પંચાયત’ વેબ-સિરીઝથી જાણીતી બનેલી અમ્માજીએ ૩૫ વર્ષની ઉંમરે પેઢાના સામાન્ય જેવા લાગતા ઇન્ફેક્શનને કારણે પોતાના બધા જ દાંત ગુમાવી દીધા હતા એવું તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમ્યાન શૅર કર્યું હતું. આ વાત ચોંકાવનારી છે, પણ આવું કેવી રીતે બની શકે? આ કેટલી ગંભીર બાબત છે એ વિષય પર ચર્ચા કરીએ

OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘પંચાયત’માં ‘અમ્માજી’નું ચર્ચિત પાત્ર ભજવતી અભિનેત્રીએ તાજેતરમાં સોશ્યલ મીડિયાની એક ચૅનલ પર ઇન્ટરવ્યુ આપ્યો હતો. એ દરમિયાન તેણે કહ્યું હતું કે માત્ર ૩૫ વર્ષની ઉંમરમાં મોઢામાં ગમ-ઇન્ફેક્શન થઈ જવાને લીધે બધા દાંત ગુમાવી દેવા પડ્યા હતા. જોકે આ ઇન્ટરવ્યુમાં અન્ય બાબતો કરતાં તેના ગમ-ઇન્ફેક્શનના લીધે નાની ઉંમરમાં દાંત ગુમાવી દેવાની વાત ઘણાને આંચકો આપી ગઈ હતી. શું ગમ-ઇન્ફેક્શન એટલુંબધું ખતરનાક હોઈ શકે કે જેના લીધે મોંના તમામ દાંત તૂટીને હાથમાં આવી જાય? શું એનો કોઈ ઇલાજ નથી? અને સૌથી મહત્ત્વની વાત, એ કેટલું ગંભીર રૂપ લઈ શકે છે. બસ, આવા જ સવાલોના જવાબ જાણવા માટે અમે ડેન્ટિસ્ટ અને ઇન્ફેક્શનવાળા પેશન્ટ્સને ટ્રીટ કરતા ડૉક્ટરની સાથે વાત કરી અને જાણી કેટલીક એવી વાતો જે ભલભલાને વિચારતા કરી મૂકે. જાણીએ આખા વિષયને વિગતવાર.

ક્યારે ગંભીર બને?

ગમ-ઇન્ફેક્શન એટલે પાયોરિયા. ઘાટકોપરના ડેન્ટિસ્ટ શૃંગેશ શાહ એને વધુ સમજાવતાં આગળ કહે છે, ‘એમાં ગમ્સ અને દાંતના સ્પોર્ટિંગ બોન-સ્ટ્રક્ચરમાં ઇન્ફેક્શન થાય અને એને લીધે દાંત નબળા પડી જાય. દાંત હલવા લાગે અને પછી એ પડી જાય. આજના સમયમાં તો ગમ- ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે ઘણી ટ્રીટમેન્ટ છે પણ માત્ર ગમ્સમાં રહેલા ઇન્ફેક્શનને લીધે નાની ઉંમરમાં બધા દાંત પડી જાય એવું ન કહી શકાય. હા, એ ચોક્કસ છે કે ગમ-ઇન્ફેક્શનની સાથે શરીરમાં અન્ય કોઈ પ્રૉબ્લેમ હોય તો આવી સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને આજે બોન ડેન્સિટીના પ્રૉબ્લેમ બહુ જ વધી ગયા છે. ફ્રૅક્ચર થવું, વિટામિન Dની સમસ્યા વગેરે કારણોને લીધે પેશન્ટ અમુક દવાઓ લેતા હોય છે. એના લીધે ઘણા કેસમાં ડેન્ટલ બોનને અસર થઈ શકે છે. આવી સમસ્યા પાછળ પેશન્ટ્સની બેદરકારી હોય, ડેન્ટલ હાઇજીનનું ધ્યાન ન રખાતું હોય, પ્રૉબ્લેમ આવે ત્યારે એની સારવારમાં અવગણના થતી હોય તો સંભવ છે કે નાની ઉંમરમાં પણ બધેબધા દાંત કાયમ માટે ગુમાવવા પડે.’

બીજી બીમારીઓ પણ

પેઢાંનું ઇન્ફેક્શન થવાની કોઈ ઉંમર નથી હોતી એમ જણાવીને વીસ વર્ષથી ફૅમિલી-ફિઝિશ્યન તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. મેહુલ ભટ્ટ કહે છે, ‘જો ઓરલ કૅર યોગ્ય રીતે ન થતી હોય તો કોઈ પણ એજમાં ઓરલ ઇન્ફેક્શન થઈ શકે છે. મેં આજ સુધી ઘણાં ગમ-ઇન્ફેક્શનના પેશન્ટને ટ્રીટ કર્યા છે. ગમ-ઇન્ફેક્શનને જો ટાઇમ પર ટ્રીટમેન્ટ ન આપવામાં આવે તો એ ફેલાઈ શકે છે અને સૌથી મોટી વાત કે જો ઓર ઇન્ફેક્શન વધી જાય તો એની આસપાસના વિસ્તારમાં જેમ કે કાન, નાક, આંખ વગેરે અવયવો સુધી એની અસર થાય છે. માથામાં પણ દુખાવો થઈ શકે છે. ગમ- ઇન્ફેક્શનના બે પ્રકાર હોય છે, ઍક્યુટ ઇન્ફેક્શન અને ક્રૉનિક ઇન્ફેક્શન. ઍક્યુટ ઇન્ફેક્શન એટલે ચાર-પાંચ દિવસ પહેલાં ગમમાં ઇન્ફેક્શન થયું હોય. સોજો આવે, તાવ આવે અને દુખાવો થાય. ક્રૉનિક ઇન્ફેક્શન એટલે લાંબા સમયથી બૅક્ટેરિયા પેશન્ટના ગમ્સમાં હોય. મહિનાઓ અને વર્ષો પણ નીકળી જાય જેમાં ઘણી વખત પેશન્ટને કોઈ તકલીફ પણ ન થતી હોય. પેઢાંમાં સામાન્ય સોજો હોય. થોડોઘણો સોજો રહેતો હોય પણ પેશન્ટ એને ઇગ્નૉર કરતો રહેતો હોય છે, જે બાદમાં ગંભીર સમસ્યાઓનું નિર્માણ કરે છે.’

