વિયાયેલી ગાયના પહેલા કાચા દૂધમાંથી બનતી ખર્વસ છે સુપરફૂડ

09 May, 2024 08:02 AM IST  |  Mumbai | Sejal Patel

શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે ગાયનું પહેલું દૂધ અમૃત સમાન છે. આ જ અમૃત હવે સુપરફૂડની શ્રેણીમાં આવી ગયું હોવાથી કાઉ કોલોસ્ટ્રમ સપ્લિમેન્ટ્સનું માર્કેટ ફૂલીફાલી રહ્યું છે. 

પ્રતીકાત્મક તસવીર

એક જમાનામાં ગાયનું પહેલું દૂધ ગામમાં એમ જ વહેંચી દેવામાં આવતું અને લોકો એમાંથી ખર્વસ બનાવીને ખાતા. આ કાચું દૂધ હવે હેલ્થ-ઇન્ડસ્ટ્રીમાં દૂઝણી ગાયની જેમ ડબલ પ્રૉફિટ કમાવી આપતું થઈ ગયું છે. ઍન્ટિ-કૅન્સર, ઍન્ટિ-વાઇરલ અને ઇમ્યુનિટી બૂસ્ટર ગણાતું પહેલું દૂધ એટલે કે કોલોસ્ટ્રમનાં સપ્લિમેન્ટ્સનું માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે ત્યારે જાણીએ એનાં લેખાંજોખાં

કોઈ પણ સસ્તન પ્રાણીની પ્રસૂતિ થાય એ પછી તેના બાળક માટે માનાં સ્તનમાંથી જે પહેલું દૂધ નીકળે છે એ અત્યંત અણમોલ હોય છે. એ મનુષ્ય હોય તો પણ અને ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ હોય તો પણ. નવજાત શિશુને માનું પહેલું, ઘાટું અને પીળાશ પડતા રંગનું જે દૂધ નીકળે છે એ અવશ્ય પીવડાવવું જોઈએ એવું કહેવાય છે. આ દૂધ શિશુને બહારની દુનિયામાં જે સારી-ખરાબ ચીજોનું એક્સપોઝર મળવાનું છે એની સામે શરીરની અંદર રક્ષણાત્મક શક્તિ ડેવલપ કરવામાં મદદ કરે છે. આ જ વાત ગાય-ભેંસની બાબતમાં પણ એટલી જ લાગુ પડે છે. શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે ગાયનું પહેલું દૂધ અમૃત સમાન છે. આ જ અમૃત હવે સુપરફૂડની શ્રેણીમાં આવી ગયું હોવાથી કાઉ કોલોસ્ટ્રમ સપ્લિમેન્ટ્સનું માર્કેટ ફૂલીફાલી રહ્યું છે. 

કાઉ કોલોસ્ટ્રમ છે શું?
પ્રસૂતિ પછીના પહેલા ૨૪થી ૪૮ કલાક સુધીમાં જે દૂધ નીકળે એને કોલોસ્ટ્રમ કહેવાય છે. એમાં ભરપૂર ન્યુટ્રિશન્સ હોય છે. તમે જોયું હોય તો ગાયનું વાછરડું જન્મતાંની સાથે જ પોતાના પગ પર ઊભું થઈ જાય છે. વાછરડાના પ્રાથમિક વિકાસ અને ઇમ્યુનિટી માટે આ દૂધ ખૂબ જ ઉપયોગી છે. નવજાત શિશુને ગર્ભમાંથી નવા વાતાવરણમાં પ્રવેશે ત્યારે એમાં સર્વાઇવ થઈ શકે એ માટે જરૂરી પોષક તત્ત્વો, ઇમ્યુન ફૅક્ટર્સ, વિટામિન્સ અને મિનરલ્સ પહેલા ૪૮ કલાકના દૂધમાં ભરપૂર હોય છે. આ દૂધ શિશુને અનેક ઇન્ફેક્શન્સ સામે રક્ષણ આપે છે અને નવા વાતાવરણમાં પણ ગ્રોથને ફૅસિલિટેટ કરવાનું કામ કરે છે. 

