ટીબીની સારવાર પત્યા પછી શરીરને ફરીથી મજબૂત કરવા આયુર્વેદ ઉત્તમ છે

17 July, 2024 07:30 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

ક્ષય રોગમાં સ્નાયુઓ ઢીલા અને અશક્ત થઈ ગયા હોય છે. એને બળ મળે એ માટે અભ્યંગ ઉત્તમ છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ભલે ભારતનું આર્થિક પાટનગર કહેવાતું, આપણા શહેરમાં વર્ષોજૂના રાજરોગ કહેવાતા ક્ષયના દરદીઓની સંખ્યા ઘણી વધારે છે. હવે ખૂબ અસરકારક ઍન્ટિ-બાયોટિક્સ આવી ગઈ છે જેનાથી ક્ષય રોગ મટે છે. જોકે આ દવા એટલી ભારે હોય છે કે એની આડઅસરથી પણ દરદી અડધો થઈ જાય છે. અધૂરામાં પૂરું, લોકો આ દવાનો કોર્સ પણ અધૂરો રાખીને ટ્રીટમેન્ટ પડતી મૂકી દે છે. કફ, ખાંસી અને તાવ જેવાં લક્ષણો મટે એટલે દવા બંધ કરી દે છે. આને કારણે ટીબીના જીવાણુઓ ડ્રગ રેઝિસ્ટન્સ થઈ જાય છે. મોટા ભાગે ટીબીનો કોર્સ પૂરો કર્યા પછી એની આડઅસરો અધધધ હોય છે. દવાઓ ગરમ પડી હોવાથી શરીરમાં નબળાઈ લાગે છે, ભૂખ ઊઘડતી જ ન હોવાથી ખવાતું નથી. દરદી સ્થિર લાંબો સમય ઊભો રહી શકે એટલી પણ શક્તિ ન હોય એવું બને છે. સૂકી ખાંસી હજીયે પીછો નથી છોડતી.

આવા દરદીઓએ દિનચર્યામાં આયુર્વેદની દવાઓનો સમાવેશ કરીને ટીબી પછીની આડઅસરો મટાડી શકે છે. ઍલોપથી દવાઓથી ફેફસાંમાં રહેલો કફ બહાર નીકળવાને બદલે સુકાઈ જતો હોય છે એટલે ફેફસાંને બળ મળે, એમાં રહેલાં ટૉક્સિન્સ દૂર થાય એ માટે કેટલીક કાળજી લેવી જોઈએ. એનાથી રિકવરી ઝડપી થશે.

ટીબીની સૂકી ખાંસી માટે સિતોપલાદિ, જેઠીમધ, અરડૂસી, સૂંઠ અને ભોરિંગણીનાં મૂળ આ દ્રવ્યો મિક્સ કરીને રાખવાં. એક-એક ચમચી ચૂર્ણ સવારે-બપોરે અને સાંજે ત્રણ વાર મધ સાથે મેળવીને લેવું. કફ ખોતરાઈને નીકળી જાય એ માટે કંટકારી અવલેહ ઉત્તમ છે. આ અવલેહ દિવસમાં ત્રણ વાર એક-એક ચમચી લેવું. એના પર સહેજ ગરમ અને હૂંફાળું પાણી પીવું.

ક્ષય રોગમાં સ્નાયુઓ ઢીલા અને અશક્ત થઈ ગયા હોય છે. એને બળ મળે એ માટે અભ્યંગ ઉત્તમ છે. ચંદનબલાલાક્ષાદિ તેલથી સ્નાયુઓ અને હાડકાં બન્ને મજબૂત થશે. આ તેલ સહેજ ગરમ કરીને નવશેકું હોય ત્યારે એનાથી ઊભા રૂંવાડે માલિશ કરવી. મતલબ કે તમારી રુવાંટી જે દિશામાં છે એનાથી વિપરીત દિશામાં હાથ ફેરવવો.

તરત ભૂખ વધી જાય એવી અપેક્ષા રાખવાને બદલે એવું ખાઓ જે ઓછું ખાવા છતાં શરીરને વધુ મજબૂત બનાવે. દૂધ અને ખજૂરનું કૉમ્બિનેશન સારું રહેશે. ખજૂરની પેશીમાંથી ઠળિયા કાઢી નાખવા અને એમાં ગાયનું થીજેલું ઘી ભરી લેવું. આ ખજૂર ચાવી-ચાવીને ખાવી અને ઉપર એક ગ્લાસ ગાયનું દૂધ પીવું.

health tips life and style columnists