19 February, 2025 08:27 AM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર
આનો જવાબ હા અને ના બન્નેમાં આવી શકે. યાદશક્તિ ક્ષીણ કરતા આ ન્યુરોડીજનરેટિવ ડિસીઝને નાથવા માટે મૉડર્ન મેડિસિનની સાથે આયુર્વેદશાસ્ત્રના દૃષ્ટિકોણથી પણ ઔષધો પર અનેક પ્રયોગો થઈ રહ્યા છે. આ પ્રયોગોમાં નવું નામ ઊભર્યું છે લસુનાદિ ઘૃતનું. અલબત્ત, આયુર્વેદ નિષ્ણાતોનું માનવું છે કે લસુનાદિ ઘૃત કરતાં ઘૃત એટલે ઘીની સાથે કેટલાંક મેધ્ય રસાયણો છે જે ક્ષીણ થતી યાદશક્તિને અટકાવવામાં મદદરૂપ ચોક્કસ છે
તાજેતરમાં કલકત્તાની બોઝ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોએ ઑલ્ઝાઇમર્સ એટલે કે મેમરી લૉસની સમસ્યાના પ્રોગ્રેસને અટકાવવા માટે આયુર્વેદિક દવા પર પ્રયોગ કર્યો છે. આ દવાનું નામ છે લસુનાદિ ઘૃત. અમેરિકન કેમિકલ સોસાયટીની બાયોકેમિસ્ટ્રી જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ બોઝ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અનિર્બન ભુનિયાના નેતૃત્વમાં થયેલા અભ્યાસમાં લસુનાદિ ઘૃતમાંથી બનાવવામાં આવેલું એક પાણીમાં ઓગળી શકે એવો અર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આ અર્ક ઑલ્ઝાઇમર્સને કારણે મગજમાં પેદા થતા એમિલોઇડ બીટા પ્રોટીનનું પ્રમાણ ઘટતું હોવાનું જોવા મળ્યું છે. એમિલોઇડ બીટા પ્રોટીન ઑલ્ઝાઇમર્સ ડિસીઝના પ્રોગ્રેશનને અટકાવવા માટેનું અતિ મહત્ત્વનું ફૅક્ટર રહ્યું છે, એના પર પૉઝિટિવ અસર દેખાતાં આયુર્વેદ થકી ઑલ્ઝાઇમર્સ માટે ક્યૉર મળે એવી આશા જાગી છે. અલબત્ત, આ હજી પ્રયોગાત્મક ધોરણની વાત છે. ધારો કે આ ક્યૉર મળશે તો પણ એ પ્યૉર આયુર્વેદિક દવા નહીં હોય. ઑલ્ઝાઇમર્સને આયુર્વેદશાસ્ત્રમાં કઈ રીતે જોવામાં આવે છે અને અત્યારે નિષ્ણાતો આ માટે કેવાં ઔષધોનો ઉપયોગ વૈકલ્પિક પૂરક સારવાર માટે કરતા હોય છે એ વિશે આજે નિષ્ણાત પાસેથી સમજીએ.
