ખુશ રહેવું, ખુશ રાખવાઃ ફિટનેસનું આ જ રહસ્ય છે

20 November, 2023 06:09 PM IST  |  Mumbai | Rashmin Shah

દુનિયામાં સૌથી વધારે લોકો હૅપીનેસ ઇગ્નૉર કરતા થયા છે ત્યારે હૅપીનેસમાં હેલ્થ કઈ રીતે સચવાયેલી છે એ વિશે વાત કરે છે ઝી ટીવીની ‘ભાગ્યલક્ષ્મી’ સિરિયલનો ઍક્ટર રોહિત સુચાંતિ.

રોહિત સુચાંતિ

દુનિયામાં સૌથી વધારે લોકો હૅપીનેસ ઇગ્નૉર કરતા થયા છે ત્યારે હૅપીનેસમાં હેલ્થ કઈ રીતે સચવાયેલી છે એ વિશે વાત કરે છે ઝી ટીવીની ‘ભાગ્યલક્ષ્મી’ સિરિયલનો ઍક્ટર રોહિત સુચાંતિ. ‘સાસ બિના સસુરાલ’, ‘દિલ યે ઝિદ્દી હૈ’, ‘સાથ નિભાના સાથિયા’ જેવી અનેક સિરિયલો, મ્યુઝિક વિડિયો અને વેબ-સિરીઝ કરી ચૂકેલો રોહિત દરરોજ અચૂક બે કલાક વર્કઆઉટ કરે છે

ગોલ્ડન વર્ડ‍્સ
જેટલું તમે ખડખડાટ હસી શકો એટલી તમારી તબિયત સારી. ભલે હસવું ન આવે, છતાં પણ તમારા ચહેરા પર સ્મિત રાખો. ફેક ઇટ, અનટિલ યુ મેક ઇટ. 

જુઓ, સાચું કહું તો લાઇફ બહુ જ સિમ્પલ છે. આપણે જ એને કૉમ્પ્લિકેટેડ કરી દેતા હોઈએ છીએ. એ કૉમ્પ્લિકેટેડ થાય છે, કારણ કે સિમ્પલ વસ્તુની આપણને કદર નથી કરવી ગમતી. આજના સમયમાં ચારે બાજુ જ્યારે બહુબધું ટેન્શન, સ્ટ્રેસ અને રેસમાં ટકી રહેવાનું પ્રેશર વધ્યું છે ત્યારે હેલ્ધી રહેવું અઘરું થવાનું જ હતું. 

તમે જુઓને, એટલે જ સ્ટ્રેસ-રિલેટેડ પ્રૉબ્લેમ્સ કેટલા વધ્યા છે. ટાઇમસર અને સારું ખાઓ, કસરત કરો અને આરામ કરો. બસ, આટલું કરો એટલે તમે હેલ્ધી. જોકે આપણે એ પણ નથી કરતા, કારણ કે કંઈક છે જે આપણને રોકે છે અને જે રોકે છે એ છે આપણી અંદરનું સ્ટ્રેસ, પ્રેશર અને ટેન્શન.

હું અને મારું રૂટીન | મારો નિયમ છે કે દરરોજ બે કલાક વર્કઆઉટ કરવાનું. મારા વર્કઆઉટમાં સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ, કાર્ડિયો, સ્ટ્રેચિંગ એમ બધું સામેલ હોય. સવારે શૂટ પર જતા પહેલાં એક કલાક વર્કઆઉટ માટે જઉં. કંઈ પણ થાય, મારે આ ડિસિપ્લિન ફૉલો કરવાની જ કરવાની, કારણ કે વર્કઆઉટની બાબતમાં ડિસિપ્લિન બહુ મહત્ત્વની છે. ડિસિપ્લિન વિના તમે ક્યારેય રિઝલ્ટ ન મેળવી શકો. એ સિવાય કલાક રનિંગ, જૉગિંગ, વૉકિંગ માટે પણ કાઢું અને હા, બીજી એક ખાસ વાત...

હું રોનાલ્ડોનો બહુ જ મોટો ફૅન છું. રોનાલ્ડો મારું સૌથી મોટું મોટિવેશન છે. તેની જેમ ફિટનેસ-ગોલ્સ મેં બનાવ્યા છે અને એને બરાબર ફૉલો પણ કરું છું. મારી રૂમમાં અને મારા સેટ પર પણ મેં રોનાલ્ડોના મોટો ફોટો લગાવ્યા છે. જ્યારે થાક લાગે, કંટાળો આવે અને માઇન્ડ ગિવ-અપ કરવા પર હોય ત્યારે હું રોનાલ્ડોને જોઈ લઉં અને મારો ઉત્સાહ પાછો બેવડાઈ જાય. હું માનું છું કે દરેકના જીવનમાં એકાદી એવી વ્યક્તિ હોવી જોઈએ જે તમને કંઈ પણ બોલ્યા વિના, તમારી સાથે પ્રત્યક્ષ કમ્યુનિકેટ કર્યા વિના તમને મોટિવેટ કરી શકતી હોય. ઘણાં દૂષણો એને કારણે સહજ રીતે તમારાથી દૂર રહેશે.

ડાયટ હૈ સબકુછ | તમે ગમે એટલા વર્કઆઉટમાં ભાગતા રહો, પણ તમારો જીભ પર કન્ટ્રોલ નહીં હોય તો ક્યારેય તમને રિઝલ્ટ નહીં મળે. બધા કહે છે કે તમારી ફિટનેસમાં સિત્તેર ટકા ડાયટ, વીસ ટકા વર્કઆઉટ અને દસ ટકા આરામ હોય છે. તમે એ બૅલૅન્સ રાખી રહ્યા છો કે નહીં એ તમારે તમારી જાતને નિયમિત પૂછતા રહેવું જોઈએ. 

મારા ઘરમાં બધા ફૂડી છે અને મને પણ ખાવાનો શોખ છે, પરંતુ હું એ પછીયે અઠવાડિયાના પાંચ દિવસ સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરું છું. સેટ પર માત્ર સૅલડ ખાઉં. સાથે પ્રોટીન બાર, પનીર વગેરે આઇટમ પણ રાખતો હોઉં છું. પ્યૉર વેજિટેરિયન છું છતાં મારી પ્રોટીનની જરૂરિયાત સરસ રીતે પૂરી થાય છે.

health tips Rashmin Shah columnists