આ ડ્રિન્ક્સ તમને ઠંડા પણ રાખશે અને તાજામાજા પણ

17 May, 2024 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુગર સિરપથી ભરપૂર રેડીમેડ ઠંડાં પીણાં ગળાને નુકસાન કરે છે.

પ્રતીકાત્મક તસવીર

કાળઝાળ ગરમીમાં ગળાને ઠંડક આપે એવાં પીણાંનો વપરાશ ખૂબ વધી જાય છે. શુગર સિરપથી ભરપૂર રેડીમેડ ઠંડાં પીણાં ગળાને નુકસાન કરે છે. એને બદલે સામાન્ય રીતે પીણાંમાં ઓછી વપરાતી સીઝનલ ચીજોનો ઉપયોગ કરીને યુનિક પીણાં બનાવવાની રેસિપી શૅર કરે છે જાણીતાં શેફ નેહા ઠક્કર. ઝટપટ તૈયાર થઈ જતાં આ ડ્રિન્ક્સ મહેમાનોને  પણ ગમશે  એની ગૅરન્ટી

આમલીનું શરબત

સામગ્રી : ૧ કપ આમલીના કાતરા, ૧ કપ ગોળ, ૧ કપ ગરમ પાણી, ૧ ચમચી શેકેલા જીરાનો પાઉડર, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી સંચળ, ૨ કપ ઠંડું પાણી, ૪ નંગ ફુદીનાનાં પાન, જરૂરિયાત પ્રમાણે બરફ રીત : સૌપ્રથમ આમલીમાંથી રેસા કાઢી નાખવા. પછી એને બાઉલમાં લઈને એમાં ગોળ ઉમેરો. હવે એમાં ગરમ પાણી ઉમેરી ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો. ત્યાર બાદ પાણી ઠંડું થાય એટલે આમલીને સારી રીતે મસળીને પલ્પ કાઢી લો અને આ મિશ્રણને ગાળી લો. ત્યાર બાદ એમાં સંચળ, જીરાનો પાઉડર, ચાટ મસાલો અને મીઠું નાખીને મિક્સ કરી લો. આમલીનું શરબત તૈયાર થઈ ગયું છે. એને બૉટલમાં ભરીને ફ્રિજમાં રાખી શકો છો. જરૂર પ્રમાણે ગ્લાસમાં બરફ, ફુદીનાનાં પાન અને ઠંડું પાણી ઉમેરીને ઠંડું-ઠંડું સર્વ કરો.

ફૅટ કટર ડ્રિન્ક 

સામગ્રી : ૧ કાકડી, અડધી તોતાપુરી કેરી, ૨ ચમચી ચિયા સીડ્સ, ૧ નાનો ટુકડો આદું, ૨ ચમચી મધ, નાનો કટકો ગોળ, ૧ લીંબુનો રસ, પાંચ ફુદીનાનાં પાન, ૧ ચમચી સંચળ, ૧/૨ ચમચી શેકેલા જીરાનો પાઉડર
રીત : ચિયા સીડ્સને ૨૦ મિનિટ માટે પાણીમાં પલાળી રાખો એટલે એ ફૂલી જશે. હવે મિક્સર જારમાં કાકડીના પીસ, કેરીના પીસ, ફુદીનો, આદું, લીંબુ, મધ, ગોળ, સંચળ ને પાણી ઉમેરીને પીસી લો. પછી એમાં ચિયા સીડ્સ મિક્સ કરો. ગ્લાસમા નાખી સર્વ કરો. આ પીણું દરરોજ પીવાથી વજન ઊતરવા માંડશે. તો તૈયાર છે એકદમ હેલ્ધી ડ્રિન્ક.

પિનાકોલાડા 

સામગ્રી : આઠ ચમચી ફ્રેશ પાઇનૅપલ કટ કરેલાં, આઠ ચમચી ફ્રેશ નારિયેળના પીસ કટ કરેલા, આઠ ચમચી ફ્રેશ નારિયેળનું દૂધ, એક કપ પાઇનૅપલ જૂસ, એક કપ વૅનિલા આઇસક્રીમ, ક્રશ કરેલા આઇસ ક્યુબ 
રીત : સૌપ્રથમ મિક્સર જારમાં કટ કરેલાં પાઇનૅપલ, કટ કરેલા નારિયેળના ટુકડા, નારિયેળનું દૂધ, પાઇનૅપલ જૂસ ઉમેરીને બધું મિક્સ કરીને ચર્ન કરી લેવું. હવે એમાં આઇસક્રીમ અને આઇસ ક્યુબ ઉમેરીને ચર્ન કરી લો. હવે એક ગ્લાસ લઈને એમાં પાઇનૅપલના પીસ ઉમેરીને ઉપર પિનાકોલાડા મૉકટેલ રેડીને ગ્લાસ પર પાઇનૅપલની સ્લાઇસ અને ચેરીથી ગાર્નિશ કરીને સર્વ કરો.

તાડગોળાનું શરબત 

સામગ્રી  ઃ  ૬ તાડગોળા, ત્રણ ચમચી ખડી સાકરનો પાઉડર, ૮થી ૧૦ ફુદીનાનાં પાન, એક ચમચી લીંબુનો રસ, જરૂર મુજબ બરફના ટુકડા, અડધી ચમચી જલજીરા પાઉડર, એક કપ ઠંડું પાણી 
રીત : સૌપ્રથમ તાડગોળાને ઠંડા પાણીમાં પાંચ મિનિટ પલાળી રાખવા. પછી એના પરનાં બધાં છોતરાં કાઢી નાખવાં. હવે એક મિક્સર જારમાં તાડગોળાના ટુકડા કરી એમાં બરફ, જલજીરા પાઉડર, ખડી સાકરનો પાઉડર, લીંબુનો રસ ઉમેરીને સરસ ચર્ન કરી લેવું. હવે ચર્ન કરી લીધેલી પેસ્ટમાં પાણી ઉમેરવું. ફરીથી સરખું ચર્ન કરી લેવું. હવે ગ્લાસમાં બરફના ટુકડા અને ફુદીનાનાં પાન ઉમેરી એમાં સર્વે કરવું. તો તૈયાર છે નારિયેળપાણીને પણ ટક્કર મારે એવું તાડફળીનું જૂસ. આ જ્યુસ તમે ચિયા સીડ્સ અને રોઝ શરબત ઉમેરીને પણ પી શકો છો.

જાંબુનું શરબત

સામગ્રી : એક કપ પાકા જાંબુ, પાંચ ચમચી ખાંડ, ૧/૨ ચમચી જીરું પાઉડર, ૧/૪ ચમચી મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, ૨ ચમચી ફુદીનો, જરૂર મુજબ બરફ, જરૂર મુજબ પાણી
રીત : એક મિક્સર જારમાં સમારેલા જાંબુ, ખાંડ, જીરું પાઉડર, મરી પાઉડર, મીઠું, ફુદીનો અને બરફના ટુકડા ઉમેરી ક્રશ કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને ક્રશ કરો. થોડું ઘટ શરબત રાખવું. એને ગાળ્યા વગર જ ઠંડું સર્વ કરો. તો તૈયાર છે ઠંડું-ઠંડું જાંબુનું શરબત.

અહેવાલ : નેહા ઠક્કર

health tips columnists life and style mumbai food indian food