આયુર્વેદની દૃષ્ટિએ ઑલ્ઝાઇમર્સ
મગજના ચેતાતંતુઓ વચ્ચેનું કમ્યુનિકેશન જેટલું સારું હોય એટલી એની કાર્યક્ષમતા સારી હોય. મગજના આ કોષોનું એક કામ મેમરીનું પણ છે. જ્યારે મગજના ચોક્કસ કોષો ડિસ્ટ્રૉય થઈ જાય ત્યારે યાદશક્તિ ઘટવા લાગે. જોકે મેમરી ઘટવાનાં ઘણાં કારણો હોય એની વાત સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘મગજનું યાદશક્તિનું કામ સારું કે ખરાબ થાય એ માટે વાયુ જવાબદાર છે. ઉદાન અને પ્રાણ વાયુ સમ અવસ્થામાં હોય તો મેમરીનું ફંક્શન પ્રૉપર્લી ચાલે છે. પ્રાણ અને ઉદાન વાયુની વિકૃતિને કારણે યાદશક્તિ ઘટે છે. પ્રાણવાયુની વિકૃતિથી મગજમાં ઇન્પુટ્સ નથી નોંધાતા. મતલબ કે એનાથી માહિતી મગજમાં સંઘરાતી નથી, જ્યારે ઉદાન વાયુની વિકૃતિ એ રીકૉલ કરવાની ક્ષમતામાં ગરબડ પેદા કરે છે. ઉદાન વાયુની વિકૃતિ કમ્યુનિકેશનમાં પણ અવરોધ કરે છે. ક્યારેક-ક્યારેક તમે જોયું હોય તો તમને અડધી-અધૂરી ચીજો યાદ રહે છે. એનું કારણ ઉદાનમાં વિકૃતિ છે. કોઈક વ્યક્તિને જોઈને તમે ઓળખી જાઓ પણ તેનું નામ યાદ ન આવે. એનું કારણ એ છે કે વ્યક્તિને જોઈને મગજે અંદર પડેલી માહિતીના સંગ્રહમાંથી ખંખોળવું પડે છે કે આ વ્યક્તિનું નામ શું છે. આવું ક્યારેક થાય એ ટેમ્પરરી મેમરી લૉસ છે, પણ જ્યારે મગજના કોષોમાં ડીજનરેશન થવાને કારણે જૂની સંઘરેલી વાત કેમેય યાદ ન આવે એ કાયમી મેમરી લૉસ થઈ જાય. નવું યાદ રાખવામાં તકલીફ પડે અને જૂનું રીકૉલ કરવામાં મુશ્કેલી પડે એ ડિમેન્શિયાની તકલીફ છે. જ્યારે આ તકલીફ વકરે અને વ્યક્તિ બધું જ ભૂલવા લાગે ત્યારે ઑલ્ઝાઇમર્સ કહેવાય. હું આ બે કન્ડિશનને અલગ રીતે કહેતો હોઉં છું. ડિમેન્શિયામાં વ્યક્તિને સતત સવાલ થયા કરે છે – તુમ કૌન? તેને લોકોને ઓળખવામાં મુશ્કેલી પડવા લાગે છે. જ્યારે ઑલ્ઝાઇમર્સવાળી વ્યક્તિને ‘મૈં કૌન?’ એનું ભાન પણ ભુલાવી દે છે. હું કોણ છું, મેં શું ખાધું, મેં શું કર્યું એ બધું જ તે ભૂલી જાય એ તબક્કો ઑલ્ઝાઇમર્સનો સૌથી કપરો સમય છે.’
મેધ્ય રસાયણો ઉત્તમ છે
આયુર્વેદમાં ઉત્તમ મેધ્ય રસાયણો છે જે યાદશક્તિ વધારે છે. શાસ્ત્રોમાં ગાયના ઘીને બુદ્ધિ શાર્પ કરવા માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે એમ જણાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘મગજના ચેતાકોષો એ મજ્જા ધાતુથી બનેલા હોય છે. આપણે ખોરાક ખાઈએ એનાથી રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર એમ સાત ધાતુઓનું પોષણ થાય છે. ઘીના સ્નેહદ્રવ્યથી મજ્જા ધાતુ એટલે કે ચેતાકોષોનું ડીજનરેશન અટકે છે. ઉદાન અને પ્રાણ વાયુના બગાડને શમાવવામાં પણ ઘી કામનું છે. એ ઉપરાંત શંખપુષ્પી, જટામાંસી, બ્રાહ્મી, મૂલેઠી એટલે કે જેઠીમધને પણ મેધાવર્ધક ઔષધો કહેવામાં આવે છે. મેમરીવર્ધક દવાઓમાં સારસ્વત ઘૃત, બ્રાહ્મી ઘૃત વગેરે છૂટથી વપરાય છે. એ ઉપરાંત પંચગવ્ય ઘૃત પણ વપરાય. એમાં ગાયનાં પાંચ દ્રવ્યો જેમ કે દૂધ, ગોમૂત્ર, ગોબર, ઘી અને દહીંથી સંસ્કારિત કરેલું ઘી વપરાય છે. આયુર્વેદમાં અપસ્માર કે એપિલેપ્ટિક સ્મૃતિભ્રંશ માટે પંચગવ્ય ઘૃત ખૂબ અસરકારક છે. મગજની સર્જરી પછી ચોક્કસ ભાગ કાપી નાખ્યો હોય તો પણ એની રિકવરી મહાકલ્યાણક ઘૃતના પ્રયોગથી મેળવી શકાય છે. આમ આયુર્વેદમાં અનેક પ્રકારનાં ઘૃત છે જે ઑલ્ઝાઇમર્સ કે યાદશક્તિના નાશને રોકી શકે એવાં છે. જોકે લસુનાદિ ઘૃતમાં ખાસ લસણથી શું અને કેવો ફાયદો થાય એ હજી સંશોધનનો વિષય છે.’
