તનમનમાં સાત્ત્વિકતાનો સંચાર કરી દેશે સફેદ કોળું

10 May, 2024 07:59 AM IST  |  Mumbai | Sejal Patel

સફેદ પમ્પકિનના નિયમિત સેવનથી ડિપ્રેશનમાં પણ ફાયદો થાય છે.

પ્રતીકાત્મક તસવીર

તનથી સ્વસ્થ રહેવું હોય, મનથી નિર્મળ રહેવું હોય તો રોજ સવારે વાઇટ પમ્પકિનનો જૂસ પીવાની હિમાયત અનેક લોકો કરી રહ્યા છે. આયુર્વેદ, મૉડર્ન ન્યુટ્રિશન, યુનાની ઉપરાંત યોગગુરુઓ પણ કદ્દુના જૂસના ડિટૉક્સિફાઇંગ ગુણો ગાતાં થાકતા નથી ત્યારે જાણીએ આ  જૂસ ખરેખર ચમત્કારિક છે કે નહીં

ગુજરાતીઓમાં સફેદ કોળું બહુ ફેમસ નથી. આપણે પીળું અને ગરવાળું કોળું જ વધુ વાપરીએ છીએ, પરંતુ પાણીદાર સફેદ કોળું છેલ્લાં થોડાંક વર્ષોથી એના હેલ્થ બેનિફિટ્સને લઈને બહુ જ ફેમસ બન્યું છે. એના ચમત્કારિક ગુણોના દાવાઓ વિશે સાંભળીશું તો આવતી કાલે સવારે જ તમે પણ આ જૂસનો એક ગ્લાસ બનાવીને પીવા લાગશો. જરા દાવાઓ તપાસીએ - સફેદ કદ્દુના અર્કથી પેટમાં અલ્સર થવાનું તેમ જ લોહીમાં કૅન્સરજન્ય કોષો પેદા થવાનું પ્રિવેન્ટ થઈ શકે છે.  આ જૂસ દ્વારા અફીણ અને કેફી દ્રવ્યોના ઍડિક્શન દૂર કરવાની સારવારમાં મદદરૂપ થાય છે એવું બ્રિટિશ અભ્યાસુઓ કહે છે. આ જૂસથી કિડનીનું ફિલ્ટરેશન કાર્ય સુધjl છે અને કિડનીના અનેક રોગો પ્રિવેન્ટ થઈ શકે છે. 

સફેદ કોળાના બીજનો અર્ક ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી અને ઍનલ્જેસિક ક્ષમતા ધરાવે છે એટલે સોજો આવ્યો હોય કે પીડા થતી હોય ત્યારે દવાની ગરજ સારે છે. કોરિયન રિસર્ચરોએ કરેલા અભ્યાસ મુજબ સફેદ કોળું લિવરમાં સંઘરાયેલી ખરાબ ચરબી ઓગાળે છે અને સારું કૉલેસ્ટરોલ લેવલ સુધારે છે. સફેદ પમ્પકિનના નિયમિત સેવનથી ડિપ્રેશનમાં પણ ફાયદો થાય છે. વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા થયેલા અભ્યાસમાં આવા દાવા થયા છે અને અનેક હેલ્થ એક્સપર્ટ્સે એનું સમર્થન પણ કર્યું છે. યોગગુરુ જગ્ગી વાસુદેવ સફેદ કદ્દુને પ્રાણઊર્જાથી ભરપૂર ફૂડ ગણે છે અને કહે છે કે એનો ઉપયોગ નિયમિત કરવાથી મગજ શાંત થાય છે, વિચારોમાં સ્પષ્ટતા અને ધાર આવે છે અને શરીરમાં કોઈ પણ પ્રકારનાં ટૉક્સિન્સ સંઘરાયેલાં પડ્યાં હોય તો એ દૂર થાય છે. સાઉથ ઇન્ડિયન ફૂડમાં એટલે જ કદ્દુનો ઉપયોગ ભરપૂર માત્રામાં થાય છે. 

