27 November, 2024 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ યુવાનોમાં દાઢી રાખવાનો ક્રેઝ ખૂબ જોવા મળે છે. પુરુષો દાઢીને એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ માને છે. ઘણી સ્ત્રીઓ પણ એવું માને છે કે દાઢી પુરુષોને વધુ આકર્ષક બનાવે છે. પણ એવું જોવામાં આવ્યું છે કે પાર્ટનરની દાઢીથી સ્ત્રીઓની ચહેરાની નાજુક ત્વચાને નુકસાન થઈ શકે છે? ફિઝિકલ ઇન્ટિમસી દરમ્યાન વહાલભરી ઝપ્પી અને પપ્પી આપતી-લેતી વખતે દાઢીના તીક્ષ્ણ વાળ ત્વચા પર ઘસાય ત્યારે સ્કિનનું જે નૅચરલ પ્રોટેક્ટિવ લેયર હોય એ રિમૂવ થઈ જાય છે. એને કારણે સ્કિન ઇરિટેશન થાય છે. આને જ બિયર્ડ બર્ન કહેવાય છે.
શું છે આ સમસ્યા?
બિઅર્ડ બર્નને એક પ્રકારનો કૉન્ટૅક્ટ ડર્મેટાઇટિસ કહેવાય છે જે ત્વચાના દાઢી સાથે ઘસાવાથી થાય છે. બિઅર્ડ બર્નનાં સામાન્ય લક્ષણોની વાત કરીએ તો એમાં તમારા ચહેરા પર રેડનેસ આવી શકે, ઇચીનેસ એટલે કે ખંજવાળ આવી શકે, ઘણી વાર દાઢી ઘસાઈ હોય એ ભાગમાં બળતરા પણ થઈ શકે. એ સિવાય જો તમારી સ્કિન પર વારંવાર દાઢીના વાળ ઘસાયા કરે અને તમે તમારી ત્વચાને હીલ થવાનો સમય ન આપો તો સમસ્યા વણસી શકે છે. તમારી ત્વચા ફાટી શકે છે, પરિણામે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન્સનું જોખમ વધી શકે છે. એમાં પણ જેમને અગાઉથી જ ખીલ, રોસેશિયા, એક્ઝિમા (ખરજવું) જેવી ત્વચા સંબંધિત બીમારી હોય તો બિઅર્ડ બર્નને કારણે તેમની સમસ્યા વધુ વણસી શકે છે.
ઉપાય શું?
મોટા ભાગે જ્યારે બિઅર્ડ નવી ઊગી રહી હોય ત્યારે આવી સમસ્યા વધુ થાય છે. એમ છતાં તમને વારંવાર બિઅર્ડ બર્નની સમસ્યા આવતી હોય તો તમારે પાર્ટનર સાથે બેસીને આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ.
પાર્ટનરને બિઅર્ડ ટ્રિમ કરવાનું કહેવું જોઈએ. દાઢીના વાળને સૉફ્ટ રાખે એવા બિઅર્ડ ઑઇલ અને મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ.
બિઅર્ડ બર્નને કારણે ચહેરા પર રેડનેસ કે ઇચીનેસ થઈ હોય તો ત્વચાને રાહત આપવા માટે તમે મૉઇશ્ચરાઇઝિંગ ક્રિમનો ઉપયોગ કરી શકો.
ચહેરા પર અલોવેરા જેલ પણ લગાવી શકો, કારણ કે એમાં પણ ઍન્ટિઇન્ફ્લમૅટરી, ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિફંગલ પ્રૉપર્ટીઝ હોય છે.