ડીજનરેટિવ ડિસીઝમાં આયુર્વેદ
લસુનાદિ ઘૃતનો જે પ્રયોગ કલકત્તાના નિષ્ણાતો દ્વારા થઈ રહ્યો છે એમાં લસણ કઈ રીતે ઉપયોગી નીવડી શકે એ વિશે વાત કરતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ડાયરેકટલી લસુનાદિ ઘૃત આપવાથી ઑલ્ઝાઇમર્સના દરદીઓને ફાયદો થાય એ વાત મેં નોંધી નથી, પરંતુ લસણના દ્રવ્યગુણ સમજીએ તો લસણ એ સ્રોતને ખોલનારું દ્રવ્ય છે. એ વાયુ ઘટાડે છે. એટલે શરૂઆતના તબક્કામાં વાયુની વિકૃતિને કારણે થતી તકલીફો જેવી કે ઑલ્ઝાઇમર્સ કે ઈવન પાર્કિન્સન્સમાં પણ મદદરૂપ થઈ શકે. લસણ એ ઉત્તેજક છે, પણ એનાથી ઑલ્ઝાઇમર્સ જેવા ડીજનરેટિવ ડિસીઝ અટકે એવી સંભાવના નથી લાગતી. શંખપુષ્પી, બ્રાહ્મી અને જેઠીમધ યાદશક્તિવર્ધક દ્રવ્યો છે, પણ એ ડાયરેક્ટલી ઑલ્ઝાઇમર્સના દરદીની યાદશક્તિ ક્ષીણ કરવાનું ઘટાડી શકતી નથી. મેં ઑલ્ઝાઇમર્સના દરદીઓ માટે અક્કલકરો, વજ અને માલકાંગણી સાથે ઘીના પ્રયોગો કર્યા છે એનાથી થોડાક સમય માટે ક્ષીણતા ધીમી પડે છે, ૧૦૦ ટકા ક્યૉર જોવા મળ્યો નથી. ગાયના ઘી અને લસણથી બેસિકલી સેરાટોનિન અને ડોપમિન ઘટેલાં હોય એ ટેમ્પરરી કામમાં આવે છે, પણ એનાથી મેમરી લૉસ રિવર્સ નથી થઈ શકતો. હા, ખોરાકમાં લસણ અને ઘી વધારવાનું અને સાથે મૉડર્ન મેડિસિનની દવાઓનું કૉમ્બિનેશન ટ્રાય કરી શકાય.’
પંચકર્મથી ફાયદો
ઑલ્ઝાઇમર્સના તબક્કાઓને આગળ વધતા અટકાવવા કે ધીમા પાડવા માટે આયુર્વેદમાં અત્યાર સુધીનો સૌથી અકસીર પ્રયોગ હોય તો એ છે પંચકર્મ. એ વિશે ડૉ. સંજય છાજેડ કહે છે, ‘જ્યારથી યાદશક્તિની સમસ્યા શરૂ થાય એ પછી તરત જ સમયાંતરે પંચકર્મની ક્રિયા દ્વારા શરીરશુદ્ધિ કરવામાં આવે તો ઑલ્ઝાઇમર્સ વકરતો ધીમો પડે છે. એ માટે શિરોધારા, નસ્ય અને બસ્તી ક્રિયા કરવાની રહે છે. બસ્તી ક્રિયાથી વાયુની વિકૃતિ શમે છે અને શિરોધારા અને નસ્ય થકી મગજમાં સ્નેહન દ્રવ્ય પહોંચતું હોવાથી એ ડાયરેક્ટ્લી મદદ કરી શકે છે. વ્યક્તિની અવસ્થા મુજબ નસ્યમાં વપરાતું ઘી કયા ઔષધથી સિદ્ધ થયેલું હોય એ નક્કી થઈ શકે છે.’