સફેદ કદ્દુનું મૂળ શું?
વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો સફેદ કદ્દુ ભારતીય મૂળનું નથી. જપાન, ઇન્ડોનેશિયા, ચીન કે મલેશિયામાંથી કોઈ એક જગ્યાએ એનું ઓરિજિન હોવાનું મનાય છે. ચાઇનીઝ અને યુનાની શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ પાંચમી-છઠ્ઠી સદીના સમયથી થયેલો છે. આયુર્વેદમાં એનો ઉલ્લેખ કુષ્માંડ તરીકે છે. ભારતીય આર્ય અને દ્રવિડ સંસ્કૃતિમાં કુષ્માંડને અત્યંત પવિત્ર ચીજ માનવામાં આવી છે એટલે એક જમાનામાં કોઈ પણ ધાર્મિક કાર્ય દરમ્યાન સફેદ કદ્દુ બ્રાહ્મણને દાનમાં આપવાનો મહિમા હતો. આયુર્વેદમાં એને શીતવીર્ય અને પિત્તનું શમન કરનારી ચીજ માનવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ભારતમાં પીળું કોળું વધુ વપરાય છે, જ્યારે દક્ષિણનાં રાજ્યોમાં સફેદ કદ્દુ વધુ વપરાય છે. 

રોજ જૂસ પીવાના ફાયદા
દૂધી, ગલકું, કોળું, કારેલાં એ બધું જ એક જ ગોર્ડ ફૅમિલીનું વેજિટેબલ છે. એ તમામમાં સફેદ કોળું સૌથી સુપાચ્ય, સૌથી વધુ નિર્દોષ અને શરીરને આલ્કલાઇન ગુણ આપે છે. શરીરમાં વધેલું પિત્ત દૂર કરવાના એના ચમત્કારિક ગુણને કારણે અનેક રોગોમાં એ ફાયદાકારક છે એમ સમજાવતાં આયુર્વેદિક હીલિંગ પ્રોસેસમાં ઊંડો અભ્યાસ કરનારાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘આ જૂસ એવો છે જે જૂનામાં જૂનો મરડો પણ મટાડી શકે. એનાથી શરીરમાં ભરાઈ રહેલી ચીકાશ અને પિત્ત બહાર ફેંકાઈ જાય છે. લિવર માટે એ ઉત્તમ ગુણકારી છે, કેમ કે એ ડિટૉક્સિફિકેશનની પ્રક્રિયા કરે છે. લિવરમાં ચરબીની જમાવટ થવાને કારણે અપચો રહેતો હોય, શરીરમાં ખરાબ કૉલેસ્ટરોલની જમાવટ થતી હોય, રક્તવાહિનીઓમાં કે ક્યાંય પણ ક્રૉનિક ઇન્ફ્લમેશન આકાર લઈ રહ્યું હોય તો એ સફેદ કદ્દુના જૂસથી સુધરે છે. સ્ટમકમાં વારંવાર ઇન્ફેક્શન થઈ જતું હોય કે પછી ‘પીકૂ’ ફિલ્મના અમિતાભ બચ્ચન જેવી ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમની તકલીફ હોય તો એમાં પણ ફાયદો કરે છે. શરીરમાંથી વધારાનું પિત્ત કાઢીને એને આલ્કલાઇન બનાવે છે, જે ઓવરઑલ હેલ્થ સુધારે છે.’