ગાય વિયાણી હોય એ પછી વાછરડાને પીવડાવ્યા પછી પણ ઘણું દૂધ બચતું હોય છે. પહેલાંના જમાનામાં આ દૂધ કાઢીને ગામમાં વહેંચવામાં આવતું. આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘એ સમય હતો કે જેમાં ગાયનું પહેલું દૂધ કદી વેચતા નહીં. સગાંવહાલાં અને સંબંધીઓમાં એ વહેંચી દેવામાં આવતું. દાદીના સમયથી મેં જોયું છે કે આ દૂધને સ્ટીમ કરીને ઘરમાં ખર્વસ બનતી. ગુજરાતીમાં એને બળી કહેવાય છે, પણ મુંબઈમાં એ મોટે ભાગે એના મરાઠી નામ ખર્વસ તરીકે જ ઓળખાય છે. એ જમાનામાં કદાચ કોઈને એ ખબર નહોતી કે ખર્વસ ગાયના પહેલા દૂધમાંથી જ કેમ બને છે, સાદા દૂધમાંથી કેમ નહીં. તેમને એ પણ ખબર નહોતી કે એમાં ગુણો ભરેલા છે કે નહીં. એમ છતાં ઋષિમુનિઓના જમાનાથી જે ચાલી આવતી પ્રથાઓ હતી એ મુજબ 
દાદી-નાનીના જમાનામાં એ પરંપરાઓ પળાતી. વિયાયેલી ગાયનું પહેલું દૂધ ખૂબ પવિત્ર ગણાતું અને કાં તો એ દૂધ લોકોમાં વહેંચવામાં આવતું કાં ખર્વસ બનાવીને વહેંચવામાં આવતી.’

ઠાંસોઠાંસ ભર્યા છે ગુણો
આ પરંપરાઓ પાછળ કોઈક વૈજ્ઞાનિક સમજણ તો હોવી જ જોઈએ એ વિચારીને છેલ્લા બે-ત્રણ દાયકાઓમાં અમુક પ્રયોગો થયા છે જેનું પરિણામ જબરદસ્ત ચોંકાવનારું મળ્યું છે. ડૉ. સંજય છાજેડ કહે છે, ‘અહમદનગરમાં ડૉ. વિનોદ મરાઠે નામના રેડિયોલૉજિસ્ટે કાઉ કોલોસ્ટ્રમની પ્રૉપર્ટીઝ પર અનેક અભ્યાસો કર્યા છે. તેમણે કરેલા પ‍્રયોગોમાં આ દૂધ ચમત્કારિક ગુણો ધરાવતું હોવાનું બહાર આવ્યું છે. કોઈ પણ એજમાં ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરી શકતા આ દૂધમાં ઍન્ટિ-વાઇરલ અને ઍન્ટિ-કૅન્સર ગુણો ઠાંસીને ભર્યા છે. ખાસ કરીને કૅન્સરની સારવાર ચાલતી હોય ત્યારે વીક પડેલી ઇમ્યુનિટી માટે તેમ જ સારવાર પછીની રિકવરી ઝડપી બને એ માટે ન્યુટ્રિશન્સની પૂર્તિ માટે આ દૂધ ખૂબ અસરકારક છે. કેટલાક લોકોને હાઇપોપ્રોટીનિયા એટલે કે પ્રોટીનની કમીની સમસ્યા હોય છે. આવા લોકો પ્રોટીનયુક્ત ખોરાક ખાય તો પણ શરીરમાં પ્રોટીન શોષાવાની પ્રક્રિયામાં ગરબડ હોવાથી પ્રોટીનની કમી રહે છે. કાઉ કોલોસ્ટ્રમમાંનું પ્રોટીન એટલું લાઇટ અને સુપાચ્ય હોય છે કે હાઇપોપ્રોટીનિયાના દરદીઓમાં પણ એનું ઍબ્સૉર્પ્શન સારું થાય છે. ઇમ્યુનો મૉડ્યુલેશનનું સરસ કામ ગાયના પહેલા દૂધથી થઈ શકે છે. હાઇપરટેન્શન અને હાર્ટ-ડિસીઝના દરદીઓમાં પણ કાઉ કોલોસ્ટ્રમ ફાયદો કરે છે.’

રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસના દરદીઓને કાઉ કોલોસ્ટ્રમ આપવાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે એવું ડૉ. સંજય છાજેડે પોતાના દરદીઓ પર પ્રયોગ કરીને નોંધ્યું છે. એ વિશે તેઓ કહે છે, ‘ગાયના પહેલા દૂધને અમે ગોપીયૂષ કહીએ છીએ. રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસના દરદીઓનો રોગ મટ્યા પછી ફરીથી એનો ઊથલો ન મારે એ માટે ગોપીયૂષ અને ખર્વસનો પ્રયોગ અમારા દરદીઓ પર અકસીર રહ્યો છે.’

સપ્લિમેન્ટ્સ વર્સસ ખર્વસ 
ખૂબબધા ફાયદા જાણ્યા પછી હવે સવાલ થાય કાઉ કોલોસ્ટ્રમનાં સપ્લિમેન્ટ્સ લેવાં કે પછી ખર્વસ ખાવી? તો પહેલાં સમજી લઈએ કે એ બન્ને ચીજો બને કઈ રીતે છે. કાઉ કોલોસ્ટ્રમ મિલ્ક પાઉડરની ટેક્નિકથી બને છે. પહેલાં એને ખૂબ ઊંચા તાપમાને સ્પ્રે ડ્રાય કરવામાં આવે અને પછી ખૂબ જ નીચા તાપમાને એને ફ્રીઝ કરવામાં આવે. કેટલાક લોકો એને પાઉડર ફૉર્મમાં જ વેચે છે તો કેટલાક એની ગોળીઓ વાળીને અથવા તો કૅપ્સ્યુલમાં ભરીને સપ્લિમેન્ટ તૈયાર કરે છે. બીજી તરફ ખર્વસ બનાવવા માટે દૂધને સ્ટીમ કરીને એની બરફી જેવું બનાવવામાં આવે છે. શા માટે કોલોસ્ટ્રમનું જ ખર્વસ બને છે, સાદા દૂધનું નહીં એનું વિજ્ઞાન સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ગોપીયૂષ સામાન્ય કરતાં ગાઢું અને પીળા રંગનું હોય છે. એમાં કેસીન પ્રોટીન વધુ હોય છે અને ઇમ્યુનો મૉડ્યુલન્ટ્સની પણ હાજરી હોય છે. એને કારણે સ્ટીમ કરવાથી એ જામી જાય છે અને બરફી જેવું બની જાય છે. જોકે માર્કેટમાં જે ખર્વસ મળે છે એ હંમેશાં કોલોસ્ટ્રમ એટલે કે ગાયના પહેલા દૂધની જ હોય એવું સંભવ નથી. ખર્વસ હેલ્ધી છે એવી સમજ શહેરી માર્કેટમાં ફેલાઈ એ પછીથી સાદા દૂધની અંદર જિલેટિન નાખીને એને સ્ટીમ કરીને ખર્વસ બનાવવામાં આવે છે. આવી ખર્વસ કોલોસ્ટ્રમ જેવા કોઈ જ ફાયદા આપતી નથી. એટલે જો તમે ઘરે ખર્વસ બનાવતા હો તો એ ઉત્તમ રિઝલ્ટ આપે, કેમ કે એમાં ગોપીયૂષ જ વપરાયું છે એની ખાતરી હોય. પણ બજારના ખર્વસમાં એ ખાતરી નથી મળતી.’

સપ્લિમેન્ટ્સમાં કોલોસ્ટ્રમ હશે કે નહીં એ શોધવાની કોઈ પદ્ધતિ નથી અને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા એના માટે કોઈ રેગ્યુલેશન પણ નથી એટલે એ સપ્લિમેન્ટ્સ પણ ઑથેન્ટિક હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. ગાયનું પહેલું દૂધ જેટલું હિતકારી છે એટલું ભેંસનું નહીં. એમ છતાં દવા બનાવતી કંપનીઓ એમાં પણ ભેળસેળ કરતી હોય એવું સંભવ છે જ.

columnists life and style sejal patel