24 December, 2024 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગયા અઠવાડિયે મારી પાસે એક ૫૦ વર્ષના ભાઈ આવ્યા જેમને કાનમાં દુખાવો હતો. પહેલાં ઓછો હતો અને છેલ્લા ૪ દિવસથી ઘણો વધી ગયો હતો. તે મારી પાસે આવ્યા એટલે કારણ એ કે તેમના કાનમાંથી પસ નીકળવા લાગ્યું હતું. મેં ચેક કર્યું ત્યારે ખબર પડી કે તેમને થોડા દિવસ પહેલાં જે વાઇરલ થયો હતો એની અસર હેઠળ તેમના કાનમાં ઇન્ફેક્શન થયું છે. દવાઓ દ્વારા એ ઠીક થઈ શકે એમ હતું, પરંતુ આવો જ એક કેસ મારી પાસે આવેલો જેને વાઇરલ થયા પછી કાન પર એટલી અસર થઈ કે તેમના કાનના પડદામાં કાણું પડી ગયું હતું. એક વાઇરલ કે સામાન્ય શરદીને કારણે એવી તકલીફ ઊભી થઈ હતી જે હવે રિપેર ન થઈ શકે. એ જીવનભરની ખોટ રહી જાય જેને લીધે સાંભળવામાં પ્રૉબ્લેમ થઈ જાય.
વાઇરલ કોલ્ડ થાય ત્યારે ફક જામી જવાને લીધે અને ખાસ કરીને પાણીના ભરાવાને કારણે કાનમાં તકલીફ થાય છે. ખાસ કરીને મિડલ કાનનો જે ભાગ છે એમાં પાણીનો ભરાવો થવાને લીધે દુખાવો અને ઇન્ફેક્શન થતું જોવા મળે છે. યુસ્ટેચિયન ટ્યુબ કરીને કાનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે જે કાનમાંથી બિનજરૂરી ફલ્યુઇડને બહાર તરફ ધકેલે છે એ શરદીને કારણે બ્લૉક થઈ શકે છે જેને કારણે કાનની અંદરનું પ્રેશર વધે છે જે મોટા ભાગે લોકોને ડિસકમ્ફર્ટ આપે છે, પરંતુ ક્યારેક એનાથી આગળ વધીને એ જગ્યાએ ઇન્ફેક્શન થાય છે. જો એના પર સમયસર ધ્યાન ન ગયું અને ઇલાજ ચાલુ ન થયો તો કાનના પડદામાં કાણું પડવાની શક્યતા પણ છે.
સામાન્ય લક્ષણો સમજીએ તો કાનમાં દુખાવો થાય છે જેમાં કોઈને એકદમ તીક્ષ્ણ દુખાવો થાય જે સહન જ ન થાય તો કોઈને થોડું-થોડું દુખે જેને કારણે ક્યારેક એ તકલીફની ગંભીરતા સમજે નહીં. કાનમાં ધાક પડી ગઈ હોય એવું લાગે, સાંભળવામાં તકલીફ લાગે, કાનમાં પસ થાય, તાવ આવે, ઘણી વાર ચક્કર આવે, બૅલૅન્સ ખોરવાઈ જાય એવું બને. આમાંથી કોઈ પણ એક કે પછી એકથી વધુ લક્ષણો સાથે પણ જોવા મળી શકે છે.
આવું ન થાય એ માટે પાણી વધુ પીવું જરૂરી છે. એવું કરવાથી કફ પાતળો બને છે અને એનો ભરાવો થતો નથી. મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ પ્રકારનાં કાનનાં ટીપાં લઈ લીધાં અને એનો ઉપયોગ કરવા લાગ્યા એવું ન જ કરવું. એના ખૂબ ગેરફાયદા છે. કોઈ પણ નાનામાં નાની તકલીફને પણ અવગણ્યા વગર તમારે સીધું કોઈ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરને જ બતાવવું. -ડૉ. શીતલ રાડિયા