પૉલિસિસ્ટિક કિડની ડિસીઝવાળી વ્યક્તિ બાળક પ્લાન કરી શકે?

16 January, 2025 05:11 PM IST  |  Mumbai | Dr. Bharat Shah

કિડનીમાં જ્યારે નાની-નાની ગાંઠો ઊપસી આવે જેને લીધે કિડનીનું આખું બંધારણ બદલવા લાગે એ રોગને પૉલિસિસ્ટિક કિડની ડિસીઝ કહે છે.

પ્રતીકાત્મક તસવીર

કિડનીમાં જ્યારે નાની-નાની ગાંઠો ઊપસી આવે જેને લીધે કિડનીનું આખું બંધારણ બદલવા લાગે એ રોગને પૉલિસિસ્ટિક કિડની ડિસીઝ કહે છે. કિડનીની અંદર ગાંઠો ઊપસી આવે છે જે કૅન્સરની ગાંઠો હોતી નથી પરંતુ આ ગાંઠોમાં પાણી જેવો પદાર્થ ભરાયેલો હોય છે જે ધીમે-ધીમે ફૂલતો જાય છે અને એ કિડનીની અંદરની જગ્યાઓને ઘેરતી જાય છે જેને કારણે કિડનીના કાર્યમાં અડચણ આવે છે. ધીમે-ધીમે કિડની ફેલ થવા તરફ આગળ વધે છે. પૉલિસિસ્ટિક કિડની ડિસીઝ જે વ્યક્તિને હોય એમાંથી ઘણાને નાનપણથી જ ખબર પડી જતી હોય છે, જ્યારે અમુક લોકો એવા છે જેને ૭૦ વર્ષે આ રોગ બહાર આવતો હોય છે. આ રોગ જન્મજાત હોય છે. ધીમે-ધીમે વિકાસ પામે છે.

પૉલિસિસ્ટિક કિડની ડિસીઝ થવાનું મુખ્ય કારણ વંશાનુગત છે એટલે કે જે બાળકનાં માતા-પિતાને કે પરિવારમાં કોઈને આ રોગ થયો હોય તો બાળકને પણ આ રોગ થવાની શક્યતા રહે છે. આ એવો રોગ છે જે છૂપ્યો છુપાતો નથી. એટલે કે ક્યારેક ને ક્યારેક તો સામે આવે જ છે. એનો અર્થ એ થયો કે વ્યક્તિનાં માતા-પિતાને આ રોગ હતો કે નહીં એની વ્યક્તિને ખબર જ નથી એવી પરિસ્થિતિ સર્જાતી નથી. એવું ચોક્કસ બને કે વ્યક્તિનાં માતા-પિતાને મોડી ખબર પડી હોય એટલે તે પોતાના બાળક માટે કાળજી ન લઈ શક્યાં હોય. પરંતુ જો વ્યક્તિને ખબર પડે કે પોતાનાં માતા કે પિતાને આ રોગ છે તો તેણે ચોક્કસ ચેક કરાવવું કે તેને પોતાને આ રોગ છે કે નહીં. જો તેને આ રોગ હોય તો તેણે બાળક કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ સાથે આગળ વધવું જોઈએ. આ રીતે નવા જન્મ લેનારા બાળકને આ રોગથી બચાવી શકવામાં સફળતા મળી શકે છે. આ રોગ ધરાવનારા લોકો પોતાનો આ રોગ નવી પેઢીને વારસામાં આપે જ એવી શક્યતા ૫૦ ટકા રહેલી હોય છે. એટલે આવા લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. જોકે એવો આજ સુધી કોઈ ઇલાજ આવ્યો નથી કે જેને કારણે આપણે બાળકને આ ઘાતક રોગ વર્ષમાં ન મળે એવું કઈ કરી શકાય. પરંતુ જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે પહેલા ત્રણ મહિનામાં તેના ગર્ભનું પાણી લઈને ટેસ્ટ કરી શકાય છે જેના દ્વારા ખબર પડે છે કે બાળક આ જીન્સ સાથે જન્મી રહ્યું છે કે નહીં. જો એમ હોય તો તેની પાસે ઑપ્શન રહે છે કે એ પ્રેગ્નન્સી ટર્મિનેટ કરાવી શકે. આમ પ્લાન ન જ કરવું એવું નથી હોતું. ૫૦ ટકાની શક્યતા પર પ્લાન કરી શકાય. પરંતુ ટેસ્ટ કરાવીને શક્યતા જોઈ લેવી જરૂરી છે.

health tips life and style columnists gujarati mid-day mumbai