પેઢાંના સ્વાસ્થ્ય પર ધ્યાન

માત્ર મોટી કંપનીનાં બ્રશ અને ટૂથપેસ્ટ વાપરવાથી દાંત સ્વચ્છ થતા નથી, તમે દાંતને અને પેઢાંને કેવી રીતે અને કેટલી વખત ચીવટથી સાફ કરો છો એ મહત્ત્વનું છે એમ જણાવીને ડૉ. શૃંગેશ ઉમેરે છે, ‘કંઈ પણ ખાધા પછી કે પીણાં પીધા પછી મોં અને દાંત સાફ ન કરીએ તો ધીરે-ધીરે દાંતમાં સડો લાગવા લાગે. આ સડા તરફ બેદરકારી રાખીએ એટલે જ્યાં સડો થયો હોય ત્યાં કાણું પડવા લાગે અને કાણું પડે એટલે ત્યાં વધુ સડો થતો જાય અને પછી આ સમસ્યા વધતાં-વધતાં ગમ-ઇન્ફેક્શન સુધી પહોંચી જતી હોય છે. જુઓ, દાંતની સાથે હંમેશાં પેઢાંને પણ સાફ રાખવાં જોઈએ. જેટલો સમય આપણે દાંત અને જીભને સાફ કરવા પાછળ આપીએ છીએ એટલો જ સમય પેઢાંની સ્વચ્છતા માટે પણ ફાળવવો જોઈએ. પેઢા પર તેલથી મસાજ કરવો જોઈએ. ઘણા લોકો તલના તેલથી પણ મસાજ કરે છે અને એના કોગળા કરે છે. કોઈ પણ જાતનું દાંતમાં ઇન્ફેક્શન ન હોય એવા સમયે જો તમે તલના તેલના કોગળા એટલે કે ઑઇલ-પુલિંગ કરો અથવા તો મસાજ કરો તો કોઈ વાંધો નથી. એનાથી પેઢાં હેલ્ધી રહે છે. પણ જો દાંતમાં કે પછી કોઈ પણ પ્રકારનો ડેન્ટલ પ્રૉબ્લેમ થયો હોય તો તરત ડેન્ટિસ્ટ પાસે પહોંચી જજો. ત્યારે માત્ર તેલથી સારું થઈ જશે એવું વિચારીને બેસી ન રહેતા નહીંતર પ્રૉબ્લેમ વધતો જશે.’

પેઢાંની તકલીફ હશે તો ડાયાબિટીઝ પણ વધી શકે!

દાંત અને પૅન્ક્રિઆસ તો બન્ને એકબીજાથી કેટલાં દૂર છે અને બન્નેની કાર્યપ્રણાલી પણ જુદી છે એવા સમયે પેઢાંમાં કે મોઢામાં કોઈક જાતનું ઇન્ફેક્શન હોય એને કારણે તમારો ડાયાબિટીઝ કાબૂમાં ન રહે એવું બની શકે છે. અહીં ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. મેહુલ ભટ્ટ બહુ સ્પષ્ટતા સાથે કહે છે, ‘બિલકુલ. ડાયાબિટીઝ કાબૂમાં ન રહે એવા પૂરા ચાન્સ છે જો તમારું ગમ-ઇન્ફેક્શન કન્ટ્રોલમાં ન હોય. અમારી પાસે કેસ-સ્ટડીઝ છે જેમાં ગમ-ઇન્ફેક્શનના લીધે ડાયાબિટીઝના દરદીઓને પણ મુશ્કેલી આવી શકે છે. એવા ઘણા પેશન્ટ હોય છે જેમને ત્રણ-ચાર ગોળીઓ આપ્યા બાદ પણ ડાયાબિટીઝ કન્ટ્રોલમાં નથી આવતો અને જ્યારે એનું કારણ જાણવા અમે ડીટેલ રિપોર્ટ કઢાવીએ ત્યારે ખબર પડે કે તેનાં ગમ્સમાં ઇન્ફેક્શન છે. એટલે પહેલાં અમારે પેઢાંના ઇન્ફેક્શનનો ઇલાજ કરાવવો પડે છે. ત્યાર બાદ તેમનો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવે છે. પેશન્ટ્સ કહેતા હોય છે કે અમે શુગર નથી ખાતા, બહારનું નથી ખાતા, વૉક કરીએ છીએ તો પણ ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવતો નથી. ઘણી વખત શરીરમાં બૅક્ટેરિયા છુપાઈને બેસેલા હોય છે. ખાસ કરીને ગમ્સની અંદર, જેને લીધે હાઈ ડાયાબિટીઝના દરદીઓને ટ્રીટ કરવામાં મુશ્કેલી આવે છે. ગમ-ઇન્ફેક્શનને જો તમે સામાન્ય ઇન્ફેક્શન સમજીને લેટ ગો કરશો તો પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે.’

health tips life and style columnists