આલ્કલાઇન ગુણમાં ચમત્કાર
બૉડીને આલ્કલાઇન બનાવવું કેમ મહત્ત્વનું છે એ પણ સમજી લેવું જરૂરી છે. લોકો આલ્કલાઇન વૉટર બનાવીને પીતા હોય છે એને બદલે આ સફેદ કદ્દુનો જૂસ એક કાંકરે અનેક ફાયદા આપનારો ગણાય છે. એ માટે ઍસિડિટી અને આલ્કલાઇન બે ગુણધર્મોને કારણે શરીરમાં થતા બદલાવ વિશે સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘શરીરના કોઈ પણ કોષોમાં જ્યારે પણ ઑક્સિડેશનની પ્રક્રિયા થાય છે ત્યારે-ત્યારે એમાં ઍસિડ જમા થાય છે. આપણું મેટાબોલિઝમ જ એવું છે કે કોઈ પણ ચીજની વેસ્ટ પ્રોડક્ટ તરીકે ઍસિડ પેદા થાય છે. જો કુદરતી જીવનશૈલી રાખીએ તો આપમેળે શરીરમાં આલ્કલાઇન ગુણો પણ વધે, પરંતુ એવું તો થતું નથી. આપણે જન્ક ફૂડ, કેમિકલ્સ, પ્રોસેસ્ડ ફૂડ, મેંદો, વધુપડતી શુગર અને સૉલ્ટ તેમ જ એડિબલ કલર્સનો એટલો મારો ચલાવીએ છીએ કે શરીરમાં વધુ ઍસિડ પેદા થયા જ કરે છે. એને કારણે ૪૦ વર્ષની ઉંમરે શરીરના અવયવો જાણે ૬૦ વર્ષના થઈ ગયા હોય એટલા નબળા પડી જાય છે. જો બૉડીમાંથી એક્સેસ પિત્ત નીકળી જાય તો આલ્કલાઇન ગુણ વધે અને એનાથી કોષોને ફ્લરિશ થવાનો અવકાશ મળે. એનાથી એજિંગ પ્રોસેસ પણ ધીમી પડે, લાઇફસ્ટાઇલને લગતા જે રોગો ફૂલ્યાફાલ્યા છે એ પણ ઘટે.’

કેવી રીતે જૂસ લેવાનો?
સફેદ કદ્દુનો જૂસ જો તમે ક્યારેય ટ્રાય કર્યો હોય તો એ જરાય ટેસ્ટી નહીં લાગ્યો હોય, પણ પૉઝિટિવ વાત એ છે કે એનો સ્વાદ ખરાબ પણ નથી. જૂસ બનાવવાની બેસ્ટ રીત વિશે ધ્વનિ કહે છે, ‘સામાન્ય રીતે કદ્દુ છોલીને એના ટુકડા કરીને ગ્રાઇન્ડર કે મિક્સરમાં નાખીને એનો રસ કાઢતા હોય છે, પણ એનાથી ફૂડનું ટેમ્પરેચર વધતું હોવાથી એમાંનાં પોષક તત્ત્વો ઘટી જાય છે. જો બેસ્ટ ફાયદો જોઈતો હોય તો એનો રસ જૂસરમાં કાઢવો. કોલ્ડ પ્રેસ જૂસર હોય તો એ સર્વોત્તમ. અને હા, આ જૂસ કાઢ્યા પછી જરાય સમય વેડફવો નહીં. તરત જ એટલે કે રસ કાઢ્યા પછી જેટલો તાજો તમે એ પી લેશો એ બહેતર છે. પંદરથી વીસ મિનિટ જેટલા સમયમાં પણ આ જૂસ કાળો પડવા લાગે છે, જે બતાવે છે કે એમાંના ગુણો ઘટી રહ્યા છે.’  દૂધી અને કાકડી પણ સફેદ કદ્દુના ફૅમિલીનું જ વેજિટેબલ ગણાય છે, પણ એ ચીજો કરતાં કદ્દુ વધુ સારું છે કેમ કે અનેક લોકોને દૂધી-કાકડીથી ગૅસ થઈ જાય એવું બની શકે છે. 

નમક,-લીંબુ-આદું સાથે નહીં... 
ટેસ્ટી બનાવવા માટે લોકો કદ્દુના જૂસમાં સ્વાદ ઉમેરતી ચીજો નાખે છે એવું ન કરવું જોઈએ એમ જણાવતાં ધ્વનિ કહે છે, ‘સૉલ્ટ, લીંબુ અને આદું જેવી ચીજોથી તમે ટેસ્ટ ઉમેરશો પણ એનાથી કદ્દુની કૂલિંગ ઇફેક્ટ ઘટશે અને ઍસિડ કન્ટેન્ટ વધશે. જો તમારે સ્વાદ માટે કંઈક નાખવું જ હોય તો ફુદીનો કે કોથમીર નાખી શકાય. રોજ સવારે નરણા કોઠે ૨૦૦ મિલીલીટર જેટલો જૂસ પીવાની આદત શરીરના ખૂણેખૂણાને સાફ અને સ્વસ્થ રાખે છે. બને તો ભૂખ્યા પેટે આ જૂસ લેવો અને અડધો કલાક પછી બ્રેકફાસ્ટ કરી શકો છો.’

life and style columnists health tips sejal patel